ઈસ્લામિક સ્ટેટ (IS)એ અફઘાનિસ્તાનમાં ફરી પગ પેસારો શરૂ કર્યો છે. તાલિબાન શાસન સ્થાપિત કર્યા પછી, અફઘાનિસ્તાનમાં આતંકવાદી જૂથો વિરુદ્ધ ઘણા ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા, પરંતુ હવે દેશમાં ફરીથી આતંકવાદી હુમલા વધી ગયા છે. બુધવારે ચીનના નાગરિકને લઈ જઈ રહેલી કાર પર હુમલો કરવામાં આવ્યો, જેમાં ચીની નાગરિકનું મોત નિપજ્યું. અને સૌથી મહત્વની વાત, આ હુમલાની જવાબદારી ISએ લીધી છે. ઈસ્લામિક સ્ટેટે ટેલિગ્રામ ચેનલ પર એક પોસ્ટ જારી કરી અને અફઘાનિસ્તાનના ઉત્તરી તખર પ્રાંતમાં એક ચીની નાગરિક પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી. હત્યા બાદ ચીને તેની નિંદા કરી અને અફઘાન સરકાર પાસેથી ગુનેગારોને કડક સજાની માગ કરી.
ટ્રાન્સેલટરને કસ્ટડીમાં લેવામાં આવ્યો
અફઘાન પોલીસે જણાવ્યું કે એક ચીની નાગરિકની હત્યાની તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ હુમલા પાછળ કોણ હતું તે સ્પષ્ટ નથી થયું. ઈસ્લામિક સ્ટેટે કહ્યું કે તેણે એક ચીની નાગરિકને લઈ જઈ રહેલા વાહનને નિશાન બનાવ્યું અને તેની હત્યા કરી તેના વાહનને નુકસાન પહોંચાડ્યું. સમગ્ર મામલે હાલ તપાસ માટે ટ્રાન્સ્લેટરની અટકાયત કરવામાં આવી છે અને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ ચાલું છે.
વધી રહ્યાં છે આતંકી હુમલા
અફઘાનિસ્તાનમાં આતંકી ઘટનાઓ સતત વધી રહી છે. હાલમાં જ પાકિસ્તાન સરકારે પણ અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓની ટ્રેનિંગનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલી ઘટના નથી જેમાં કોઈ વિદેશી નાગરિકની હત્યા થઈ હોય.
તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી કબજો કર્યો ત્યારથી જ, ISIS-Kએ અફઘાનના શહેરોમાં અનેક મોટા હુમલાઓ કર્યા છે, જેમાં દેશના શિયા સમુદાયના સભ્યો સહિત નાગરિકોને ઘણીવાર નિશાન બનાવવામાં આવ્યા છે. ગત વર્ષે જૂનમાં ISISના આતંકવાદીઓએ એક હુમલામાં ત્રણ સ્પેનિશ નાગરિકો અને ત્રણ અફઘાન નાગરિકોની હત્યા કરી હતી.





