Home Business Indian Stock Market Global Equity Etf Returns Negative

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય શેરબજાર 'ફ્લોપ' : ગ્લોબલ ઇક્વિટી ETFમાં ભારતનું રિટર્ન માઇનસમાં, સાઉથ કોરિયા ટોચ પર

Indian stock market
Image Credit: ai
Published by: Nirali Gohil
Last Updated: May 30, 2026, 05:31 AM IST

Indian stock market: વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક ઇક્વિટી માર્કેટ્સમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે, પરંતુ આ જ સમયગાળામાં ભારતીય શેરબજાર રોકાણકારોની અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી. ગ્લોબલ ઇક્વિટી ETFs (Exchange Traded Funds) ના તાજેતરના આંકડાઓમાં ભારતનું પ્રદર્શન નબળું જોવા મળ્યું છે. જ્યાં અનેક દેશોના બજારોએ રોકાણકારોને બમ્પર નફો અપાવ્યો છે, ત્યાં ભારત (INDA) નું કુલ રિટર્ન માઇનસ 7.5 ટકા નોંધાયું છે. આંકડાઓ અનુસાર, સાઉથ કોરિયાએ આશ્ચર્યજનક રીતે 314.8 ટકા રિટર્ન સાથે વૈશ્વિક બજારમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેના સિવાય પેરુ, તાઇવાન અને પોલેન્ડ જેવા દેશોએ પણ 100 ટકા કરતાં વધુ રિટર્ન આપીને રોકાણકારોને મોટી કમાણી કરાવી છે. જ્યારે ભારતનું નકારાત્મક પ્રદર્શન રોકાણકારો અને માર્કેટ વિશ્લેષકો માટે ચિંતાનો વિષય બન્યું છે.

સાઉથ કોરિયા બન્યું વૈશ્વિક રોકાણકારોનું ફેવરિટ

Global Equity ETFs ના રિટર્નના આંકડાઓ મુજબ સાઉથ કોરિયા (EWY) એ 314.8 ટકા જેટલું અદભૂત રિટર્ન આપીને તમામ દેશોને પાછળ છોડી દીધા છે. તેના બાદ પેરુએ 119.7 ટકા, તાઇવાને 106.8 ટકા અને પોલેન્ડે 104.7 ટકા વળતર આપ્યું છે. વિકસિત દેશોની વાત કરીએ તો અમેરિકા (SPY) એ પણ 30.6 ટકા રિટર્ન આપીને સ્થિર વૃદ્ધિ દર્શાવી છે, જ્યારે ફ્રાન્સે 31.8 ટકા વળતર સાથે રોકાણકારોને સારો નફો અપાવ્યો છે.

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય માર્કેટ ફ્લોપ: Global Equity ETFમાં ભારતનું રિટર્ન માઇનસ 7.5%, સાઉથ કોરિયા મોખરે 2 - image

ભારતીય શેરબજાર કેમ રહ્યું નબળું?

વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતીય શેરબજારનું પ્રદર્શન આ સમયગાળા દરમિયાન નબળું રહ્યું છે. ભારત (INDA) નું કુલ રિટર્ન -7.5 ટકા નોંધાયું છે, જે દર્શાવે છે કે રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ભારત સિવાય ફિલિપાઇન્સ (-0.7%), સાઉદી અરેબિયા (-2.4%) અને ઇન્ડોનેશિયા (-27.5%) જેવા દેશો પણ નુકસાનમાં રહેલા બજારોમાં સામેલ છે. જોકે, ભારત જેવા મોટા બજાર માટે આ આંકડો રોકાણકારો માટે ચિંતા વધારનાર ગણાઈ રહ્યો છે.

આ પણ વાંચો: CNGના ભાવમાં ફરી વધારો: 15 દિવસમાં બીજી વખત તોતિંગ વધારો, જાણો આજનો નવો ભાવ અને રિક્ષા-ટેક્સી પર અસર

FIIની વેચવાલી અને વૈશ્વિક પરિબળોની અસર

વિશ્લેષકોના મતે ભારતીય બજારના નબળા દેખાવ પાછળ અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. સૌથી મોટું કારણ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) દ્વારા ભારતીય બજારમાંથી નફો બુક કરીને અન્ય ઊંચા રિટર્ન આપતા ઉભરતા બજારો તરફ ફંડ ડાયવર્ટ કરવાનું માનવામાં આવે છે. ખાસ કરીને સાઉથ કોરિયા અને તાઇવાન જેવા બજારોમાં વધુ નફાની શક્યતાઓને કારણે રોકાણકારોનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયું છે. બીજી તરફ સ્થાનિક સ્તરે કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો, મોંઘવારી, વ્યાજદરો અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતાએ પણ ભારતીય શેરબજાર પર દબાણ વધાર્યું છે.

આગામી સમયમાં શું સુધરી શકે સ્થિતિ?

માર્કેટ નિષ્ણાતોના મતે જો ભારતમાં કોર્પોરેટ કમાણીમાં સુધારો થાય, વિદેશી રોકાણ ફરીથી વધે અને વૈશ્વિક આર્થિક સ્થિતિ સ્થિર બને તો ભારતીય શેરબજારમાં ફરી તેજી જોવા મળી શકે છે. જોકે હાલના આંકડાઓ દર્શાવે છે કે વૈશ્વિક સ્પર્ધામાં ભારતને ફરી મજબૂત વાપસી કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now