મિડલ ઈસ્ટ દેશ ઈરાન તેના આકરા કાયદાઓના કારણે વિશ્વભરમાં કુખ્યાત છે. આ દેશોમાં મોતની સજા આપવી એ રમત સમાન છે. ઈરાનમાં વર્ષ 2024નો ફાંસીની સજાનો આંકડો જે સામે આવ્યો તે ચોંકાવનારો છે. વર્ષ 2024માં ઈરાનમાં 901 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં જ 40 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી. સંયુકત રાષ્ટ્ર હ્યુમન રાઈટ્સે આ અંગે ખુલાસો કર્યો છે.
ઈરાનમાં ફાંસીની
સજા આપવી સામાન્ય
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના પ્રમુખ વોલ્કર તુર્કના કહેવા મુજબ ઈરાનમાં મોતની સજા મેળવનારા લોકોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ આ પરિસ્થિતિને ચિંતાજનક ગણાવી હતી. સંયુક્ત રાષ્ટ્રના માનવા મુજબ હવે ઈરાનને રોકવામાં આવે તે જરૂરી છે.
કયા ગુનાઓમાં
અપાય છે મોતની સજા?
ચીનને બાકાત રાખતા ઈરાન દુનિયાના અન્ય દેશોની તુલનામાં વધારે ફાંસીની સજા ફટકારે છે. ઈરાનમાં હત્યા, નશીલા પદાર્થની તસ્કરી, દુષ્કર્મ અને યૌન શોષણ જેવા ગુનાઓમાં મોતની સજાની જોગવાઈ છે.
ઈરાનના સુપ્રીમો ખામનેઈ ડર ફેલાવવા માગે
સંયુક્ત રાષ્ટ્રના હ્યુમન રાઈટ્સે આપેલા આંકડા પર નજર કરીએ તો ઈરાનમાં વર્ષ 2024માં ફાંસીની સજા સૌથી વધારે ડ્રગ્સના કેસમાં આપવામાં આવી છે. વર્ષ 2022માં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોને પણ મોતની સજા ફટકારવામાં આવી છે. ઈરાનના સર્વોચ્ચ વડા અયાતુલ્લા અલી ખામનેઈ પર લોકોમાં ભય પેદા કરવાના આરોપ લાગ્યા છે.
મહિલાઓને પણ નથી
રાખી બાકાત
ઈરાનમાં મહિલાઓને પણ ફાંસીની સજા આપવાના કિસ્સાઓ પણ જોવા મળી રહ્યા છે. વર્ષ 2024માં 31 મહિલાઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્ર
ફાંસીની સજાના વિરોધમાં
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના કહેવા મુજબ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં મૃત્યુદંડની સજાનો વિરોધ કરીએ છીએ. ઘણીવાર નિર્દોષ લોકોને પણ મોતની સજા મળી જતી હોય છે. સંયુક્ત રાષ્ટ્રએ ઈરાનના શાસકોને ફાંસીની સજા પર રોક લગાવવાની અપીલ કરી છે.





