ઇઝરાયલી સેનાએ ગાઝા પર ભારે હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 34 પેલેસ્ટિનિયનોના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર ઇઝરાયલી સેના દ્વારા આ ખૂબ જ ઘાતક હુમલો હતો. સ્થાનિક હોસ્પિટલ દ્વારા લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
ઇઝરાયલી સેનાએ બંધકનો મૃતદેહ મેળવ્યો
ઇઝરાયલી સેનાએ હુમલા દરમિયાન ગાઝામાંથી એક થાઈ બંધકનો મૃતદેહ મેળવ્યો છે. IDF એ કહ્યું કે 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલમાં 1200 લોકોની હત્યા કરી હતી. એટલું જ નહીં હમાસે 238 ઇઝરાયલી નાગરિકો અને કેટલાક વિદેશીઓનું અપહરણ કર્યું હતું. તેના જવાબમાં ઇઝરાયલી સેના સતત ગાઝા પર હુમલો કરી રહી છે.
યુદ્ધવિરામ ભંગ થયા પછી ઇઝરાયલી સેનાએ ફરીથી હુમલો કર્યો
19 જાન્યુઆરી 2025 ના રોજ કતારની મધ્યસ્થી હેઠળ ગાઝા અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હતા. પરંતુ આ પછી હમાસે કેટલાક બંધકોને મુક્ત કરવા માટે પોતાની શરતો મૂકી અને તેની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધકોને મુક્ત કર્યા નહીં. આ કારણે ઇઝરાયલી સેનાએ ફરીથી ગાઝામાં જમીન કાર્યવાહી શરૂ કરી. હવે ઇઝરાયલી સેનાએ ગાઝાના ઘણા ભાગો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.
હમાસ દ્વારા અપહરણ કરાયેલ થાઈ નાગરિક કોણ
ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે શનિવારે જણાવ્યું હતું કે થાઈ નાગરિક નટ્ટાપોંગ પિન્ટાનો મૃતદેહ એક ખાસ લશ્કરી કાર્યવાહી હેઠળ પરત કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું હતું કે પિન્ટાનું કિબુટ્ઝ નીર ઓઝથી અપહરણ કરવામાં આવ્યું હતું અને યુદ્ધની શરૂઆતમાં તેને કેદમાં મારી નાખવામાં આવ્યો હતો. ગાઝામાં હજુ પણ 55 બંધકો બાકી છે જેમાંથી અડધાથી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું ઇઝરાયલ કહે છે. સંરક્ષણ પ્રધાને શનિવારે જણાવ્યું હતું કે પિન્ટાનો મૃતદેહ રફાહ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. તે કૃષિ કાર્ય માટે થાઈલેન્ડથી ઇઝરાયલ આવ્યો હતો.






