નવી દિલ્હી: ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા લાખો મુસાફરો માટે રેલવે મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રેલવેએ ટ્રેન પ્રસ્થાનના ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ધરખમ ફેરફાર કર્યો છે, જે અત્યાર સુધીના 4 કલાકના સમયગાળાને વધારીને 9 થી 18 કલાક સુધી કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને તેમની મુસાફરીનું આયોજન કરવા માટે પૂરતો સમય આપવાનો અને છેલ્લી ઘડીએ થતી હાલાકી ઘટાડવાનો છે. અત્યાર સુધી મુસાફરોને તેમની સીટ કન્ફર્મ થઈ છે કે, નહીં તેની જાણ ટ્રેન ઉપડવાના માત્ર 4 કલાક પહેલા થતી હતી, જેના કારણે જો ટિકિટ વેઈટિંગમાં રહે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી મુશ્કેલ બનતી હતી. પરંતુ હવે, ચાર્ટ વહેલા તૈયાર થવાને કારણે મુસાફરો પાસે 18 કલાક જેટલો સમય હશે, જેથી તેઓ અન્ય ટ્રેન કે પરિવહનના સાધનોની વ્યવસ્થા કરી શકશે. આ સાથે જ રેલવેએ ટિકિટ કેન્સલેશન અને સુરક્ષા માટે પણ નવા કડક નિયમો અમલી બનાવ્યા છે.
બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે મળશે વધુ સુવિધા
નવા નિયમો મુજબ, મુસાફરો હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ પોતાનું બોર્ડિંગ સ્ટેશન (જ્યાંથી ટ્રેનમાં બેસવાનું છે તે સ્ટેશન) ડિજિટલી બદલી શકશે. આ સુવિધા ખાસ કરીને એવા શહેરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ્યાં એક જ શહેરમાં એકથી વધુ મોટા રેલવે સ્ટેશનો આવેલા છે. આ ઉપરાંત, કાઉન્ટર ટિકિટ ધરાવતા મુસાફરો ટ્રેન ઉપડવાની અડધી કલાક પહેલા સુધી પોતાનો મુસાફરી ક્લાસ પણ અપગ્રેડ કરાવી શકશે.
દલાલો પર લગામ: આધાર-આધારિત OTP ફરજિયાત
ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓ રોકવા માટે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેએ આશરે 3 કરોડ નકલી એકાઉન્ટ્સ અને મોટી સંખ્યામાં બ્રોકર્સને સિસ્ટમમાંથી દૂર કર્યા છે. હવે તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત OTP અનિવાર્ય બનાવવામાં આવ્યો છે. સાથે જ, ઈ-ટિકિટ રદ કરવાની પ્રક્રિયાને સ્વચાલિત (Automatic) કરવામાં આવી છે, જેથી TDR ફાઈલ કર્યા વગર રિફંડ સીધું મુસાફરના ખાતામાં જમા થઈ જશે.
ટિકિટ કેન્સલેશનના નવા નિયમો: જાણો ક્યારે કેટલું રિફંડ મળશે?
રેલવેએ રિફંડના નિયમોમાં પણ મોટા ફેરફારો કર્યા છે જે 1 એપ્રિલ થી 15 એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર લાગુ થશે. નવા સ્લેબ મુજબ કપાત નીચે મુજબ રહેશે:
72 કલાક પહેલા: જો તમે ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરો છો, તો માત્ર ન્યૂનતમ ચાર્જ કપાશે અને બાકીનું પૂરું રિફંડ મળશે.
72 થી 24 કલાકની વચ્ચે: આ સમયગાળામાં ટિકિટ કેન્સલ કરવા પર ભાડાના 25% રકમ કાપી લેવામાં આવશે.
24 થી 8 કલાકની વચ્ચે: જો ટ્રેન ઉપડવાના 24 થી 8 કલાક વચ્ચે ટિકિટ રદ કરશો, તો 50% રકમ કાપી લેવામાં આવશે.
8 કલાકથી ઓછો સમય: સૌથી મહત્વનો ફેરફાર અહીં છે. જો ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછો સમય બાકી હોય અને ટિકિટ કેન્સલ કરવામાં આવે, તો મુસાફરને કોઈ રિફંડ (Zero Refund) મળશે નહીં. અગાઉ આ મર્યાદા 4 કલાકની હતી.





