Home International Iran India Advisory Trump Hormuz Tension Gujarati

'તાત્કાલિક ઈરાન છોડી દો' : ટ્રમ્પની ધમકી બાદ ભારત સરકાર એક્શનમાં

Donald Trump
Published by: Aryan Shah
Last Updated: Apr 24, 2026, 05:43 AM IST

Donald Trump : મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ ક્ષણભરમાં બદલાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો અત્યંત વણસ્યા છે, જેના કારણે કોઈપણ સમયે મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે. આ જોખમને પારખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે 23 એપ્રિલ, 2026 ના રોજ એક અત્યંત મહત્વની અને તાત્કાલિક એડવાઈઝરી જારી કરી છે. ભારતે પોતાના તમામ નાગરિકોને ઈરાનની ધરતી પરથી સુરક્ષિત રીતે નીકળી જવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

દૂતાવાસની વિગતવાર એડવાઈઝરી

ભારતીય દૂતાવાસે પોતાની માર્ગદર્શિકામાં ભારપૂર્વક જણાવ્યું છે કે, જે ભારતીયો હાલમાં પ્રવાસ માટે ઈરાન જવાનું વિચારી રહ્યા છે તેઓએ તેમનો પ્રવાસ અત્યારે જ રદ કરવો જોઈએ. ઈરાન જવું હવે જાનમાલ માટે જોખમી બની શકે તેમ છે. જે નાગરિકો કામકાજ કે અન્ય કારણોસર ઈરાનમાં વસવાટ કરી રહ્યા છે, તેમને દૂતાવાસે સલાહ આપી છે કે સ્થિતિ વધુ વણસે અને આંતરરાષ્ટ્રીય પરિવહન સંપૂર્ણપણે ખોરવાય તે પહેલાં તેઓ સુરક્ષિત રીતે ભારત પરત ફરી જાય.

હવાઈ અને જમીન માર્ગો પર વધતું સંકટ

ક્ષેત્રીય તણાવને કારણે અત્યારે ઈરાનનું આકાશ (Airspace) જોખમી બની ગયું છે. યુદ્ધની શક્યતાઓને જોતાં અનેક ફ્લાઇટ્સના રૂટ બદલવામાં આવ્યા છે અથવા રદ કરવામાં આવ્યા છે. દૂતાવાસે નાગરિકોને ચેતવણી આપી છે કે, આવનારા દિવસોમાં હવાઈ મુસાફરીમાં મોટા અવરોધો આવી શકે છે. માત્ર હવાઈ માર્ગ જ નહીં, પરંતુ જમીન માર્ગે પણ મુસાફરી કરવી જોખમથી ખાલી નથી, કારણ કે લશ્કરી હિલચાલને કારણે સરહદો ગમે ત્યારે સીલ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ચેતવણી અને આદેશ

આ સમગ્ર તણાવના કેન્દ્રમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું તાજેતરનું નિવેદન છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ખુલ્લી ધમકી આપી છે. તેમણે યુએસ નેવીને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાં જો કોઈ પણ ઈરાની નૌકા કે બોટ શંકાસ્પદ જણાશે અથવા દરિયામાં માઇન્સ (દરિયાઈ બોમ્બ) બિછાવતી દેખાશે, તો તેને તાત્કાલિક ફૂંકી મારવી. ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાની નૌસેના અત્યારે દરિયામાંથી માઇન્સ હટાવવાની કામગીરી ત્રણ ગણી ઝડપથી કરી રહી છે, જે સીધો સંકેત છે કે અમેરિકા કોઈપણ મોટા લશ્કરી એક્શન માટે તૈયાર છે.

આ પણ ખાસ વાંચો : "ભારત-ચીન નરક જેવી જગ્યાં" ટ્રમ્પની પોસ્ટથી વિવાદ : ભારતે અમેરિકાને આપ્યો વળતો જવાબ

હોર્મુઝ સ્ટ્રેટનું આર્થિક અને સામરિક મહત્વ

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી સંવેદનશીલ અને મહત્વનો જળમાર્ગ છે. દુનિયાભરમાં થતાં તેલના કુલ વેપારનો મોટો હિસ્સો આ સાંકડી પટ્ટીમાંથી પસાર થાય છે. જો અહીં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો સમગ્ર વિશ્વમાં તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ શકે છે. ઈરાન આ માર્ગ પર પોતાનો પ્રભાવ વધારવા માંગે છે, જ્યારે અમેરિકા તેને ખુલ્લો રાખવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે.

ભારતીયો માટે મદદ અને હેલ્પલાઇન

ભારત સરકારે ઈરાનમાં રહેલા પોતાના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. કોઈપણ આપત્તિના સમયે નાગરિકો સીધો સંપર્ક કરી શકે તે માટે દૂતાવાસે 24 કલાક કાર્યરત રહે તેવા હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે. નાગરિકો +989128109115, +989128109109, +989128109102 અથવા +989932179359 પર કોલ કરી શકે છે અથવા [email protected]. પર ઈમેઈલ કરીને પોતાની વિગતો આપી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now