iranian mp: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે માત્ર તેલ પુરવઠો જ નહીં પરંતુ વૈશ્વિક ઈન્ટરનેટ કનેક્ટિવિટી પણ જોખમમાં આવી શકે છે. ઈરાન સાથે જોડાયેલા રાજકીય અને સૈન્ય વર્તુળોમાંથી એવી ચેતવણીઓ સામે આવી રહી છે કે જો દેશ પર હુમલો કરવામાં આવશે તો હોર્મુઝ જળમાર્ગ નજીકથી પસાર થતી સમુદ્રની અંદરની ઈન્ટરનેટ કેબલને નિશાન બનાવવામાં આવી શકે છે. આ ધમકીથી ટેક કંપનીઓ, ટેલિકોમ ઓપરેટરો અને અનેક દેશોની સરકારોમાં ચિંતા વધી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે હાલ કામચલાઉ યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. જોકે, લાંબા સમયથી સમુદ્રની નીચેથી પસાર થતી કેબલ્સના ભવિષ્યને લઈને દુનિયાના ઘણા દેશો શંકા-કુશંકાઓથી ઘેરાયેલા છે. આનું એક કારણ આઈઆરજીસી (IRGC - ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) દ્વારા એપ્રિલ મહિનામાં આપવામાં આવેલી ધમકી પણ છે. ગુરુવારે એક ઈરાની સાંસદ મહમૂદ નબાવિયને પણ આવો જ કંઈક દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે જો હોર્મુઝમાં ઈરાન વિરુદ્ધ કોઈ પગલું ભરવામાં આવશે, તો અમે સમુદ્રની નીચેથી પસાર થતી કેબલ કાપી નાખીશું. ઈરાને અત્યાર સુધી સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ તેણે આવી કાર્યવાહી કરવાની ચેતવણી ચોક્કસ આપી હતી. આ ચેતવણી ખાસ કરીને ફારસની ખાડી (Persian Gulf) અને હોર્મુઝમાંથી પસાર થતી ફાઈબર-ઓપ્ટિક કેબલ્સને લઈને આપવામાં આવી હતી.
હોર્મુઝ જળમાર્ગ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાં ગણાય છે. અત્યાર સુધી આ વિસ્તાર મુખ્યત્વે તેલ અને ગેસના વેપાર માટે ચર્ચામાં રહેતો હતો, પરંતુ હવે અહીંથી પસાર થતી અંડર-સી ફાઇબર ઑપ્ટિક કેબલ પણ વૈશ્વિક રાજકારણનું કેન્દ્ર બની રહી છે. આ કેબલ એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વ વચ્ચે વિશાળ ડેટા ટ્રાફિક વહન કરે છે. અહેવાલો અનુસાર FALCON, 2Africa, SeaMeWe 6, AAE-1 અને અન્ય અનેક મહત્વપૂર્ણ કેબલ સિસ્ટમો હોર્મુઝ વિસ્તાર નજીકથી પસાર થાય છે. આ કેબલ દ્વારા કરોડો લોકોના ઈન્ટરનેટ કનેક્શન, ક્લાઉડ સર્વિસ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય ડિજિટલ કોમર્સ ચાલે છે. ઈરાન સાથે જોડાયેલા મીડિયા પ્લેટફોર્મ અને કેટલાક રાજકીય વર્તુળોએ તાજેતરમાં દાવો કર્યો કે પશ્ચિમ દેશો અને મોટી ટેક કંપનીઓ આ કેબલ પરથી ટ્રિલિયન ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા ચલાવે છે અને ઈરાન પોતાના ભૌગોલિક સ્થાનનો ઉપયોગ દબાણ માટે કરી શકે છે.
અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ અને પ્રતિબંધોના જવાબમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે જો તેના પર દબાણ વધારવામાં આવશે અથવા નૌકાદળ દ્વારા નાકાબંધી જેવી સ્થિતિ ઊભી થશે, તો તે વ્યૂહાત્મક જવાબ આપી શકે છે. હોર્મુઝમાંથી પસાર થતી ઘણી મહત્વપૂર્ણ સબમરિન કેબલ્સ જેમ કે 'ફેલ્કન' (Falcon) અને 'AAE-1' અખાતી દેશોની ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ માટે અત્યંત મહત્વની છે. કતાર, બહેરીન અને કુવૈત જેવા દેશો આ કેબલ્સ પર મોટા પાયે નિર્ભર છે.
