IND U19 vs SA U19: વૈભવ સૂર્યવંશીની આગેવાની હેઠળની ભારતીય U19 ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકા U19 ને ડકવર્થ-લુઈસ પદ્ધતિ અનુસાર 25 રનથી હરાવીને 1-0 ની સરસાઈ મેળવી છે. વરસાદને કારણે મેચ અધવચ્ચે અટકી પડી હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ 27.4 ઓવરમાં 4 વિકેટે 148 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 50 ઓવરમાં 301 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો.
પાંચમી વિકેટ માટે 140 રનની મહત્વપૂર્ણ ભાગીદારી
ટીમની શરૂઆત ખરાબ રહી હતી, જેમાં કેપ્ટન વૈભવ સૂર્યવંશી માત્ર 11 રન બનાવીને આઉટ થયા હતા. એરોન જ્યોર્જ પણ વહેલા પેવેલિયન પરત ફર્યા. વેદાંત ત્રિવેદી અને અભિજ્ઞાન કુંડુએ અનુક્રમે 21-21 રનનું યોગદાન આપ્યું. ત્યારબાદ હરવંશ પંગાલિયા અને આરએસ અંબરીશે પાંચમી વિકેટ માટે 140 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને સંકટમાંથી બહાર કાઢી. હરવંશે 95 બોલમાં 93 રન ફટકાર્યા, જેમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. આરએસ અંબરીશે 65 રનની ઇનિંગમાં 7 ચોગ્ગા માર્યા. કનિષ્ક ચૌહાણે 32 રનનું ઉપયોગી યોગદાન આપ્યું. આ ત્રણેય ખેલાડીઓના પ્રયાસોથી ભારત 301 ના જંગી સ્કોર સુધી પહોંચ્યું.
ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું
દક્ષિણ આફ્રિકા તરફથી જેજે બાસને સૌથી સફળ બોલર રહ્યા, જેમણે ૪ વિકેટ ઝડપી. બાયંડા માજોલા, નટાન્ડો સોની અને બાંદીલે મ્બાથાએ એક-એક વિકેટ લીધી. 302 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ ખરાબ રહી. જોરિચ વાન શાલ્કવિકે 60 અને અરમાન માનકે 46 રન બનાવ્યા, પરંતુ અન્ય બેટ્સમેનો સહયોગ આપી શક્યા નહીં. કેપ્ટન મોહમ્મદ બુલબુલિયા માત્ર 5 રન બનાવીને આઉટ થયા. વરસાદ આવતાં મેચ અટકી પડી અને ડકવર્થ-લુઈસ પદ્ધતિ અનુસાર ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રને 2 વિકેટ અને ખિલન પટેલે 1 વિકેટ લીધી. શ્રેણીની બીજી મેચ હવે આગામી દિવસોમાં રમાશે. ભારતીય ટીમ આ જીત સાથે આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળી રહી છે.





















