JK Terrorist Attack: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મોટો આતંકી હુમલો થયો છે. પહલગામ શહેરમાં આજે (મંગળવારે) એક ટૂરિસ્ટ રિસોર્ટમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક પ્રવાસીનું મોત થયું છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2 આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પહેલા તેઓએ પ્રવાસીને તેનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી મારી. આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયેલા પ્રવાસીઓ રાજસ્થાનના છે. ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. સૈનિકો હાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ પહેલગામમાં ઘોડેસવારી પ્રવાસીઓના સમૂહને નિશાન બનાવ્યું હતું. લગભગ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ પછી તે ત્યાંથી ભાગી ગયા હતો. આ આતંકી હુમલામાં ગંભીર રીતે ઘાયલ એક સહિત 12 પ્રવાસીઓ ઘાયલ થયા છે. આ તમામને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન ભારતીય આર્મી વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસની SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
આતંકવાદી હુમલા બાદ સરકાર એક્શનમાં છે. પીએમ મોદીએ અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આ ઘટના અંગે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સખતમાં સખત સજા અપાવીશું. ગૃહમંત્રી અમિત શાહ થોડી જ વારમાં શ્રીનગર પહોંચી ગયા. અહીં ગૃહમંત્રી તમામ એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક કરશે.
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. આ હુમલો જમ્મુ-કાશ્મીરની વિકાસ યાત્રાને રોકવાનો પ્રયાસ હતો. આપણા વડા પ્રધાને આની નોંધ લીધી છે. ગૃહમંત્રી અમિત શાહ ત્યાં પહોંચી રહ્યા છે, અને કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભારતમાં ઇઝરાયેલ દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાથી તે ખૂબ જ દુઃખી છે. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. આતંકવાદ સામેની લડાઈમાં ઈઝરાયેલ ભારત સાથે એકજુટ છે.
જમ્મુ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી છે. આઝાદે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
તેમણે કહ્યું કે આતંકવાદના આ બર્બર કૃત્યની સખત નિંદા થવી જોઈએ અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આઝાદે ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય અને પીડિતોના પરિવારોને વ્યાપક મદદ આપવા પર ભાર મૂક્યો હતો.
જમ્મુ અને કાશ્મીર પ્રશાસને પહેલગામ આતંકી હુમલાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં પ્રવાસીઓને મદદ કરવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. આ 24 કલાક ઉપલબ્ધ રહેશે. જિલ્લા એસએસપી અનંતનાગના જણાવ્યા અનુસાર, હેલ્પડેસ્કના ટેલિફોન નંબરો છે- 9596777669, 01932225870. આ સિવાય એક વોટ્સએપ નંબર છેઃ 9419051940. પ્રવાસીઓ આ નંબરો પર સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી શકે છે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે આતંકવાદી હુમલો દુઃખદાયક છે. આ એક ઘાતકી અને અમાનવીય કૃત્ય છે. નિર્દોષ નાગરિકો પર હુમલો કરવો, આ કિસ્સામાં પ્રવાસીઓ, અત્યંત ભયાનક અને અક્ષમ્ય છે. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના.
વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પહલગામમાં પ્રવાસીઓના મોત અને અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર અત્યંત નિંદનીય અને હૃદયદ્રાવક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. તેમણે કહ્યું કે આખો દેશ આતંકવાદ સામે એકજૂટ છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે સરકારે હવે જવાબદારી લેવી જોઈએ અને ભવિષ્યમાં આવી બર્બર ઘટનાઓ ન બને અને નિર્દોષ ભારતીયો આ રીતે જીવ ન ગુમાવે તે માટે નક્કર પગલાં લેવા જોઈએ.






