Indian Railways Rules: ભારતીય રેલ્વે એ કરોડો લોકો માટે જીવનરેખા સમાન છે. દરરોજ લાખો મુસાફરો ટ્રેનમાં સફર કરે છે, પરંતુ ઘણીવાર ટ્રાફિક જામ, અંગત કારણો કે મોડા પડવાને લીધે ટ્રેન છૂટી જવાની ઘટનાઓ બનતી હોય છે. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પરથી રવાના થઈ જાય, ત્યારે મુસાફર સામે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે – ‘હવે આ ટિકિટનું શું થશે? શું હું આજ ટિકિટ પર પાછળ આવતી બીજી ટ્રેનમાં જઈ શકું?’ રેલ્વેના નિયમો આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે, પરંતુ જાણકારીના અભાવે મુસાફરો ઘણીવાર દંડ અથવા કાનૂની કાર્યવાહીનો ભોગ બનતા હોય છે.
જો તમારી ટ્રેન પણ ક્યારેક છૂટી જાય, તો ગભરાવાને બદલે રેલ્વેના નિયમો જાણવા ખૂબ જરૂરી છે. ટિકિટના પ્રકાર મુજબ તેના નિયમો અલગ-અલગ હોય છે. જનરલ ટિકિટ અને રિઝર્વેશન ટિકિટ વચ્ચે મોટો તફાવત છે, અને કઈ સ્થિતિમાં તમે બીજી ટ્રેન પકડી શકો છો તે જાણવું તમારી મુસાફરીને મુશ્કેલીમુક્ત બનાવી શકે છે. ચાલો જાણીએ ટ્રેન ટિકિટ, રિફંડ અને મુસાફરીના તે ખાસ નિયમો જે દરેક મુસાફરે જાણવા જોઈએ.
જનરલ ટિકિટ હોય તો બીજી ટ્રેનમાં મુસાફરી શક્ય?
જો તમારી પાસે જનરલ કેટેગરીની ટિકિટ છે અને તમારી ટ્રેન છૂટી જાય છે, તો તમે તે જ ટિકિટનો ઉપયોગ કરીને બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. જોકે, અહીં સમય મર્યાદાનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. સામાન્ય રીતે જનરલ ટિકિટની વેલિડિટી તેના પર લખેલા સમયથી 3 કલાક સુધી અથવા જે-તે રૂટ પર પહેલી ઉપલબ્ધ ટ્રેન આવે ત્યાં સુધીની જ હોય છે. જો તમે આ સમય મર્યાદા બાદ મુસાફરી કરો છો, તો તમારી ટિકિટ અમાન્ય ગણાઈ શકે છે.
આ પણ વાંચો: એમ્બ્યુલન્સને રસ્તો ન આપવો પડશે ભારે! : જાણો દંડથી લઈને જેલ સુધીની કડક નિયમો
શું દરેક ટ્રેનમાં તે ટિકિટ ચાલશે? જાણો મર્યાદા
ના, બધી ટ્રેનોમાં એક જ ટિકિટ માન્ય રહેતી નથી. રેલ્વેના નિયમો મુજબ:
કેટેગરી બદલી શકાતી નથી: જો તમારી પાસે પેસેન્જર ટ્રેનની જનરલ ટિકિટ છે, તો તમે તેનો ઉપયોગ મેલ, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, રાજધાની કે વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોમાં કરી શકતા નથી.
કન્ફર્મ ટિકિટ (Reserved Ticket): જો તમે કોઈ ખાસ ટ્રેનમાં સ્લીપર કે AC કોચમાં ટિકિટ બુક કરાવી હોય અને તે ટ્રેન છૂટી જાય, તો તે ટિકિટ બીજી કોઈ પણ ટ્રેન માટે નકામી બની જાય છે. બીજી ટ્રેનમાં જવા માટે તમારે નવી ટિકિટ લેવી જ પડે.
રિફંડ અને દંડના કડક નિયમો: ભૂલ ન કરતા!
ઘણા મુસાફરો વિચારે છે કે ટ્રેન છૂટી ગઈ તો શું થયું, બીજી ટ્રેનમાં એ જ ટિકિટ બતાવી દઈશું. પરંતુ સાવધાન!
TTE કરી શકે છે દંડ: જો તમે રિઝર્વ્ડ ટ્રેન છૂટી ગયા બાદ તે જ ટિકિટ પર બીજી ટ્રેનમાં મુસાફરી કરતા પકડાશો, તો TTE (ટિકિટ કલેક્ટર) તમારા પર ભારે દંડ કરી શકે છે.
કાનૂની કાર્યવાહી: દંડ ન ભરવાની સ્થિતિમાં રેલ્વે પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી થઈ શકે છે, જેમાં જેલની સજાની પણ જોગવાઈ છે.
રિફંડ નહીં મળે: રેલ્વેના નિયમ મુજબ, જો મુસાફરની ભૂલને કારણે ટ્રેન છૂટી જાય, તો ટિકિટના પૈસા પાછા (Refund) મળતા નથી. જોકે, ટ્રેન કેન્સલ થઈ હોય કે રેલ્વેની ભૂલ હોય તો અલગ નિયમો લાગુ પડે છે.
મુસાફરો માટે મહત્વની ટિપ્સ
જો તમારી ટ્રેન છૂટી જાય, તો સ્ટેશન પરના ટિકિટ કાઉન્ટર અથવા TTE પાસે જઈને યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ. જો રિઝર્વેશન ટિકિટ હોય તો તમે તે જ સમયે TDR (Ticket Deposit Receipt) ફાઈલ કરવાનો પ્રયાસ કરી શકો છો, જોકે તેમાં પણ રિફંડ મળવાની શક્યતા ઘણી ઓછી હોય છે. તેથી હંમેશા ટ્રેનના સમય કરતા વહેલા સ્ટેશન પહોંચવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે.





