Home National Kerala Thrissur Fireworks Factory Blast 13 Dead

કેરળની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ : 13 લોકોના કરૂણ મોત, 10 મૃતદેહો મળ્યા, સમગ્ર વિસ્તારમાં ગભરાટ

Kerala Fireworks Factory Blast
Published by: Viral Patel
Last Updated: Apr 21, 2026, 02:50 PM IST

Kerala Fireworks Factory Blast: કેરળના ત્રિશૂર જિલ્લામાં મંગળવારે બપોરે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીનો શેડ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો.

ઘટનાની વિગતો અને રેસ્ક્યૂ ઓપરેશન

મંગળવારે બપોરે અંદાજે 3:30 વાગ્યે જ્યારે ફેક્ટરીમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી 10 મૃતદેહો મળી આવ્યા છે. અન્ય 3 લોકોના શરીરના અંગો વિખરાયેલી હાલતમાં મળી આવ્યા છે, જે વિસ્ફોટની તીવ્રતા દર્શાવે છે. દુર્ઘટના સમયે શેડમાં અંદાજે 40 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.

ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ફેક્ટરીમાં રાખેલા દારૂગોળામાં વારંવાર નાના-મોટા વિસ્ફોટ થતા હોવાથી બચાવ કાર્યમાં ભારે અવરોધ ઊભો થયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

વડાપ્રધાન દ્વારા સહાયની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, "જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. મૃતકોના પરિવારને ₹2 લાખની આર્થિક સહાય. ઈજાગ્રસ્તોને ₹50 હજારની સહાય.

તમિલનાડુમાં પણ રવિવારે સર્જાઈ હતી આવી જ દુર્ઘટના

કેરળની આ ઘટનાના બે દિવસ પહેલા જ પાડોશી રાજ્ય તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં પણ ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. દુર્ઘટના વખતે ફેક્ટરીમાં 30 લોકો હાજર હતા, જેમાંથી 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને મંત્રીઓને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જવા અને પ્રભાવિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવા આદેશ આપ્યા હતા.

સુરક્ષા સામે સવાલ

માત્ર ત્રણ દિવસના અંતરમાં બે રાજ્યોમાં થયેલા આ મોટા વિસ્ફોટોએ ફટાકડા ફેક્ટરીઓમાં સુરક્ષાના નિયમોના પાલન સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલમાં બંને ઘટનાઓમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now