તમારા માનવામાં આવે કે કોઈ રાજ્યનો વિસ્તાર એક દેશના ક્ષેત્રફળ જેટલો હોય?... ભલે માનવામાં ના આવે પરંતુ આ હકીકત છે. એક એવું રાજ્ય છે જેનો વિસ્તારભારતની સમકક્ષ છે. હા એ વાત અલગ છે કે બંને વચ્ચે વસ્તીની દ્રષ્ટિએ કોઈ સરખામણી નથી.. ભારત દેશમાં જ્યા વસ્તી 140 કરોડની છે, તો આ રાજ્યની વસ્તી 10 લાખની છે. મતલબ કે આ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં માનવ વસ્તીની વસાહત જ નથી.
રશિયામાં આવેલું છે આ રાજ્ય
આ રાજ્યનું નામ સખા રિપબ્લિક છે, જેને યાકુતિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ રાજ્ય રશિયામાં સ્થિત છે. સખા રિપબ્લિકનું ક્ષેત્રફળ અંદાજે 3.1 મિલિયન ચોરસ કિલોમીટર છે, જેની સામે ભારતનું ક્ષેત્રફળ 3.2 મિલિયન ચોરસ કિલોમીટર છે. સખા રિપબ્લિક રશિયામાં પૂર્વીય ભાગમાં સ્થિત છે. આ રાજ્ય ઠંડા હવામાન, બર્ફીલા ભૂપ્રદેશ અને કુદરતી સંશાધનો માટે જાણીતુ છે. યાકુતિયા વિશ્વના સૌથી ઠંડા સ્થાનોમાંથી એક છે. શિયાળામાં અહીંનુ તાપમાન -70 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આવા ઊંચા વાતાવરણમાં જીવવું અને ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે. આ કારણથી અહીં વસ્તી ઓછી છે. આ રાજ્યમાં મોટાભાગનો વિસ્તાર કાયમ બરફથી ઢંકાયેલો છે. આ જગ્યા ખેતી કે અન્ય પરંપરાગત પ્રવૃતિઓ માટે સાનુકૂળ નથી.
યાકુતિયા કુદરતી ખનીજોથી સમૃદ્ધ રાજ્ય
અહીંનું અર્થતંત્ર મુખ્યત્વે ખનીજ પર નિર્ભર છે. યાકુતિયા હીરા, સોનું, તેલ, કુદરતી ગેસ વગેરેથી સમૃદ્ધ છે. રશિયાના 99 ટકા હીરા અને વિશ્વના એક ચતુર્યાંશ હીરાનુ ઉત્પાદન યાકુતિયામાં થાય છે.પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં મર્યાદા હોવાના કારણે લોકોનો વસવાટ અહીં ઓછો છે. ઘણા ગામો અને શહેરો વચ્ચે અંતર ઘણુ વધારે છે. પ્રતિકૂળ આબોહવા અને મર્યાદિત તબીબી સુવિધાઓ હોવાથી અહીં રહેવું પણ એક પડકાર છે. સદીઓથી યાકુતિયાના લોકો પ્રાણીઓની ચામડીમાંથી બનેલા ટકાઉ કપડા પહેરે છે. સ્થાનિકો પરંપરાગત વ્યવસાય જેવા કે પશુપાલન, માછીમારી અને શિકાર પર નિર્ભર છે. સોના-ચાંદીના ઓર્નામેન્ટ્સ, કોતરેલા હાડકા, હાથીદાંત, હસ્તકલા જેવી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.
સખા રિપબ્લિકની રાજધાની યાકુત્સક
યાકુતિયામાં કુલ 13 શહેર આવેલા છે, જેમાં સૌથી મોટુ શહેર યાકુત્સક છે. યાકુત્સક યાકુતિયા સખા રિપબ્લિકની રાજધાની છે. યાકુત્સક વિશ્વના સૌથી ઠંડા શહેરોમાંથી એક છે.
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા પ્રાંત
વિસ્તારની દ્રષ્ટિએ પહેલા ક્રમે રશિયાનું યાકુત્સક આવે છે. તે બાદ પશ્ચિમ ઓસ્ટ્રેલિયા આવે જેનું ક્ષેત્રફળ 2.6 મિલિયન ચોરસ કિલોમીટર છે, અહીં પુષ્કળ પ્રમાણમાં આર્યન મળી આવે છે. ત્રીજા ક્રમે પણ રશિયાનું ક્રાસનોયાર્સ્ક પ્રાંત આવે છે, જેનું ક્ષેત્રફળ અંદાજે 2.3 મિલિયન ચોરસ કિલોમીટર છે.





