Home Gujarat Jagannath Rathyatra 2025 Ahmedabad Mameru

જગતના નાથનું મામેરું જોવા ઉમટ્યું માનવ મહેરામણ : તેરા તુજકો અર્પણ! મોસાળમાં ભગવાનના ભવ્ય મામેરાના દર્શન, સોના-ચાંદીના આભૂષણો અને કિંમતી ચીજોની ભેટ

જગતના નાથનું મામેરું જોવા ઉમટ્યું માનવ મહેરામણ
Published by: OBS Bureau
Last Updated: Jun 22, 2025, 11:47 AM IST

Rathyatra 2025: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 27 જૂનના રોજ અમદાવાદમાં નીકળનારી જગતના નાથની રથયાત્રાની પરંપરાગત વિધિઓ અને રથયાત્રા પૂર્વેના પવિત્ર પ્રસંગોનો હવે પ્રારંભ થઈ ગયો છે. જેના ભાગરૂપે આજે ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર ખાતે ભવ્ય મામેરું દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું. દર વર્ષે અલગ અલગ યજમાન દ્વારા ભગવાનનું મામેરું કરવામાં આવે છે. તેના માટે નું કેટલાંય વર્ષો સુધીનું લિસ્ટ અગાઉથી બુક થઈ ચુક્યું છે.

આ વખતે ભગવાનના મામેરાનો અનેરો અવસર અમદાવાદના ત્રિવેદી પરિવારને મળ્યો છે. ઉલ્લેખનીય છેકે, આ વર્ષે વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીમાં રહેતા મનીષભાઈ ત્રિવેદી આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે અત્યંત ભાવ અને શ્રદ્ધાથી ભગવાન માટે આ ભવ્ય મામેરું તૈયાર કર્યું છે. યજમાન પરિવારે આજે સરસપુર મંદિર ખાતે આ મામેરું અર્પણ કર્યું હતું.

ત્યારે ભગવાનનું મામેરું કરવા માટે વાસણાના મનીષભાઈ ત્રિવેદીના યજમાન પરિવાર દ્વારા ભાવભેર મામેરું અર્પણ કરવામાં આવ્યું છે. આ અલૌકિક મામેરાના દર્શન માટે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના મોસાળ સરસપુર ખાતે ઉમટી પડ્યા હતા. જ્યાં ભજન તથા 'જય રણછોડ'ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ભગવાનના મામેરાના દર્શન કરવા માટે સરસપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાનના મામેરાના દર્શન માટે શહેરના સરસપુર મંદિરથી લઈને શારદાબેન ચાર રસ્તા સુધી ભક્તોની લાંબી લાઈન લાગી છે.

અલૌકિક વાઘા અને આભૂષણોની ભેટઃ
યજમાન દ્વારા જગતના નાથના મામેરામાં આ વર્ષે સોના-ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. અવનવી ડિઝાઇન સાથેના આ વાઘા અને દાગીના દર્શન માટે મૂકવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. જેને નિહાળવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

આવતીકાલે વાસણામાં ભવ્ય શોભાયાત્રા નીકળશે-
યજમાન પરિવારે જણાવ્યું હતું કે, આવતીકાલે 23 જૂન, સોમવારના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ આ મામેરું વાસણા અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે. ત્યાંથી સમગ્ર વાસણા વિસ્તારમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં 5000થી વધુ લોકો જોડાશે તેવી શક્યતા છે. આ શોભાયાત્રા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આગામી રથયાત્રાના ઉત્સાહને વધુ વેગ આપશે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now