અમદાવાદ: ભારતીય રેલવે અને IRCTC દ્વારા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અને 'દેખો અપના દેશ' અભિયાન અંતર્ગત પ્રવાસીઓ માટે એક સુવર્ણ તક લાવવામાં આવી છે. ઉનાળાની રજાઓ ગાળવા માંગતા અને ધાર્મિક આસ્થા ધરાવતા પ્રવાસીઓ માટે ખાસ 'ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન' દ્વારા દક્ષિણ ભારતની દિવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં શ્રદ્ધાળુઓને દક્ષિણ ભારતના પ્રખ્યાત મંદિરો સહિત મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવાનો લ્હાવો મળશે.
આ પ્રવાસ ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રહેવા-જમવાની તમામ સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉનાળુ વેકેશનમાં પરિવાર સાથે આધ્યાત્મિક શાંતિ મેળવવા ઈચ્છતા લોકો માટે આ પેકેજ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. IRCTC તેના મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી આપવા માટે કટિબદ્ધ છે.
ક્યારે અને ક્યાંથી શરૂ થશે યાત્રા?
આ દક્ષિણ દર્શન યાત્રા આગામી 12 મે 2026 ના રોજ રાજકોટથી પ્રસ્થાન કરશે અને 22 મે 2026ના રોજ પરત ફરશે. આમ, આ કુલ 10 રાત્રિ અને 11 દિવસનો લાંબો પ્રવાસ રહેશે. ગુજરાતના પ્રવાસીઓ માટે સૌથી મોટી સુવિધા એ છે કે, આ ટ્રેન રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (અમદાવાદ), નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને વાપી જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે, જ્યાંથી મુસાફરો ટ્રેનમાં બેસી શકશે. ત્યારબાદ ટ્રેન મહારાષ્ટ્રના વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુર થઈને દક્ષિણ ભારત તરફ આગળ વધશે.
કયા કયા ધાર્મિક સ્થળોના થશે દર્શન?
આ 11 દિવસીય યાત્રામાં ભારતના પ્રખ્યાત અને પવિત્ર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે:
તિરુપતિ બાલાજી: ભગવાન વેંકટેશ્વરના દર્શન.
રામેશ્વરમ: રામનાથસ્વામી જ્યોતિર્લિંગ મંદિર.
મલ્લિકાર્જુન: આંધ્રપ્રદેશમાં આવેલું પવિત્ર જ્યોતિર્લિંગ.
મીનાક્ષી મંદિર: મદુરાઈનું જગવિખ્યાત શિલ્પકલા ધરાવતું મંદિર.
કન્યાકુમારી: ભારતનું અંતિમ છેડો અને વિવેકાનંદ રોક મેમોરિયલ.
ટ્રેનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને સુરક્ષા
મુસાફરોની સુવિધા માટે ભારત ગૌરવ ટ્રેનમાં ખાસ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના દ્વારા મુસાફરી દરમિયાન ભજન-કીર્તન અને સ્થળોની માહિતી આપવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહેશે. ભોજનની વાત કરીએ તો, ટ્રેનમાં જ આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. આ ઉપરાંત, સ્થાનિક જોવાલાયક સ્થળો માટે બસની વ્યવસ્થા, હોટેલમાં રોકાણ અને અકસ્માત વીમો પણ આ પેકેજમાં સામેલ છે.
શું છે પેકેજની કિંમત? (Budget Details)
IRCTC એ પ્રવાસીઓ માટે ત્રણ અલગ-અલગ શ્રેણીઓ નક્કી કરી છે:
ઈકોનોમી ક્લાસ (સ્લીપર): રૂ. 21525/-
કમ્ફર્ટ ક્લાસ (3AC): રૂ. 39,105/-
કમ્ફર્ટ ક્લાસ (2AC): રૂ. 49,185/- નોંધનીય છે કે આ પ્રવાસમાં સરકારી કર્મચારીઓ માટે LTC સુવિધા પણ ઉપલબ્ધ છે.
બુકિંગ કેવી રીતે કરાવવું?
આ પેકેજ માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. પ્રવાસીઓ "બુક કરો EMI" વિકલ્પ દ્વારા હપ્તેથી પણ પેમેન્ટ કરી શકે છે (ફક્ત ઓનલાઇન બુકિંગ માટે).
ઓનલાઈન બુકિંગ: www.irctctourism.com
અમદાવાદ ઓફિસ: 502 , ૫મો માળ, પેલિકન બિલ્ડિંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પાસે, આશ્રમ રોડ.
વડોદરા કેન્દ્ર: પ્લેટફોર્મ નં. 1, વડોદરા રેલવે સ્ટેશન.
વોટ્સએપ સંપર્ક: 9652661717
ઈમેઈલ: [email protected]





