આજના ડિજિટલ યુગમાં બાળકો અને કિશોરોમાં સ્માર્ટફોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને Instagram Reels અને અન્ય શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર કલાકો સુધી સ્ક્રોલ કરવાની આદત સામાન્ય બની ગઈ છે. પરંતુ હવે જર્મનીમાં થયેલા એક નવા સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે સતત શોર્ટ વીડિયો જોવાની આદત બાળકો અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય, એકાગ્રતા અને વર્તન પર નકારાત્મક અસર કરી શકે છે.
નવી સ્ટડીમાં શું સામે આવ્યું?
જર્મનીની યુનિવર્સિટી ઓફ બાયરોથ (University of Bayreuth)ના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત શોર્ટ વીડિયો જોવાની આદત બાળકો અને યુવાનોમાં તણાવનું પ્રમાણ વધારી શકે છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી Reels જોનારા બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ ઓછી થતી જોવા મળી છે. આ સંશોધન European Child & Adolescent Psychiatry જર્નલમાં જૂન મહિનામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
સંશોધકોનું કહેવું છે કે વિશ્વભરમાં કિશોરો અને યુવાનોનો મોટો સમય હવે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ પર પસાર થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ માત્ર મનોરંજન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેના કારણે મગજની કાર્યશૈલી અને દૈનિક વર્તન પર પણ અસર પડી શકે છે.
બાળકો Reels જોવાનું કેમ બંધ કરી શકતા નથી?
અભ્યાસમાં ત્રણ મુખ્ય કારણો સામે આવ્યા છે, જેના કારણે બાળકો અને યુવાનો વારંવાર Reels જોતા રહે છે.
• સતત નવો કન્ટેન્ટ: દરેક સેકન્ડે નવા વીડિયો દેખાતા હોવાથી યુઝરનું ધ્યાન સતત સ્ક્રીન પર જ રહે છે અને તે એપ બંધ કરવાનું ટાળી દે છે.
• Infinite Scrolling: શોર્ટ વીડિયો પ્લેટફોર્મ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે સ્ક્રોલિંગ ક્યારેય પૂર્ણ થતું નથી. પરિણામે લોકો સતત વીડિયો જોતા રહે છે અને સમયનું ભાન રહેતું નથી.
• Personalized Algorithm: પ્લેટફોર્મ યુઝરની પસંદગી મુજબ વીડિયો બતાવે છે. એટલે વ્યક્તિને જે પ્રકારનો કન્ટેન્ટ ગમે છે તે જ વારંવાર દેખાડવામાં આવે છે, જેના કારણે એપ છોડવી વધુ મુશ્કેલ બની જાય છે.
47 હજારથી વધુ લોકો પર થયો અભ્યાસ
આ સંશોધનમાં 42 અલગ-અલગ રિસર્ચ ગ્રુપના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં આશરે 47 હજાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમની સરેરાશ ઉંમર લગભગ 16 વર્ષ હતી.
અભ્યાસ દરમિયાન ઘર, શાળા અને જાહેર સ્થળોએ બાળકો તથા યુવાનોના ડિજિટલ મીડિયા ઉપયોગનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સંશોધકોના જણાવ્યા મુજબ, શોર્ટ વીડિયો પ્લેટફોર્મને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે યુઝર લાંબા સમય સુધી તેમાં વ્યસ્ત રહે અને વારંવાર તેનો ઉપયોગ કરે.
વધુ સમય સુધી Reels જોવાથી શું અસર થઈ શકે?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ સતત સ્ક્રીન સામે રહેવાની આદતના કારણે બાળકોમાં તણાવ વધી શકે છે, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે, અભ્યાસમાં રસ ઘટી શકે છે અને ઊંઘની ગુણવત્તા પર પણ અસર થઈ શકે છે. ઉપરાંત, લાંબા સમય સુધી મોબાઇલ પર રહેવાને કારણે શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા પણ રહે છે.
માતા-પિતાએ શું કરવું?
સંશોધકોનું માનવું છે કે માતા-પિતા બાળકો માટે સ્વસ્થ ડિજિટલ વાતાવરણ તૈયાર કરે તો આવા જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.





