નવા નાણાકીય વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દર વર્ષે અનેક ટેક્સપેયર્સ વહેલો રિફંડ મેળવવાની આશામાં એપ્રિલ અથવા મે મહિનામાં જ ITR ફાઈલ કરી દેતા હોય છે. પરંતુ ટેક્સ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ઉતાવળમાં ભરાયેલું ITR આગળ જઈને મુશ્કેલીનું કારણ બની શકે છે. ખોટી માહિતી, અધૂરા ડેટા અથવા TDS અપડેટ ન હોવાને કારણે ટેક્સ વિભાગ તરફથી નોટિસ પણ આવી શકે છે.
15 જૂન પહેલાં ITR ફાઈલ કરવું ઘણા કિસ્સાઓમાં જોખમી સાબિત થઈ શકે છે. કારણ કે આ સમય સુધી ઘણી કંપનીઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓ જરૂરી ટેક્સ સંબંધિત ડેટા સંપૂર્ણ રીતે અપડેટ કરતી નથી. પરિણામે ટેક્સ ગણતરીમાં ભૂલો થવાની શક્યતા વધી જાય છે.
મહત્વપૂર્ણ આવકની વિગતો
ઘણા લોકો માત્ર સેલેરીના આધાર પર જ ITR ફાઈલ કરી દે છે, પરંતુ ટેક્સ રિટર્નમાં અન્ય આવકોનો સમાવેશ કરવો પણ ફરજિયાત હોય છે. જેમ કે બેંક FD પર મળતું વ્યાજ, સેવિંગ એકાઉન્ટનું ઈન્ટરેસ્ટ, શેર બજારમાંથી થયેલો નફો, મ્યુચ્યુઅલ ફંડની આવક અથવા અન્ય રોકાણોથી મળતી કમાણી.
જો આ માહિતી રિટર્નમાં ઉમેરાતી નથી તો ઇન્કમ ટેક્સ વિભાગના રેકોર્ડ સાથે ડેટા મેચ નહીં થાય. આવી સ્થિતિમાં વિભાગ તરફથી ટેક્સપેયરને નોટિસ મોકલવામાં આવી શકે છે. ઘણા લોકો પછી રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવા મજબૂર બને છે, જેના કારણે સંપૂર્ણ પ્રક્રિયા લાંબી અને જટિલ બની જાય છે. ટેક્સ સલાહકારો કહે છે કે મે મહિનાના અંત સુધીમાં ઘણી વખત તમામ નાણાકીય માહિતી ઉપલબ્ધ હોતી નથી. તેથી સંપૂર્ણ ડેટા મળ્યા વિના ITR ભરવાથી ભૂલની શક્યતા વધી જાય છે.
આ પણ વાંચો: EPFO Update: સૌથી મોટા ખુશખબર! : UPI દ્વારા ઉપાડી શકાશે PFના પૈસા, ટેસ્ટિંગ થયું પૂરું
TDS અને AIS અપડેટ ન હોય તો વધી શકે સમસ્યા
ITR ફાઈલ કરતા પહેલાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે Form 26AS અને AIS એટલે કે Annual Information Statement ચેક કરવું. આ બંને દસ્તાવેજોમાં ટેક્સપેયરની આવક અને કપાયેલો TDS દર્શાવવામાં આવે છે.
ઘણા કિસ્સાઓમાં બેંકો અને કંપનીઓ જૂન મહિનાની શરૂઆત સુધી TDS ડેટા અપડેટ કરતી રહે છે. જો ટેક્સપેયર આ પહેલાં જ રિટર્ન ફાઈલ કરી દે તો TDSની સંપૂર્ણ માહિતી દેખાતી નથી. પરિણામે ટેક્સ વધુ બતાવી શકે છે અથવા મળવાનો રિફંડ ઓછો થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે AISમાં જો કોઈ આવક દેખાતી હોય અને તે ITRમાં ન દર્શાવવામાં આવે તો ટેક્સ વિભાગ તેને ગેરમેળ તરીકે ગણાવી શકે છે. આવી સ્થિતિમાં વિભાગ તરફથી સ્પષ્ટતા માંગતો નોટિસ આવી શકે છે.
આ પણ વાંચો: રસોડાના સાધનો બનાવતી આ દિગ્ગજ કંપનીએ જાહેર કર્યું 750% ડિવિડન્ડ : કંપનીનો નફો જાણીને ચોંકી જશો!
કંપનીઓ મોડું આપે છે જરૂરી ફોર્મ
ITR ફાઈલિંગ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં Form 16નો સમાવેશ થાય છે. કર્મચારીઓ માટે કંપની દ્વારા જારી કરવામાં આવતો આ ફોર્મ સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆત અથવા મધ્ય સુધી ઉપલબ્ધ થાય છે. આ સિવાય બેંકો પણ વ્યાજ અને TDS સંબંધિત માહિતી અપડેટ કરવામાં સમય લેતી હોય છે. તેથી Form 16 મળ્યા પહેલાં ITR ભરવું જોખમી બની શકે છે. કારણ કે પછી ડેટામાં ફેરફાર આવે તો ફરીથી રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવું પડે છે. ખાસ કરીને એવા લોકો માટે વધુ સાવધાની જરૂરી બને છે જેમની એકથી વધુ આવકના સ્ત્રોત હોય અથવા જેમણે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ અથવા પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હોય.
ખોટું ITR ભરવાથી શું થઈ શકે નુકસાન?
જો ITRમાં આવક, TDS અથવા રોકાણ સંબંધિત માહિતી ખોટી દાખલ થાય તો ટેક્સ વિભાગ તરફથી પૂછપરછ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં ટેક્સપેયરને ફરીથી સુધારેલ રિટર્ન ફાઈલ કરવું પડે છે. રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરવાથી રિફંડ પ્રક્રિયા મોડું પડી શકે છે. ઉપરાંત જો ટેક્સની ગણતરી ખોટી હોય તો વધારાનો ટેક્સ અને વ્યાજ પણ ભરવું પડી શકે છે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર વહેલો રિફંડ મેળવવાની લાલચમાં ઉતાવળ કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: આનંદો, હવે મળશે જોખમ વગર સ્થિર આવક! : પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળે છે FD કરતા પણ વધારે વ્યાજ
ITR ફાઈલ કરતા પહેલાં આ બાબતો જરૂર ચેક કરો
ટેક્સપેયર્સે ITR ફાઈલ કરતા પહેલાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા કંપની પાસેથી Form 16 મેળવી લેવો જોઈએ. ત્યારબાદ AIS અને Form 26ASમાં દર્શાવાયેલ માહિતી સાથે પોતાની આવક મેચ કરવી જરૂરી છે.
બેંક ખાતામાં મળેલા વ્યાજની માહિતી, FD ઈન્ટરેસ્ટ, ડિવિડન્ડ ઈન્કમ અને શેર બજાર સંબંધિત તમામ ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ તૈયાર રાખવો જોઈએ. આ સિવાય યોગ્ય ટેક્સ રજીમ પસંદ કરવી પણ ખૂબ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતોનું માનવું છે કે થોડો સમય લઈને સંપૂર્ણ અને સાચી માહિતી સાથે ITR ફાઈલ કરવાથી આગળની મુશ્કેલીઓથી બચી શકાય છે.





