Home International Iran Us Israel War Iran Drone Attack On Us Embassy In Riyadh Saudi Arabia Trump Warns Biggest Strike On Iran Is Yet To Come

સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ઈરાનનો ડ્રોન હુમલો : ટ્રમ્પની ચેતવણી- 'ઈરાન પર સૌથી મોટો પ્રહાર હજુ બાકી'

સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ઈરાનનો ડ્રોન હુમલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 05:07 AM IST

Iran US Israel War: મિડલ ઈસ્ટમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગના ચોથા દિવસે ઈરાને સાઉદી અરેબિયાના રિયાધમાં આવેલા અમેરિકી દૂતાવાસને નિશાન બનાવ્યું છે. ઈરાન તરફથી છોડવામાં આવેલા બે ડ્રોન દૂતાવાસ પર ત્રાટક્યા હોવાના અહેવાલ છે. ફોક્સ ન્યૂઝ મુજબ, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, "ઈરાન પર હજુ સૌથી મોટો હુમલો કરવાનો બાકી છે." ટ્રમ્પે વ્હાઇટ હાઉસથી અમેરિકી નાગરિકોને વહેલી તકે મિડલ ઈસ્ટ છોડી દેવા અપીલ કરી છે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

ટ્રમ્પનો હુંકાર: '4-5 અઠવાડિયા ચાલશે જંગ, સેના તૈયાર છે'

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી સેના અત્યારે ઈરાનમાં મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરી રહી છે. તેમણે જણાવ્યું કે, "અમેરિકા પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે અને અમે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ અભિયાન 4 થી 5 અઠવાડિયા સુધી ચાલી શકે છે, અને જો જરૂર પડશે તો તેને વધુ લંબાવવામાં પણ અમે અચકાઈશું નહીં." રિયાધમાં દૂતાવાસ પર થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ પણ અમેરિકાએ શરૂ કરી દીધી છે.

સુપ્રીમ લીડર ખામેની બાદ તેમના પત્નીનું પણ નિધન

ઈરાન માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મોતના બે દિવસ બાદ તેમના પત્ની મન્સૂરેહ ખોઝસ્તેહ બઘેરઝાદેહનું પણ સોમવારે સારવાર દરમિયાન મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ખામેની માર્યા ગયા હતા અને તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. મન્સૂરેહ 1964માં ખામેની સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તેઓ એક પ્રતિષ્ઠિત ધાર્મિક પરિવારમાંથી આવતા હતા.

ઈરાનનો વળતો પ્રહાર: 4 દેશોમાં 6 અમેરિકી બેઝ નિશાન પર

ઈરાને પણ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે. સોમવારે ઈરાને મિડલ ઈસ્ટના 4 અલગ-અલગ દેશોમાં સ્થિત 6 અમેરિકી સૈન્ય બેઝ પર હુમલા કર્યા હતા. કુવૈતમાં અમેરિકાના કેટલાક ફાઈટર જેટ ક્રેશ થયા હોવાના પણ અહેવાલ છે. આ દરમિયાન ઈરાનના ટોપ સિક્યોરિટી ઓફિસર અલી લારીજાનીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરશે નહીં.

ભયાનક જાનહાનિ: 555 લોકોના મોત, સ્કૂલ પર મિસાઈલ પડતા 180 વિદ્યાર્થિનીઓનો ભોગ

અલ-જઝીરાના રિપોર્ટ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 555 લોકોના મોત થયા છે અને 740 થી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના 1000 થી વધુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે. એક હૃદયદ્રાવક ઘટનામાં, ઈરાનની એક પ્રાઈમરી સ્કૂલ પર મિસાઈલ પડતા 180 વિદ્યાર્થિનીઓના મોત થયા છે. યુનેસ્કો (UNESCO) એ આ ઘટનાને માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન ગણાવી કડક શબ્દોમાં નિંદા કરી છે.

હવાઈ મુસાફરી પર અસર: ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ

યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર હુમલા બાદ સુરક્ષાના કારણોસર અબુ ધાબી અને દુબઈ જતી ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈથી દુબઈ જતી ફ્લાઇટને પરત મુંબઈ લવાઈ હતી, જ્યારે રિયાધ જતી ફ્લાઇટ્સને પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી છે.

કુવૈતની મોટી કાર્યવાહી: 178 મિસાઈલ અને 384 ડ્રોન તોડી પાડ્યા

કુવૈતે પણ આ સંઘર્ષમાં સતર્કતા દાખવી છે. અત્યાર સુધીમાં કુવૈતે તેની સરહદ તરફ આવતી 178 બેલિસ્ટિક મિસાઈલો અને 384 ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. જોકે, એક ગંભીર છબરડામાં કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે અમેરિકાના 3 લડાકુ વિમાનોને 'દુશ્મન વિમાન' સમજીને તોડી પાડ્યા હતા, જોકે સદનસીબે તમામ અમેરિકી પાઇલટ્સ સુરક્ષિત હોવાનું જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now