ગુજરાતની રાજનીતિમાં નવા ચહેરા અને નવા મુદ્દાઓ સાથે આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી હવે ચૂંટણી પૂર્વે મોટો રાજકીય દાવ રમવા તૈયાર થઈ ગઈ છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા રાજ્ય માટેનો મહત્વપૂર્ણ મેનિફેસ્ટો જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મેનિફેસ્ટો ગુજરાતના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. રાજકીય વર્તુળોમાં આ જાહેરાતને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે, કારણ કે આથી પાર્ટીની આગામી ચૂંટણીની દિશા સ્પષ્ટ થશે.
પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે પ્રેસ કોન્ફરન્સ
આ મહત્વપૂર્ણ મેનિફેસ્ટો જાહેર કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સ સવારે લગભગ 9:39 થી 11:30 દરમિયાન યોજાવાની છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવી પાર્ટીના મુખ્ય વચનો અને યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપશે તેમજ મીડિયા દ્વારા પૂછાતા સવાલોના જવાબ આપશે.
રાજ્યના મુદ્દાઓ પર રહેશે ખાસ ફોકસ
મેનિફેસ્ટોમાં ખાસ કરીને ગુજરાતના વર્તમાન મુદ્દાઓ જેમ કે બેરોજગારી, મોંઘવારી, પાણી અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતો પર ખાસ ભાર મૂકવામાં આવશે. સાથે જ યુવાનો અને મહિલાઓ માટે ખાસ યોજનાઓની પણ જાહેરાત થવાની શક્યતા છે. પાર્ટી દ્વારા રાજ્યમાં વિકલ્પરૂપ શાસન મોડલ રજૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
વાયરલ CCTV મામલે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈસુદાન ગઢવીએ તાજેતરમાં વાયરલ થયેલા CCTV વિડિઓ મામલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આમ આદમી પાર્ટીને અત્યારે ગુજરાતમાં ખુબ જ સારો આવકાર મળી રહ્યો છે. લોકો હવે ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રશ્નો પૂછે છે અને અસંતોષ વ્યક્ત કરે છે. ભાજપ સ્પષ્ટ રીતે દબાણમાં દેખાઈ રહી છે. ભાજપ અને તેની સાથે કોંગ્રેસ, બંને મળીને ચૂંટણી લડી રહ્યા હોવાનો અહેસાસ લોકોમાં થઈ રહ્યો છે, છતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મજબૂતીથી, કોઈપણ દબાણ કે ભય વગર ચૂંટણી લડી રહ્યા છે. તારીખે આવનારા પરિણામો ગુજરાતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ રહેશે, અને એ જ કારણ છે કે, ભાજપ વિવિધ પ્રકારના પ્રયાસો અને શડયંત્રો દ્વારા આ લડતને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. અમે ભાજપને કહેવા માંગીએ છીએ કે જો તમે આટલી મહેનત પ્રજાની સેવા માટે કરી હોત, તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત. લોકો હવે પ્રશ્નો પૂછે છે અને જવાબ માંગે છે. ગુજરાતની જનતા સમજદાર છે. તેઓ જાણે છે કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે. અમારી પાસે સત્તા કે સંપત્તિ નથી, પરંતુ લોકોનો વિશ્વાસ છે. લોકો માત્ર એટલું કહે છે કે તમે મજબૂતીથી લડો, અમે તમારો સાથ આપશું. આ દરમિયાન, આમ આદમી પાર્ટીના દોઢસોથી વધુ કાર્યકરો સામે કેસ નોંધાયા છે. ઈસુદાન ગઢવી સહિતના નેતાઓને રજૂઆત કરવા જતા અટકાયત કરવામાં આવી છે, અને અન્ય ઘણા કાર્યકરોને પણ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ શું દર્શાવે છે? અન્ય પક્ષોના કાર્યકરો સામે આવા પગલાં કેમ લેવામાં આવતા નથી?
વધુમાં તેઓ કહે છે કે,અમારી પાસે ઘણા ઉદાહરણો છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ એકબીજાને મદદ કરતાં જોવા મળે છે. કેટલાક સ્થળોએ કોંગ્રેસના નેતાઓ લોકો પાસે આમ આદમી પાર્ટીને મત ન આપવાની અપીલ કરે છે, જ્યારે ભાજપના નેતાઓ પણ કોંગ્રેસના ઉમેદવારોને સહકાર આપતા જોવા મળે છે. ગુજરાતની જનતાને અમારી વિનંતી છે કે આ બધાં પ્રચાર, આરોપ-પ્રત્યારોપ અને દબાણોથી દૂર રહીને સમજદારીપૂર્વક નિર્ણય લો. જાતિ, ધર્મ અને અન્ય ભેદભાવ ભૂલીને, ખેડૂત, મજૂર અને સામાન્ય નાગરિકના હિતમાં મતદાન કરો. આ બધાં અત્યાચાર સામે લડવા માટે અમે તૈયાર છીએ, પરંતુ અમને તમારા સાથ અને વિશ્વાસની જરૂર છે.
ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીની આ પ્રેસ કોન્ફરન્સ અને મેનિફેસ્ટો જાહેર કરવાની જાહેરાતથી રાજ્યની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે. હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીનો આ મેનિફેસ્ટો કેટલો અસરકારક સાબિત થાય છે અને મતદારો પર તેની કેટલી અસર પડે છે.





