આ સિઝનમાં રેઈનકોટ સાથે રાખવો કે સ્વેટર તે જ સમજાઈ નથી રહ્યું ત્યાં તો પતંગના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. આ વર્ષે ઉત્તરાયણની મજા ફિક્કી રહે તેવી આગાહી કરવામાં આવી છે.કારણ કે આ વર્ષે 14 જાન્યુઆરી આસપાસ વરસાદ પડી શકે છે. જે રીતે ઋતુ ચક્ર બદલાઈ રહ્યું છે અને સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તેને જોતા આ ઉત્તરાયણ પર વરસાદની શક્યતા વધારે છે. આ વર્ષે માર્ચ મહિના સુધી એટલે કે શિયાળા અને ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાવાની અને વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. એમાં તો જાન્યુઆરી મહિનામાં તો બે વાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આ આગાહી કરી રહ્યા છે.
ડિસેમ્બર કરતા જાન્યુઆરી આકરો રહેશે
વર્ષ 2024ના છેલ્લા મહિના એટલે કે ડિસેમ્બરમાં પણ આવું જ વાતાવરણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે ડિસેમ્બરમાં લોકોને સ્વેટર પહેરવાની જરૂર પડતી હોય છે પરંતુ આ વખતે તો રેઈનકોટની પણ જરૂર પડી.જ્યારે ઠંડી પડી ત્યારે ખૂબ જ પડી અને છેલ્લા અઠવાડિયામાં તો માવઠું પણ આવ્યું હતું. આવી જ સ્થિતિ હવે જાન્યુઆરીમાં જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં જાન્યુઆરી મહિનામાં જેટલા માવઠા આવ્યા છે તેના કરતા આ વર્ષે વધુ માવઠા આવવાની અને વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કાતિલ ઠંડીની આગી
ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો હાલ રાજ્યમાં ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ઠંડી લાગી રહી છે. હાલ જે ઠંડીમાં આંશિક રાહત મળી છે, તે બે દિવસ માટે જ છે. બે દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની શક્યતા છે.આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે.જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. જેના કારણે ઠંડી પડશે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






