મધ્યપ્રદેશના જબલપુર રેલ્વે સ્ટેશન પર એક વિચિત્ર ઘટના બની છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ઓનલાઈન પેમેન્ટ નિષ્ફળ ગયા બાદ એક સમોસા વિક્રેતાએ એક મુસાફરને ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતારી દીધો, તેનો કોલર પકડી લીધો અને તેની ઘડિયાળ છીનવી લીધી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઓનલાઈન પેમેન્ટ નિષ્ફળ, વિક્રેતાનું ઉગ્ર વલણ
વીડિયોમાં દેખાય છે કે મુસાફર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ચુકવણી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પેમેન્ટ નિષ્ફળ જાય છે. બાદમાં સમોસા વિક્રેતા મુસાફરને પકડીને પૈસા ચૂકવવા માટે દબાણ કરે છે. વીડિયોમાં મુસાફર ટ્રેનમાંથી ઉતરતો અને પાછો ચડવાનો પ્રયત્ન કરતો પણ દેખાય છે. અંતે, તે પોતાની સ્માર્ટવોચ વિક્રેતાને આપે છે જેથી તે સમયસર ટ્રેન પકડી શકે.
સ્થાનિક સ્તરે મળેલી માહિતી મુજબ, એક મુસાફર સમોસા ખરીદવા માટે ટ્રેનમાંથી ઉતર્યો હતો, પરંતુ તેની ટ્રેન ચાલવા તૈયાર હતી. ઉતાવળમાં તેણે મોબાઇલ દ્વારા પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો, જે નિષ્ફળ ગયો. ટ્રેન ચાલવાની હોવાથી મુસાફરે સમોસા મૂકીને જવાની કોશિશ કરી, પરંતુ વિક્રેતાએ તેનો કોલર પકડી લીધો અને સમોસા માટે પૈસા ચૂકવવાની માંગણી કરી. મુસાફર પર સમય બગાડવાનો આરોપ મૂકતાં વિક્રેતાએ હંગામો કર્યો.
ગભરાયેલા મુસાફરે પોતાની સ્માર્ટવોચ કાઢી અને સમોસા વિક્રેતાને આપી દીધી, જેથી તે ટ્રેન પકડી શકે. વિક્રેતાએ ઘડિયાળ લીધી અને મુસાફરને જવા દીધો. આ ઘટના બાદનો વીડિયો વાયરલ થતાં સોશ્યલ મીડિયામાં ભારે પ્રતિસાદ જોવા મળ્યો છે. મુસાફરોની સુરક્ષા અને રેલ્વે સ્ટેશનો પર વિક્રેતાઓના વર્તન અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આરપીએફ દ્વારા વિક્રેતાની અટકાયત, વેન્ડિંગ લાઇસન્સ સસ્પેન્ડ
જાણકારી મુજબ, આ ઘટના 17 ઑક્ટોબર, 2025ના રોજ જબલપુર રેલ્વે સ્ટેશન પર બની હતી. વાયરલ વીડિયો સામે આવતા જ જબલપુરના ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM)એ તપાસના આદેશ આપ્યા. તપાસમાં ખુલ્યું કે આ ઘટનામાં સંડોવાયેલા વિક્રેતાની ઓળખ થઈ ગઈ છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ તરત જ તેની સામે કેસ દાખલ કરીને વિક્રેતાને અટકાયત કરી છે. ઉપરાંત, તેનું વેન્ડિંગ લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. DRMએ જણાવ્યું કે મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવશે અને રેલ્વે સ્ટેશનો પર અનિચ્છનીય વર્તન સહન નહીં કરવામાં આવે.
વિડિયો વાયરલ થતા ચર્ચા તેજ
આ ઘટના બાદ સોશ્યલ મીડિયામાં મુસાફરો દ્વારા વિવિધ પ્રકારના પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ મુસાફરની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, જ્યારે કેટલાકે વિક્રેતાના વર્તનની કડક નિંદા કરી છે. આ બનાવે રેલ્વે તંત્રને વેન્ડિંગ સિસ્ટમની દેખરેખ અને મુસાફરોની સુરક્ષા અંગે વધુ જવાબદાર બનવાની જરૂરિયાત તરફ ઈશારો કર્યો છે.






