ઈરાન હાલમાં ગંભીર તેલ સંગ્રહ સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકાની નૌકાબંધીને કારણે દેશ પોતાના ક્રૂડ ઓઈલનું નિકાસ કરી શકતો નથી, જેના પરિણામે ઉત્પાદિત તેલ સ્ટોર કરવા માટે જગ્યા ઝડપથી ઘટી રહી છે. આ પરિસ્થિતિમાં ઈરાને આશરે 30 વર્ષ જૂના ‘નાશા’ નામના તેલ ટેન્કરને ફરી કાર્યરત બનાવ્યું છે અને તેનો ઉપયોગ સમુદ્રમાં તરતા સ્ટોરેજ તરીકે શરૂ કર્યો છે.
આ પગલું દર્શાવે છે કે ઈરાનની ઊર્જા વ્યવસ્થા પર કેટલો દબાણ વધી રહ્યો છે. ખાર્ગ આઇલેન્ડ, જ્યાંથી દેશના લગભગ 90 ટકા તેલનું ઉત્પાદન અને નિકાસ થાય છે, ત્યાંની સ્ટોરેજ ક્ષમતા લગભગ પૂર્ણ થવાની કગર પર છે.
ખાર્ગ આઈલેન્ડ પર વધતું દબાણ
ખાર્ગ આઈલેન્ડ ઈરાનની તેલ અર્થવ્યવસ્થાનું કેન્દ્ર છે. અહીં લગભગ 30 મિલિયન બેરલ સુધી ક્રૂડ સંગ્રહ કરવાની ક્ષમતા છે પરંતુ અમેરિકી નૌકાબંધીને કારણે નિકાસ લગભગ અટકી ગયો હોવાથી તેલ ઝડપથી જમા થઈ રહ્યું છે.
ઈરાન દરરોજ લગભગ 1થી 1.1 મિલિયન બેરલ જેટલું વધારાનું તેલ સ્ટોર કરી રહ્યું છે. આ દરે ગણતરી કરીએ તો ઉપલબ્ધ સ્ટોરેજ માત્ર થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ શકે છે. આ સંજોગોમાં ‘નાશા’ ટેન્કરને ફરીથી ઉપયોગમાં લેવું એક તાત્કાલિક અને મર્યાદિત ઉકેલ માનવામાં આવે છે. આ ટેન્કર ઘણા વર્ષોથી નિષ્ક્રિય હતું અને હવે તેને “ફ્લોટિંગ સ્ટોરેજ યુનિટ” તરીકે વપરાય છે.
આ પણ વાંચો: જાણો UNCLOS ના મહત્વના નિયમો : દરિયાઈ સીમા, માલિકી અને આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રના રસપ્રદ કાયદાઓ
અમેરિકી નૌકાબંધીનો સીધો પ્રભાવ
2026માં અમેરિકા દ્વારા ઈરાન સામેની નૌકાબંધી શરૂ થઈ હતી જેનાં કારણે ઈરાનના તેલ વેપારમાં ભારે વિક્ષેપ આવ્યો છે. અમેરિકી નૌકાદળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન સાથે જોડાયેલા જહાજોને રોકી રહ્યું છે, જેના કારણે નિકાસ લગભગ ઠપ થઈ ગઈ છે. આ બ્લોકેડનો ઉદ્દેશ ઈરાન પર દબાણ વધારવાનો છે જેથી તે રાજકીય અને પરમાણુ મુદ્દાઓ પર વાટાઘાટ કરવા મજબૂર થાય. પરંતુ આ પગલાંના કારણે ઈરાનની અંદર ઊર્જા ક્ષેત્રમાં ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે. ઈરાન માટે ઉત્પાદન બંધ કરવું સરળ નથી, કારણ કે તેલના કૂવા બંધ કરવાથી લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તેથી આ દેશે તેલનું ઉત્પાદન ચાલુ રાખ્યું છે અને હવે સંગ્રહ માટે વિકલ્પો શોધાઈ રહ્યાં છે.
‘ઘોસ્ટ શિપ’ મોડલ તરફ વળતું ઈરાન
ઈરાન હવે માત્ર ‘નાશા’ જ નહીં પરંતુ અન્ય જુના અથવા ટ્રેકિંગથી દૂર રહેતા ટેન્કરોનો ઉપયોગ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ મુજબ આવા જહાજોને “ઘોસ્ટ શિપ” તરીકે ઓળખવામાં આવે છે, જે કેટલીક વખત ટ્રાન્સપોન્ડર બંધ કરીને અથવા ઓળખ છુપાવીને કાર્ય કરે છે. આ ટ્રીક ઈરાનને તાત્કાલિક રાહત આપી શકે છે પરંતુ લાંબા ગાળે આ વ્યવસ્થા ખર્ચાળ અને જોખમી છે. સમુદ્રમાં તેલ સંગ્રહ કરવાથી પર્યાવરણ અને સુરક્ષા સંબંધિત જોખમો ઉભા થઈ શકે છે.
આ પણ વાંચો: ઈરાન યુદ્ધ વચ્ચે એરલાઈન્સને મળી શકે છે રાહત : ₹5,000 કરોડની ક્રેડિટ આપવાની ભારત સરકારની વિચારણા
વૈશ્વિક તેલ બજાર પર અસર
ઈરાન વિશ્વના મહત્વપૂર્ણ તેલ ઉત્પાદકોમાંનો એક છે અને તેની નિકાસમાં વિક્ષેપ વૈશ્વિક બજારમાં તરત અસર કરે છે. હાલ ચાલી રહેલી તંગદિલી અને નૌકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે. જો સ્ટોરેજ સંપૂર્ણ રીતે ભરાઈ જાય, તો ઈરાનને અનિવાર્ય રીતે ઉત્પાદન બંધ કરવું પડી શકે છે જે તેની અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો આપી શકે છે.
હાલમાં ઈરાન માટે બે મુખ્ય પડકારો છે. નિકાસ પુનઃશરૂ કરવી અથવા નવા સંગ્રહ વિકલ્પો શોધવા. રાજનૈતિક સ્તરે ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવા માટે પ્રસ્તાવ મૂકાયો છે પરંતુ તે માટે અમેરિકી પ્રતિબંધોમાં રાહત જરૂરી છે. જો રાજનૈતિક ઉકેલ ન મળે, તો ઈરાનને વધુ “ફ્લોટિંગ સ્ટોરેજ” અને વિકલ્પિક નિકાસ માર્ગો અપનાવવા પડશે, જે ખર્ચાળ અને અપ્રભાવશાળી છે.





