Home International Iran Us Israel War Day16 Mujtaba Khamenei Health Hormuz Indian Lpg Ships

Iran-Israel-War : શું ખરેખર મુજતબા ખામેનીનો પગ કાપવો પડ્યો અને તે કોમામાં છે? જાણો ભારતના ફસાયેલાં LPG જહાજોનું શું થયું

Iran-Israel-War
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 06:49 AM IST

Iran-Israel-War Latest Update: મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે યુદ્ધસમાન પરિસ્થિતિનો આજે 16મો દિવસ છે. આ દરમિયાન ઇરાને પોતાના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની અંગે ફેલાયેલા ઘાયલ થવાના દાવાઓને સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા છે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વૈશ્વિક ઊર્જા સપ્લાયને લઈને ચર્ચા તેજ થઈ છે, જ્યારે LPG લઈને ભારત તરફ આવતા બે ભારતીય જહાજો સુરક્ષિત રીતે આ માર્ગ પાર કરી ચૂક્યા છે.

મુજતબા ખામેની અંગેના દાવા પર ઇરાનનો ઇનકાર:

ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે દેશના સુપ્રીમ લીડર મુજતબા ખામેની સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેઓ પોતાની જવાબદારીઓ સામાન્ય રીતે નિભાવી રહ્યા છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બ્રિટિશ મીડિયા ‘ધ સન’એ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલા દરમિયાન ખામેની ગંભીર રીતે ઘાયલ થયા હતા. રિપોર્ટમાં તો તેમને કોમામાં હોવાનો અને એક પગ કાપવો પડ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. જોકે, અન્ય કોઈ પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાન આ અંગેની પુષ્ટી કરતું નથી. મહત્ત્વનું છેકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અગાઉ તેમના ઘાયલ થવાની વાત કરી હતી. જોકે, ઇરાન સરકારે આ તમામ દાવાઓને અફવા ગણાવીને નકારી કાઢ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા પર ટ્રમ્પનું નિવેદન:

આ તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા મુદ્દો પણ આંતરરાષ્ટ્રીય ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ દરિયાઈ માર્ગમાંથી તેલ લેતા દેશોએ તેની સુરક્ષાની જવાબદારી પણ વહન કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે અમેરિકા અન્ય દેશો સાથે મળીને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને સુરક્ષિત રાખવા માટે કામ કરશે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ઊર્જા વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. વિશ્વમાં વેપાર થતું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ આ જ માર્ગમાંથી પસાર થાય છે, તેથી અહીં કોઈ પણ પ્રકારનો તણાવ વૈશ્વિક બજારો પર સીધી અસર કરી શકે છે.

LPG લઈને ભારત તરફ આવતા બે જહાજ સુરક્ષિત:

મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે પણ ભારત માટે એક મહત્વપૂર્ણ રાહત સમાચાર આવ્યા છે. ખાડી દેશોમાંથી LPG લઈને આવતા ભારતના બે જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે. શિપિંગ જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું કે ભારતીય ધ્વજવાળા LPG કેરિયર ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ શનિવારે આ માર્ગ પાર કરી ગયા હતા. બંને જહાજોમાં મળીને લગભગ 92,700 ટન LPG છે અને તે હવે ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યા છે. અધિકારીઓ અનુસાર આ જહાજો ગુજરાતના મુંદ્રા અને કંડલા બંદર તરફ જઈ રહ્યા છે અને આગામી 2-3 દિવસમાં ભારત પહોંચી શકે છે.

યુદ્ધ પછી ફસાયેલા જહાજોમાં સામેલ હતા:

મધ્ય પૂર્વમાં તણાવ શરૂ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમ ભાગમાં લગભગ 24 જહાજો ફસાઈ ગયા હતા. ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ પણ આ જહાજોમાં સામેલ હતા. ભારતમાં ઇરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ કહ્યું હતું કે ઇરાને કેટલાક ભારતીય જહાજોને આ માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. જોકે કુલ કેટલાને મંજૂરી મળી તે અંગે તેમણે સ્પષ્ટ માહિતી આપી નહોતી.

મધ્ય પૂર્વમાં વધતા તણાવનો સીધો પ્રભાવ વૈશ્વિક ઊર્જા બજાર અને દરિયાઈ વેપાર પર પડી શકે છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના તેલ પુરવઠા માટે મુખ્ય માર્ગ હોવાથી તેની સુરક્ષા પર દુનિયાની નજર છે. ભારત જેવા દેશો માટે LPG અને ક્રૂડ ઓઇલ સપ્લાય સુરક્ષિત રહેવું અત્યંત જરૂરી છે, તેથી ભારતીય જહાજો સુરક્ષિત રીતે પસાર થયા હોવાના સમાચાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now