Home Business India Youth Unemployment March Plfs Report Gujarati

યુવાનો માટે મોટા સમાચાર : બેરોજગારી દરમાં ફરી ફેરફાર, બેરોજગારી વધી કે ઘટી?

India Unemployment Rate
Published by: Vishal Dave
Last Updated: Apr 16, 2026, 02:30 PM IST

ભારતમાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોજગારની સ્થિતિ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરના સત્તાવાર આંકડાઓ સૂચવે છે કે ખાસ કરીને યુવાનો માટે નોકરી મેળવવી વધુ મુશ્કેલ બની રહી છે. શહેરોમાં રોજગારના ઘટતા અવસરો અને ભાગીદારીમાં ઘટાડો ચિંતાને વધુ ઊંડી બનાવે છે.

ભારતમાં યુવાનો માટે રોજગારની સ્થિતિ ફરી ચિંતાજનક બની રહી છે. સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ના તાજેતરના આંકડાઓ મુજબ માર્ચ મહિનામાં 15 થી 29 વર્ષની વયજૂથમાં બેરોજગારી દર વધીને 15.2 ટકા સુધી પહોંચી ગયો છે. આ ફેબ્રુઆરી મહિનાના 14.8 ટકા કરતાં વધુ છે, જે સ્પષ્ટ કરે છે કે રોજગાર ક્ષેત્રમાં દબાણ વધી રહ્યું છે.

આ આંકડો છેલ્લા નવ મહિનામાં સૌથી ઊંચો ગણાય છે. અગાઉ જૂન 2025 માં બેરોજગારી દર 15.3 ટકા નોંધાયો હતો. એટલે કે હાલની સ્થિતિ લગભગ તે જ સ્તરે પહોંચી ગઈ છે, જે દેશ માટે ચિંતાનો વિષય બની શકે છે.

શું કહે છે તાજા આંકડા?

માત્ર યુવાનો જ નહીં, પરંતુ કુલ બેરોજગારી દરમાં પણ વધારો નોંધાયો છે. માર્ચ મહિનામાં 15 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં બેરોજગારી દર 5.1 ટકા સુધી પહોંચી ગયો છે, જે ફેબ્રુઆરીમાં 4.9 ટકા હતો.

મંત્રાલયના વિશ્લેષણ મુજબ આ વૃદ્ધિ પાછળનો મુખ્ય કારણ શહેરોમાં રોજગારના ઘટતા અવસરો છે. ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં ધીમો વધારો તથા નવી ભરતીમાં ઘટાડો આ પરિસ્થિતિ માટે જવાબદાર માનવામાં આવે છે.

શહેરોમાં વધી રહેલી બેરોજગારી

શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો પ્રભાવ વધુ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. 15-29 વર્ષની વયના પુરુષોમાં બેરોજગારી દર માર્ચમાં 14.3 ટકા નોંધાયો, જે ફેબ્રુઆરીમાં 13.7 ટકા હતો.

મહિલાઓની સ્થિતિ વધુ નાજુક રહી છે. મહિલાઓમાં બેરોજગારી દર 17.7 ટકા સુધી પહોંચી ગયો છે, જ્યારે અગાઉ તે 17.6 ટકા હતો. આ નાનો વધારો દેખાતો હોવા છતાં મહિલાઓ માટે રોજગારના અવસરો મર્યાદિત રહેતા હોવાની સ્પષ્ટ અસર છે. ગ્રામિણ અને શહેરી વિસ્તારોની તુલનામાં પણ મોટો ફરક જોવા મળે છે. ગ્રામિણ વિસ્તારોમાં યુવાનોની બેરોજગારી દર 13.6 ટકા છે, જ્યારે શહેરોમાં તે વધીને 18.4 ટકા સુધી પહોંચી ગઈ છે. આથી સ્પષ્ટ થાય છે કે શહેરોમાં રોજગાર મેળવવાની સ્પર્ધા વધી રહી છે અને નવી તકો પૂરતી ઝડપથી ઊભી થતી નથી.

લેબર ફોર્સ ભાગીદારીમાં ઘટાડો

માત્ર બેરોજગારી જ નહીં, પરંતુ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (LFPR) માં પણ ઘટાડો નોંધાયો છે. માર્ચમાં આ દર ઘટીને 55.4 ટકા રહ્યો છે, જ્યારે ફેબ્રુઆરીમાં તે 55.9 ટકા હતો. ગ્રામિણ વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાયો છે, જ્યાં ભાગીદારી દર 58.7 ટકા પરથી ઘટીને 58 ટકા પર આવી ગયો છે. મહિલાઓની ભાગીદારીમાં વધુ ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. મહિલાઓનો LFPR 35.3 ટકા પરથી ઘટીને 34.4 ટકા થયો છે. પુરુષોમાં પણ નાનો ઘટાડો જોવા મળ્યો છે 77.5 ટકા પરથી 77.4 ટકા.

કેમ વધી રહી છે બેરોજગારી?

વિશેષજ્ઞો અનુસાર બેરોજગારી વધવાના અનેક કારણો હોઈ શકે છે:

  • શહેરોમાં નવા રોજગાર સર્જનનો ધીમો દર

  • ખાનગી ક્ષેત્રમાં ભરતીમાં ઘટાડો

  • ટેક્નોલોજી અને ઓટોમેશનના કારણે પરંપરાગત નોકરીઓમાં ઘટાડો

  • યુવાનોમાં વધતી સ્પર્ધા અને કુશળતા ગેપ

ખાસ કરીને તાજા ગ્રેજ્યુએટ્સ માટે યોગ્ય નોકરી શોધવી વધુ મુશ્કેલ બની રહી છે, કારણ કે બજારની માંગ અને તેમની કુશળતા વચ્ચે ગેપ જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now