Home Gujarat Jagdish Vishwakarma Visits Bjp Control Room Gujarat Heavy Rain

ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ભાજપા સક્રિય : પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ 'શ્રી કમલમ' ખાતે 24x7 કંટ્રોલ રૂમની મુલાકાત લીધી

શ્રી કમલમ ખાતે ભારે વરસાદ દરમિયાન ભાજપાના કંટ્રોલ રૂમની મુલાકાત લેતા જગદીશભાઈ વિશ્વકર્મા.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 24, 2026, 09:40 AM IST

Gujarat News: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહત અને સેવા કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યભરમાં સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે કાર્યરત 24 કલાક અને સપ્તાહના સાતેય દિવસ કાર્યરત કંટ્રોલ રૂમની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે કંટ્રોલ રૂમમાં કાર્યરત ટીમ પાસેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ અને પૂરની સ્થિતિ, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મળી રહેલી માહિતી, રાહત કામગીરીની પ્રગતિ તેમજ સ્થાનિક સંગઠન અને સરકારી તંત્ર વચ્ચેના સંકલન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ તેમણે કંટ્રોલ રૂમમાં કાર્યરત કાર્યકર્તાઓને સતત સતર્ક રહીને લોકો સુધી ઝડપથી મદદ પહોંચે તે માટે સંકલિત રીતે કાર્ય કરવાની સૂચના આપી હતી.

'સેવા હી સંગઠન'ના સંકલ્પ સાથે ભાજપા પ્રજાની પડખે

આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિના આ કપરા સમયમાં ભારતીય જનતા પાર્ટી 'સેવા હી સંગઠન'ના સંકલ્પને કેન્દ્રમાં રાખીને અસરગ્રસ્ત નાગરિકોની મદદ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. રાજ્યના કોઈપણ વિસ્તારમાં વરસાદ અથવા પૂરથી મુશ્કેલીમાં મુકાયેલા લોકોને સમયસર રાહત અને જરૂરી સહાય ઉપલબ્ધ થાય તે માટે સંગઠનના તમામ સ્તરે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી ભાજપાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા અને મહાનગર સંગઠનના હોદ્દેદારો તેમજ હજારો કાર્યકર્તાઓ સરકારી તંત્ર સાથે સતત સંકલન જાળવીને સેવા કાર્યમાં જોડાયેલા રહેશે. જરૂરિયાતમંદ પરિવારો સુધી જરૂરી માહિતી પહોંચાડવા, રાહત સામગ્રીનું વિતરણ, સ્થળાંતરની જરૂરિયાત હોય ત્યાં માર્ગદર્શન આપવું તેમજ સ્થાનિક તંત્રને સહયોગ આપવાની કામગીરીને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

જિલ્લા અને મહાનગર કાર્યાલયોમાં પણ શરૂ કરાયા કંટ્રોલ રૂમ

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપા દ્વારા જિલ્લા તેમજ મહાનગર કાર્યાલયોમાં પણ 24x7 હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. આ કંટ્રોલ રૂમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મળતી માહિતીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં રહી જરૂરિયાત મુજબ તાત્કાલિક સહાય પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાર્ટીના જણાવ્યા મુજબ, વિવિધ જિલ્લાઓમાં કાર્યરત કંટ્રોલ રૂમ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને લોકોને માર્ગદર્શન આપવાનું, તાકીદની પરિસ્થિતિમાં યોગ્ય વિભાગો સુધી માહિતી પહોંચાડવાનું અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સતત કાર્યરત રહેશે.

કાર્યકર્તાઓને સેવા કાર્ય વધુ વેગવાન બનાવવાની અપીલ

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તમામ જિલ્લા અને મહાનગર સંગઠનને સૂચના આપી હતી કે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત લોકો સુધી ઝડપથી પહોંચી તેમની સમસ્યાઓ સાંભળવી અને શક્ય તેટલી વહેલી તકે તેનું નિરાકરણ લાવવા માટે સરકારી તંત્ર સાથે સંકલનમાં રહેવું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કુદરતી આપત્તિના સમયમાં સમાજની સેવા કરવી એ સંગઠનની પ્રાથમિક જવાબદારી છે અને દરેક કાર્યકર્તાએ માનવતાના ભાવ સાથે કાર્ય કરવું જોઈએ. તેમણે કાર્યકર્તાઓને લોકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અંગે પણ જાગૃત કરવાની અપીલ કરી હતી. ભાજપા દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે અને જરૂરિયાત મુજબ રાહત અને સેવા કામગીરીને વધુ મજબૂત બનાવવામાં આવશે.

અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ, મદદ માટે કાર્યકર્તાઓને સૂચના

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપા પ્રદેશ સંગઠન દ્વારા રાજ્યના તમામ જિલ્લા એકમો સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતીના આધારે જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં સ્થાનિક કાર્યકર્તાઓ અને જનપ્રતિનિધિઓને તાત્કાલિક પહોંચી રાહત કામગીરીમાં જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડવામાં કોઈ વિલંબ ન થાય તે માટે કંટ્રોલ રૂમ દ્વારા સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: મહેસાણા આતંકી કાવતરું કેસ: ATSએ તમામ 10 આરોપીઓ કડી કોર્ટમાં કર્યા રજૂ : રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવાની તજવીજ

લોકોને સતર્ક રહેવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ નાગરિકોને ભારે વરસાદની સ્થિતિ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, કુદરતી આપત્તિના સમયમાં સમાજના દરેક વર્ગે એકબીજાને સહયોગ આપવો જરૂરી છે અને સરકાર, વહીવટી તંત્ર તથા સામાજિક સંસ્થાઓ સાથે મળીને સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now