Home International Indian Coast Guard Seizes Pakistani Boat Porbandar 2026

અરબ સાગરમાં ભારતીય તટરક્ષક દળની મોટી કાર્યવાહી : 9 શખ્સો સાથે પાકિસ્તાની બોટ ‘અલમદીના’ ઝડપાઈ

અરબ સાગરમાં ભારતીય તટરક્ષક દળની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2026, 04:37 PM IST

ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલી એક પાકિસ્તાની બોટને Indian Coast Guard (ICG) દ્વારા ઝડપી પાડવામાં આવી છે. આ નૌકામાં કુલ 9 પાકિસ્તાની નાગરિકો સવાર હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તટરક્ષક દળ દ્વારા આ શખ્સોની તસવીરો પણ જાહેર કરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશન 14 જાન્યુઆરી 2026ના રોજ અરબ સાગરમાં પેટ્રોલિંગ દરમિયાન પાર પાડવામાં આવ્યું હતું.

અંધકારનો લાભ લઈ ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ

India Coast Guard દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ ઓપરેશન રાત્રિના સમયે અત્યંત સચોટ અને ઝડપી રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. અરબ સાગરમાં જ્યારે ICGનું જહાજ પેટ્રોલિંગમાં હતું ત્યારે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસે એક શંકાસ્પદ માછીમારી બોટ ભારતીય જળસીમામાં જોવા મળી હતી. તપાસ કરતા આ બોટ પાકિસ્તાન તરફથી આવી હોવાનું માલૂમ પડ્યું હતું. ભારતીય જવાનોએ પડકાર ફેંકતા જ પાકિસ્તાનીઓએ નૌકા પાછી વાળી ભાગવાની કોશિશ કરી હતી. જોકે સતર્ક ICG જહાજે ઘેરાબંદી કરીને 'અલમદીના' નામની આ બોટને પોતાના કબજામાં લઈ લીધી હતી.

પોરબંદર જેટી પર લાવી સઘન પૂછપરછ શરૂ

તટરક્ષક દળના જણાવ્યા પ્રમાણે પકડાયેલા તમામ 9 શખ્સો અને પાકિસ્તાની બોટને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે. અહીં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ શખ્સોની સંયુક્ત પૂછપરછ કરવામાં આવશે. આ સફળ ઓપરેશન દરિયાઈ સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ICGની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. સુરક્ષા એજન્સીઓ એ તપાસી રહી છે કે આ લોકો માત્ર ભૂલથી માછીમારી કરતા અંદર આવ્યા હતા કે પછી કોઈ મોટા ષડયંત્રના ભાગરૂપે ઘૂસણખોરી કરી રહ્યા હતા.

નાર્કો ટેરરિઝમનું વધતું જોખમ

પાકિસ્તાની નાગરિકો ભારતીય સીમામાં આટલા અંદર સુધી કેમ આવ્યા તે તપાસનો મુખ્ય વિષય છે. ભૂતકાળમાં પણ અનેકવાર માછીમારીની જાળ નીચે ડ્રગ્સ અને નશીલા પદાર્થો છુપાવીને લાવવાની ઘટનાઓ સામે આવી છે. આવી પ્રવૃત્તિઓનો ઉપયોગ નાર્કો ટેરરિઝમ ફેલાવવા માટે કરવામાં આવતો હોય છે. આથી એજન્સીઓ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે નૌકામાં કોઈ વાંધાજનક સામગ્રી છુપાવવામાં આવી છે કે કેમ. આ ઘટના બાદ ગુજરાતના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now