તેમ જ ગુરુવારે સાંસદ નબાવિયને એક્સ (X) પર એક ચેતવણી જાહેર કરી હતી. તેમણે કહ્યું, "ઈરાન સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલોને કાપી શકે છે, જેના કારણે વૈશ્વિક ઈન્ટરનેટ સેવાઓ, ડિજિટલ અર્થતંત્ર અને બેંકિંગ સિસ્ટમ ઘણા વર્ષો સુધી પ્રભાવિત થઈ શકે છે." નબાવિયનના જણાવ્યા અનુસાર, જો અમેરિકા અને ઈઝરાયેલ હોર્મુઝમાં ઈરાનની સાર્વભૌમત્વ વિરુદ્ધ કોઈ પણ શત્રુતાપૂર્ણ (દુશ્મનાવટભર્યું) પગલું ભરશે, તો તેનાથી વૈશ્વિક સંકટ આવવું નક્કી છે. તેમણે ઉમેર્યું કે, “ઈરાનની સાર્વભૌમત્વ પર કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં.”
પુલવામાના માસ્ટરમાઇન્ડનો ખાતમો : પાકિસ્તાનમાં હમઝા બુરહાનની ગોળી મારી હત્યા
શું ખરેખર ઈન્ટરનેટ બંધ થઈ શકે?
વિશ્વભરના નેટવર્ક નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન તરફથી આવી ધમકી ગંભીર છે, પરંતુ સમગ્ર દુનિયાનું ઈન્ટરનેટ અચાનક બંધ થઈ જશે તેવી શક્યતા ઓછી છે. કારણ કે વૈશ્વિક ઈન્ટરનેટ સિસ્ટમમાં અનેક બેકઅપ રૂટ અને વિકલ્પિક કેબલ નેટવર્ક ઉપલબ્ધ હોય છે. છતાં પણ ગલ્ફ વિસ્તાર અને દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં મોટો વિક્ષેપ સર્જાઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે જો કોઈ મહત્વપૂર્ણ કેબલને નુકસાન પહોંચાડવામાં આવે તો ડેટા ટ્રાફિક ધીમો પડી શકે, ક્લાઉડ સર્વિસ અસરગ્રસ્ત થઈ શકે અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીમાં વિલંબ આવી શકે. ખાસ કરીને મધ્ય પૂર્વ, ભારત અને યુરોપ વચ્ચેના કેટલાક ડિજિટલ રૂટ પર અસર જોવા મળી શકે છે.
ટેક કંપનીઓ માટે કેમ વધી રહી છે ચિંતા?
Google, Meta, Amazon, Microsoft અને અન્ય વૈશ્વિક ટેક કંપનીઓનું વિશાળ ડેટા ટ્રાફિક આ આંતરરાષ્ટ્રીય કેબલ નેટવર્ક પર આધારિત છે. ગલ્ફ વિસ્તારમાં આવેલા ડેટા સેન્ટર અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે હોર્મુઝ નજીકની કનેક્ટિવિટી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ થયો છે કે ઈરાન સાથે જોડાયેલા કેટલાક વર્તુળો કેબલ ઓપરેટરો પર ફી અથવા નિયંત્રણ લાદવાની વાત કરી રહ્યા છે. જો આવી સ્થિતિ ઊભી થાય તો વૈશ્વિક ડિજિટલ કંપનીઓ માટે ખર્ચ અને સુરક્ષા બંને પડકાર બની શકે છે.
અગાઉ આ મુદ્દે મારિયો નૌફલે જણાવ્યું હતું કે, “જો ગલ્ફ (અખાતી) દેશો અમેરિકાના સૈનિકોને આશરો આપવાનું ચાલુ રાખશે, તો ઈરાને હવે સમુદ્રની અંદરના ઈન્ટરનેટ કેબલ કાપી નાખવાની ધમકી આપી છે.” તેમણે ઉમેર્યું કે, “આ કેબલ્સ વૈશ્વિક ઈન્ટરનેટ ટ્રાફિકના ૧૭% હિસ્સાનું વહન કરે છે, જેમાં એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ગુગલના સમર્થનવાળા યુએઈ (UAE) અને સાઉદી અરેબિયાના AI હબ પણ સામેલ છે. જો આ કેબલ તૂટશે તો ઈન્ટરનેટ બંધ થવાનો સમય ગણતરીના કલાકો નહીં પરંતુ મહિનાઓ સુધીનો હોઈ શકે છે. મેટા (Meta) ના કોન્ટ્રાક્ટરે તો પર્શિયન ગલ્ફમાંથી પહેલેથી જ પીછેહઠ કરી લીધી છે.”
