ભારતમાં ઉનાળાની ગરમી હવે માત્ર દિવસ સુધી મર્યાદિત રહી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં એક નવી અને ગંભીર સમસ્યા ઉભી થઈ છે રાતો પણ અસહ્ય ગરમ બની રહી છે. જ્યાં એક સમય હતો કે સાંજ પછી થોડી ઠંડક મળતી હતી, હવે એ રાહત ગાયબ થઈ રહી છે. આ બદલાવ માત્ર અસુવિધા નથી, પરંતુ આરોગ્ય, અર્થતંત્ર અને જીવનશૈલી માટે મોટો ખતરો બની રહ્યો છે.
ગરમ રાતો કેમ વધી રહી છે?
India Meteorological Department અનુસાર, દેશના મોટા ભાગમાં ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. ઘણી જગ્યાએ તે 6.4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 4.5 થી 6.4 ડિગ્રી વધુ હોય, ત્યારે તેને ‘વોર્મ નાઈટ’ કહેવામાં આવે છે, અને 6.4થી વધુ હોય તો ‘સીવિયર વોર્મ નાઈટ’.
આ પાછળ બે મુખ્ય કારણો છે—
વૈશ્વિક જળવાયુ પરિવર્તન (Climate Change)
ઝડપથી વધતું શહેરીકરણ (Urbanization)
શહેરોમાં કાંકરીટ, એસ્ફાલ્ટ અને કાચ જેવી સામગ્રી દિવસ દરમિયાન ગરમી શોષી લે છે અને રાત્રે ધીમે ધીમે બહાર છોડે છે. ઊંચી ઈમારતો હવામાં અવરોધ ઉભો કરે છે, જેના કારણે ગરમી જમીન નજીક જ ફસાઈ જાય છે.
શહેરી ‘હીટ ટ્રેપ’ અને વધતી ભેજ
શોધ અનુસાર, શહેરોમાં રાત્રિના તાપમાનમાં વધારાનો લગભગ 60% ભાગ સ્થાનિક ગરમી અટકાવવાના કારણે છે, જ્યારે 40% ગ્રીનહાઉસ ગેસિસના કારણે છે. આ સાથે ભેજ પણ વધી રહી છે. દિલ્હી, ચંડીગઢ, જયપુર અને લખનૌ જેવા શહેરોમાં ભેજમાં નોંધપાત્ર વધારો થયો છે. વધારે ભેજ હોવાને કારણે શરીરનું પસીનું સૂકાતું નથી, જેના કારણે શરીર ઠંડું થઈ શકતું નથી. એસીનો વધતો ઉપયોગ પણ સમસ્યાને વધારે છે, કારણ કે તે બહાર વધુ ગરમી છોડે છે જે એક ‘ફીડબેક લૂપ’ બનાવે છે.
કેટલી ઝડપથી વધી રહી છે ગરમ રાતો?
ScienceDirectની એક અભ્યાસ મુજબ, 1980થી 2020 વચ્ચે દરેક દાયકામાં ગરમ રાતોની સંખ્યા 2 થી 8 દિવસ વધી છે. ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ, પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં આ વૃદ્ધિ વધુ છે.
Council on Energy, Environment and Water ની 2025ની રિપોર્ટ અનુસાર:
734માંથી 417 જિલ્લાઓ ‘હાઈ અથવા વેરી હાઈ હીટ રિસ્ક’ ઝોનમાં છે
દેશની 76% વસ્તી આ જોખમવાળા વિસ્તારોમાં રહે છે
મુંબઈમાં દર ઉનાળે 15 વધારાની ગરમ રાતો, બેંગલુરુમાં 11, જયપુર અને ભોપાલમાં 7 અને દિલ્હીમાં 6 વધારાની ગરમ રાતો નોંધાઈ છે.
કેમ રાતની ગરમી વધુ જોખમી?
તબીબી નિષ્ણાતો કહે છે કે દિવસની ગરમી પછી શરીર રાત્રે ઠંડુ થઈને ફરીથી ઊર્જા મેળવે છે. પરંતુ જ્યારે રાત પણ ગરમ હોય, ત્યારે શરીરને આરામ મળતો નથી.
તેના કારણે નીચેના જોખમો વધે છે:
ડિહાઇડ્રેશન
ઊંઘમાં ખલેલ
હાઈ બ્લડ પ્રેશર
થાક અને ચીડિયાપણું
હીટ સ્ટ્રોક
ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને હૃદય અથવા ફેફસાંના દર્દીઓ માટે આ વધુ જોખમી છે. મુંબઈની ડૉ. મંજુષા અગ્રવાલના જણાવ્યા અનુસાર, વારંવાર ગરમ રાતો થવાથી સતત હીટ સ્ટ્રેસ વધે છે અને માનસિક આરોગ્ય પર પણ અસર પડે છે.
રોજિંદી જીવન અને અર્થતંત્ર પર અસર
ગરમ રાતોનો સીધો પ્રભાવ કામ કરવાની ક્ષમતા પર પડે છે. Centre for Science and Environment મુજબ, 2030 સુધીમાં ભારત 5.8% વર્કિંગ કલાકો ગુમાવી શકે છે જે લગભગ 3.4 કરોડ નોકરીઓના બરાબર છે. રાત્રે વધતી ગરમીને કારણે વીજળીની માંગ વધી રહી છે. એર કન્ડીશનરનો વધતો ઉપયોગ ઊર્જા પર ભાર મૂકે છે અને પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે.
શું ઠંડી ચાંદની રાતો પાછી આવશે?
2025ની એક મોડેલિંગ સ્ટડી મુજબ, 2015થી 2100 વચ્ચે દર દાયકામાં ગરમ રાતો 10 થી 13 દિવસ સુધી વધી શકે છે.
પરંતુ ઉકેલ શક્ય છે:
કૂલ રૂફ ટેકનોલોજી
વધુ વૃક્ષારોપણ
રિફ્લેક્ટિવ રસ્તા
શહેરી આયોજનમાં સુધારા
India Meteorological Department હવે રાત્રિના તાપમાન માટે પણ ચેતવણી આપી રહ્યું છે, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે.





