IPL Slip Celebration: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની સીઝનમાં સેલિબ્રેશન (જશ્ન) મનાવવાનો એક અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ટ્રેન્ડે દેશભરના ક્રિકેટ રસિકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પરંપરાગત રીતે સેલિબ્રેશન કરવાના બદલે, ઘણા ખેલાડીઓએ મેદાન પર કોઈ મોટી સિદ્ધિ મેળવ્યા બાદ પોતાના ખિસ્સામાંથી હાથથી લખેલી કાગળની ચિઠ્ઠીઓ (પર્ચી) કાઢવાનું શરૂ કર્યું છે. આ ચિઠ્ઠીઓ પર અવારનવાર ચાહકો, માતા-પિતા, ગુરુ અથવા પોતાના અંગત સંઘર્ષોને સમર્પિત દિલને સ્પર્શી જાય તેવા સંદેશાઓ લખેલા હોય છે.
તાજેતરમાં જ આઈપીએલની એક મેચ દરમિયાન સંજુ સેમસનને આઉટ કર્યા બાદ આકાશ સિંહે પણ પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી હતી. વિકેટ લીધા પછી તેણે જે ચિઠ્ઠી બતાવી તેના પર લખ્યું હતું: "અક્કી ઓન ફાયર. આકાશ જાણે છે કે T20માં વિકેટ કેવી રીતે ઝડપવી." ચાલો જાણીએ કે આઈપીએલમાં અત્યાર સુધી કયા-કયા ખેલાડીઓ ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી ચૂક્યા છે અને આ ટ્રેન્ડની શરૂઆત કોણે કરી હતી.
IPL ઈતિહાસમાં બન્યો એવો શરમજનક રેકોર્ડ : જે 19 વર્ષમાં કોઈ બોલરે જોયો નહોતો, ચાહકો પણ ચોંક્યા!
અભિષેક શર્માએ શરૂ કર્યો હતો આ ટ્રેન્ડ
મેચ દરમિયાન ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને જશ્ન મનાવવાનો આ ટ્રેન્ડ સૌથી પહેલા IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ શરૂ કર્યો હતો. પંજાબ કિંગ્સ સામે 141 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ અભિષેકે એક વાળેલી ચિઠ્ઠી કાઢીને સેલિબ્રેશન કર્યું હતું. એ ચિઠ્ઠી પર લખ્યું હતું કે "આ ઓરેન્જ આર્મી માટે છે." આ અંદાજ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. અભિષેક શર્માના આ સેલિબ્રેશનનું તેની સદી કરતાં પણ વધુ ઊંડું ભાવનાત્મક મહત્વ હતું. ટૂર્નામેન્ટના એ તબક્કે સનરાઇઝર્સ હૈદરાબાદ સતત ચાર મેચ હારી ચૂક્યું હતું અને પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચેના સ્થાને સંઘર્ષ કરી રહ્યું હતું. ચાહકોનો ઉત્સાહ સાવ તૂટી ગયો હતો અને ટીમની ભારે આલોચના થઈ રહી હતી.
IPL 2026માં રઘુ શર્માએ ટ્રેન્ડને આગળ વધાર્યો
IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સના રઘુ શર્મા દ્વારા આ ચિઠ્ઠી વાળું સેલિબ્રેશન ફરી એકવાર જોવા મળ્યું. લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચ દરમિયાન, આ 33 વર્ષીય લેગ સ્પિનરે ઘરેલું ક્રિકેટમાં લાંબા સંઘર્ષ બાદ પોતાની પ્રથમ IPL વિકેટ ઝડપી હતી. વિકેટ લીધા પછી રઘુએ તેના ખિસ્સામાંથી હાથથી લખેલી એક ચિઠ્ઠી કાઢી, જેના પર લખ્યું હતું "રાધે રાધે, 15 વર્ષની અત્યંત પીડાદાયક રાહ. ગુરુદેવની કૃપાથી આજે રાહ પૂરી થઈ. મને આ તક આપવા બદલ મુંબઈ ઇન્ડિયન્સનો ખૂબ ખૂબ આભાર આ ભાવુક ક્ષણે ફેન્સના દિલ જીતી લીધા હતા.
ઉર્વીલ પટેલની ભાવુક શ્રદ્ધાંજલિ
બીજી એક મોટી ક્ષણ ત્યારે આવી જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સના ઉર્વીલ પટેલ IPLના ઈતિહાસમાં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી (સૌથી ઝડપી 50 રન) ફટકારીને ઈતિહાસ રચી દીધો. લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઉર્વીલે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પોતાની ઇનિંગના પહેલા 8 બોલમાં જ 6 સિક્સર ફટકારી દીધી હતી. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ તેણે ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી જેના પર અંગ્રેજીમાં લખ્યું હતું "This is for you Papa." (આ તમારા માટે છે પપ્પા). આ સાથે જ ચિઠ્ઠીની બીજી તરફ ગુજરાતીમાં એક સંદેશ લખેલો હતો જેનો અર્થ હતો: "પપ્પા આજે તમારું સપનું સાકાર થઈ ગયું. મેં એક સફળ ક્રિકેટર બનીને પોતાને સાબિત કરી દીધો."