ઈરાન યુદ્ધ રોકવા અમેરિકી સેનેટમાં પ્રસ્તાવ પાસ : ટ્રમ્પની સૈન્ય શક્તિઓ પર અંકુશ લગાવતો પ્રસ્તાવ પાસ
બીજી તરફ, વિશ્વમાં સૌથી વધુ ૨૭૬ આઈક્યુ (IQ) ધરાવતા સુંગહૂન લી (SungHoon Lee) એ જણાવ્યું હતું કે તેમણે 18 દિવસ પહેલા જ આ ઈન્ટરનેટ કેબલ્સ વિશે ચેતવણી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, “મેં આ અંગે ૧૮ દિવસ પહેલા ચેતવણી આપી હતી. હવે ઈરાન એ અંડરસી કેબલ્સને કાપવાની ધમકી આપી રહ્યું છે જે હોર્મુઝ સ્ટ્રેટની (Strait of Hormuz) માંથી સમગ્ર વૈશ્વિક ઈન્ટરનેટ ટ્રાફિકના ૯૫% હિસ્સાનું વહન કરે છે. આ કોઈ કાલ્પનિક વાત નથી કે 'જો આમ થશે તો શું' વાળો સવાલ નથી. તેઓએ આ સ્પષ્ટપણે કહ્યું છે. આ બાબત માત્ર ૧૮ દિવસમાં ચેતવણીમાંથી વાસ્તવિકતા બની ગઈ છે. જો તમે ત્યારે તૈયારી ન કરી હોય, તો હવે કરી લો.”
રેડ સી ઈન્ટરનેટ કેબલ્સ શું છે અને તેનાથી શું જોખમ છે?
લાલ સમુદ્રના પાણીની નીચે ફાઈબર ઓપ્ટિક કેબલ્સનું એક મોટું નેટવર્ક આવેલું છે, જે પ્રાદેશિક ઈન્ટરનેટ ટ્રાફિકના અંદાજે ૩૦% હિસ્સાનું વહન કરે છે અને એશિયા, યુરોપ તથા મધ્ય પૂર્વ જેવા મહાદ્વીપોને એકબીજા સાથે જોડે છે. આ કેબલ્સ નાણાકીય વ્યવહારો (Financial Transactions), ક્લાઉડ સેવાઓ, વીડિયો કોલ, ઈમેઈલ અને AI કામગીરી સુધીની તમામ બાબતોના સંચાલન માટે જવાબદાર છે. આ કેબલ્સ વિશ્વના કેટલાક સૌથી મહત્વપૂર્ણ ઉભરતા AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ જોડે છે. આ કેબલ્સ કાપવાથી માત્ર સોશિયલ મીડિયા જ ધીમું નહીં પડે, પરંતુ વૈશ્વિક વ્યવસ્થાઓ ખોરવાઈ જશે.
ભારત પર શું થશે અસર?
અન્ય દેશોની સરખામણીમાં ભારત પાસે આ બાબત પર ખાસ ધ્યાન આપવાનું ચોક્કસ કારણ છે. આ કેબલ ઓમાન, યુએઈ, કતાર, બહેરીન, કુવૈત, ઈરાક, પાકિસ્તાન, ભારત અને સાઉદી અરેબિયાના લેન્ડિંગ સ્ટેશનો પરથી પસાર થાય છે. ભારત સિવાયના આ તમામ દેશો હાલમાં સીધા અથવા આડકતરી રીતે સંઘર્ષ ક્ષેત્રની અંદર કે તેની આસપાસ આવેલા છે. ભારત ઈન્ટરનેટ ટ્રાફિકના સૌથી મોટા વપરાશકારોમાંનો એક છે, જ્યાં ભારતીય યુઝર્સને પશ્ચિમ એશિયા, યુરોપ અને તે સિવાયના સર્વર્સ સાથે જોડતો મોટો ડેટા ફ્લો છે. કેબલમાં કોઈ પણ પ્રકારનો અવરોધ સીધી રીતે ઈન્ટરનેટની સ્પીડ, ક્લાઉડ સેવાની વિશ્વસનીયતા અને સમગ્ર ભારતમાં ડિજિટલ બિઝનેસ કામગીરીને અસર કરશે. ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ પેમેન્ટ્સ અને AI આધારિત સેવાઓ પર ભારતની વધતી જતી નિર્ભરતાને જોતાં, જો લાંબા સમય સુધી કનેક્ટિવિટી નબળી રહેશે તો તેનાથી દેશને અનેક આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
શું છે હાલની સ્થિતિ?
કેબલ બિછાવવા માટે જવાબદાર ફ્રેન્ચ સરકારી કંપની આલ્કાટેલ સબમરીન નેટવર્ક્સ (Alcatel Submarine Networks) એ ગ્રાહકોને 'ફોર્સ મેજ્યોર' (Force Majeure - અણધાર્યા સંજોગોની) નોટિસ પાઠવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કંપનીએ સાઉદી અરેબિયાના દમ્મામ કિનારે તેના ઈન્સ્ટોલેશન શિપ 'Ile De Batz' અટવાઈ પડવાની પણ માહિતી આપી છે. આ મહિનાની શરૂઆતમાં બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું હતું કે મેટા (Meta) એ પણ અંડરસી કેબલ્સ પરનું કામ પહેલેથી જ રોકી દીધું છે.





