Home International Iran 100 Billion Frozen Assets Trump Explained

અમેરિકા-ઇરાન તણાવ વચ્ચે $100 અબજના ‘ફ્રોઝન એસેટ્સ’ પર રાજકારણ! : ટ્રમ્પ માટે કેમ બન્યું સૌથી મોટું ચેલેન્જ?

Iran
Published by: Aryan Shah
Last Updated: Apr 16, 2026, 10:34 AM IST

US Iran War and Tehran's frozen assets : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે હવે બંને દેશો વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે બીજા રાઉન્ડની વાતચીતની તૈયારીઓ થઈ રહી છે. આ વાટાઘાટોમાં સૌથી મોટો મુદ્દો ઈરાનની તે સંપત્તિનો છે જે અન્ય દેશોમાં 'ફ્રોઝન' એટલે કે જપ્ત કરવામાં આવી છે. ઈરાનનો આશરે 10 લાખ કરોડ રૂપિયા (100 અબજ ડોલર) જેટલો માતબર ખજાનો વિદેશી બેંકોમાં અટવાયેલો છે. ઈરાન ઈચ્છે છે કે તેની બીમાર અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે આ નાણાં તેને પાછા મળે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ નિર્ણય લેવો એટલો સરળ નથી.

ફ્રોઝન એસેટ એટલે શું?

જ્યારે કોઈ દેશ, કંપની કે વ્યક્તિના પૈસા અથવા રોકાણો બીજા દેશ દ્વારા અમુક સમય માટે રોકી દેવામાં આવે છે, ત્યારે તેને 'ફ્રોઝન એસેટ' કહેવાય છે. આ સ્થિતિમાં માલિક તે સંપત્તિનો ઉપયોગ કરી શકતો નથી કે તેને વેચી શકતો નથી. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અથવા કોર્ટના આદેશોને કારણે આવું કરવામાં આવે છે.

કેટલી સંપત્તિ અટવાયેલી છે?

ચોક્કસ આંકડાઓ સ્પષ્ટ નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે ઈરાનની 100 અબજ ડોલરથી વધુની સંપત્તિ વિદેશમાં ફસાયેલી છે. આ રકમ ઈરાનની વાર્ષિક તેલની કમાણી કરતાં ત્રણ ગણી વધારે છે. જો અમેરિકા આ નાણાં પરત કરવાનો નિર્ણય લે, તો પણ તેના ઉપયોગ પર કઈ શરતો હશે તે હજુ અનિશ્ચિત છે.

સંપત્તિ જપ્ત થવાનું કારણ શું?

ઈરાનની સંપત્તિ જપ્ત થવાની શરૂઆત 1979 માં થઈ હતી, જ્યારે તેહરાનમાં અમેરિકન દૂતાવાસમાં નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પરમાણુ શસ્ત્રો વિકસાવવાના આરોપો અને ઈઝરાયેલ સાથેના તણાવને કારણે અમેરિકા અને યુરોપીય દેશોએ ઈરાન પર કડક પ્રતિબંધો લાદ્યા, જેનાથી આ જપ્ત કરાયેલી સંપત્તિનો વ્યાપ વધતો ગયો.

કયા દેશોમાં આ ખજાનો દબાયેલો છે?

રિપોર્ટ્સ મુજબ, ઈરાનના નાણાં વિશ્વના અનેક દેશોમાં અટવાયેલા છે. જેમાં ચીનમાં સૌથી વધુ 20 અબજ ડોલર, ભારતમાં 7 અબજ ડોલર, ઈરાક અને કતારમાં 6-6 અબજ ડોલર, યુએસમાં 2 અબજ ડોલર અને જાપાન તથા યુરોપમાં પણ કરોડો ડોલર ફસાયેલા છે.

ઈરાન માટે આ નાણાં કેમ મહત્વના?

વર્ષોથી લાગેલા પ્રતિબંધોને કારણે ઈરાનની તેલની નિકાસ ઘટી છે અને વિદેશી રોકાણ પણ બંધ થઈ ગયું છે. દેશમાં મોંઘવારી અને આર્થિક કટોકટી ચરમસીમા પર છે. 2015 માં ઓબામા સરકાર સાથે થયેલા કરાર વખતે આ નાણાં પરત મળવાની આશા જાગી હતી, પરંતુ ટ્રમ્પના આગમન બાદ આ કરાર રદ થતાં ઈરાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ટ્રમ્પ માટે પડકાર કેમ છે?

ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ નાણાં પરત કરવા એ એક મોટું રાજકીય જોખમ છે. ટ્રમ્પ સરકારના વિદેશ મંત્રી માર્કો રુબિયો જેવા નેતાઓનું માનવું છે કે જો ઈરાનને આ નાણાં પાછા મળે, તો તે તેનો ઉપયોગ પોતાની લશ્કરી શક્તિ વધારવા માટે કરી શકે છે. આનાથી મધ્ય પૂર્વમાં અમેરિકા અને તેના સાથી દેશો માટે સુરક્ષાનું જોખમ વધી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now