જો આપ વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ અને ત્યાં જાતે વાહન ચલાવવાનો આનંદ માણવા માંગતા હોવ, તો ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ (International Driving Permit - IDP) આપના માટે અનિવાર્ય દસ્તાવેજ છે. વિદેશમાં ડ્રાઈવિંગ કરવા માટે આ કાયદેસરની પરવાનગી છે, જેના વગર આપ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અહીં અમે આપને આ લાયસન્સ શું છે, કેવી રીતે કઢાવવું અને તેની ફી કેટલી છે તેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.
ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ (IDP) શું છે?
IDP એ એક એવો દસ્તાવેજ છે જે ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ ધારકને ભારતની બહાર વાહન ચલાવવાની કાયદેસરની મંજૂરી આપે છે. આ લાયસન્સ સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. તેમાં આપની વિગતો અંગ્રેજી, ફ્રેન્ચ અને રશિયન જેવી વિવિધ ભાષાઓમાં હોય છે, જેથી વિદેશી સત્તાવાળાઓ માટે આપની ઓળખની પુષ્ટિ કરવી સરળ રહે છે. યાદ રાખવું કે આ આપના ભારતીય લાયસન્સનો અનુવાદ છે, કોઈ અલગ કાયમી લાયસન્સ નથી.
ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
હવે RTO કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી, આપ 'પરિવહન' પોર્ટલ દ્વારા ઘરે બેઠા અરજી કરી શકો છો:
સૌ પ્રથમ Parivahan ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
હોમપેજ પર 'Online Services' વિકલ્પમાં જઈને 'Driving Licence Related Services' પર ક્લિક કરો.
આપનું રાજ્ય પસંદ કરો અને ત્યારબાદ 'Issue of IDP to DL holder' સેવા પસંદ કરો.
આપનો ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અને જન્મતારીખ દાખલ કરો.
હવે આપની વિગતો (નામ, RTO વગેરે) ચેક કરો અને પાસપોર્ટ નંબર, વિઝા નંબર તેમજ વિઝાની વેલિડિટીની વિગતો ભરો.
જરૂરી દસ્તાવેજો (પાસપોર્ટ, વિઝા, ફોટો અને સિગ્નેચર) અપલોડ કરો.
નક્કી કરેલી ફીની ઓનલાઈન ચુકવણી કરો અને અરજી સબમિટ કરો.
અરજી ફોર્મ અને ફીની રસીદની પ્રિન્ટ લઈ લો. વેરિફિકેશન બાદ RTO દ્વારા આપનું લાયસન્સ જારી કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો અને પાત્રતા
ઉંમર: લઘુત્તમ 18 વર્ષ (કેટલાક દેશોમાં નિયમો અલગ હોઈ શકે છે).
વેલિડ ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ: આપની પાસે અસલ લાયસન્સ હોવું ફરજિયાત છે.
પાસપોર્ટ અને વિઝા: માન્ય પાસપોર્ટ અને જે તે દેશના વિઝાની નકલ.
મેડિકલ સર્ટિફિકેટ: જો જરૂરી હોય તો (ખાસ કરીને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે).
રહેઠાણનો પુરાવો: વીજળી બિલ કે બેંક સ્ટેટમેન્ટ.
પાસપોર્ટ સાઈઝ ફોટો: તાજેતરના સ્પષ્ટ ફોટા.
ફી અને વેલિડિટી (Validty)
ભારતમાં ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાયસન્સ માટે 1,000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે, જે ઓનલાઈન જમા કરવાની રહેશે. આ લાયસન્સ જારી થયાની તારીખથી 1 વર્ષ માટે અથવા આપના મૂળ લાયસન્સની એક્સપાયરી ડેટ (બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી) માન્ય રહે છે.
શું આ લાયસન્સ રિન્યૂ થઈ શકે?
IDP ને રિન્યૂ કરી શકાતું નથી, પરંતુ આપ ફરીથી નવા લાયસન્સ માટે અરજી કરી શકો છો. જો આપ વિદેશમાં હોવ, તો ભારતીય દૂતાવાસ (Embassy) નો સંપર્ક કરીને ફરીથી ઇશ્યૂ કરાવી શકો છો.
વિદેશ પ્રવાસ પહેલા ખાસ ધ્યાનમાં રાખો
દરેક દેશના ટ્રાફિક નિયમો અલગ હોય છે. વિદેશમાં ડ્રાઈવિંગ કરતા પહેલા ત્યાંના રસ્તાઓ, ટ્રાફિક સાઈન્સ અને વીમા (Insurance) ના નિયમો વિશે જાણી લેવું હિતાવહ છે. ડ્રાઈવિંગ કરતી વખતે હંમેશા આપનો પાસપોર્ટ, મૂળ ભારતીય લાયસન્સ અને IDP સાથે રાખો.





















