Home International Iran Earthquake 4 1 Magnitude Bandar Abbas Nuclear Test Speculations War Updates

ઈરાનમાં યુદ્ધ વચ્ચે ભૂકંપના જોરદાર આંચકા : 4.1ની તીવ્રતાએ લોકોમાં મચાવી દહેશત, 4 દિવસમાં બીજી વાર ધરા ધ્રુજી

ઈરાનમાં યુદ્ધ વચ્ચે ભૂકંપના જોરદાર આંચકા
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 04:43 AM IST

Iran Earthquake: એકતરફ મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભીષણ જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ઈરાનની ધરતી ધ્રૂજતા નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. શનિવારે ઈરાનના દરિયાકાંઠાના શહેર બંદર અબ્બાસના પશ્ચિમ વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) મુજબ, આ આંચકા એટલા પ્રબળ હતા કે સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા.

છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચાર દિવસમાં આ બીજી વખત છે જ્યારે ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સામાન્ય સંજોગોમાં આ એક કુદરતી પ્રક્રિયા ગણી શકાય, પરંતુ વર્તમાન યુદ્ધની સ્થિતિને જોતા સંરક્ષણ નિષ્ણાતો અને વિશ્લેષકો આ ઘટનાને શંકાની નજરે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એવી અટકળો તેજ થઈ છે કે શું ઈરાને ગુપ્ત રીતે ભૂગર્ભમાં પરમાણુ પરીક્ષણ કર્યું છે? જોકે, વૈજ્ઞાનિક આંકડાઓ હજુ સુધી આ બાબતની પુષ્ટિ કરતા નથી.

બંદર અબ્બાસમાં ભયનો માહોલ

બંદર અબ્બાસ એક મહત્વનું બંદર હોવાને કારણે પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. હાલના તબક્કે કોઈ મોટા જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ યુદ્ધના ભય વચ્ચે ભૂકંપના આંચકાએ લોકોની માનસિક ચિંતામાં વધારો કર્યો છે.

પરમાણુ પરીક્ષણ કે કુદરતી ભૂકંપ?

નિષ્ણાતોના મતે, જો કોઈ દેશ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કરે તો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા સામાન્ય રીતે 4.5 કે તેથી વધુ નોંધાતી હોય છે. શનિવારે આવેલા આંચકાની તીવ્રતા 4.1 હોવાથી ઘણા વૈજ્ઞાનિકો તેને કુદરતી ઘટના માની રહ્યા છે. છતાં, ઈરાન જે રીતે સતત પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા હોવાનો દાવો કરતું આવ્યું છે, તે જોતા આ આંચકાઓને પરમાણુ શક્તિના પ્રદર્શન સાથે જોડવામાં આવી રહ્યા છે.

ઈરાન પાસે પરમાણુ હથિયારો બનાવવાની ક્ષમતા?

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના ફેબ્રુઆરી 2026 ના ગુપ્ત અહેવાલ મુજબ, ઈરાન પાસે હાલમાં લગભગ 440.9 કિલોગ્રામ યુરેનિયમનો જથ્થો છે, જેને 60 ટકા સુધી સમૃદ્ધ (Enriched) કરવામાં આવ્યું છે. પરમાણુ હથિયાર બનાવવા માટે 90 ટકા શુદ્ધતા જરૂરી હોય છે, જેની ઈરાન ખૂબ નજીક પહોંચી ગયું છે. IAEA ના અંદાજ મુજબ, જો આ સ્ટોકને વધુ રિફાઈન કરવામાં આવે તો ઈરાન આશરે દસ પરમાણુ હથિયારો તૈયાર કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now