મધ્ય પૂર્વમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણમાં ભારત પોતાના વૈશ્વિક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યું છે. ભારત સરકારે આફ્રિકા ખંડના સિયેરા લિઓન દેશને માનવીય સહાયના ભાગરૂપે 1000 મેટ્રિક ટન ચોખા મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સહાય ખાસ કરીને ત્યાંના બાળકો માટે ચાલતી સ્કૂલ મીલ યોજનાને ટેકો આપવા માટે મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે ભારત પછાત અને વિકાસશીલ દેશોના ઉત્થાન માટે હકારાત્મક ભૂમિકા ભજવવા કટિબદ્ધ છે.
ગ્લોબલ સાઉથ ભાગીદારી પર ભાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર આ બાબતે વિગતો આપતા જણાવ્યું હતું કે ભારતની આ પહેલ ગ્લોબલ સાઉથ દેશો સાથેના સહકારને વધુ ગાઢ બનાવશે. સિયેરા લિઓન જે પશ્ચિમ આફ્રિકામાં એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો એક નાનકડો દેશ છે, ત્યાંની શાળાઓમાં બાળકોને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી આ 1000 મેટ્રિક ટન ચોખાનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. આ પગલું સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસના લક્ષ્યોને પૂર્ણ કરવામાં પણ સહાયક સાબિત થશે.
પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ભારતની નજર
સહાય મોકલવાની સાથે ભારત પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર પણ સતત નજર રાખી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સામેના કેટલાક આક્રમક નિર્ણયો હાલ પૂરતા મોકૂફ રાખવાની જાહેરાત બાદ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આ ક્ષેત્રની દરેક હિલચાલ પર ધ્યાન આપી રહ્યું છે. રણધીર જયસ્વાલે વધુમાં ઉમેર્યું હતું કે ભારત આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રમુખ દેશો સાથે સતત સંવાદ કરી રહ્યું છે.
શાંતિ માટે કૂટનીતિક પ્રયાસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ સ્થાપવા માટે વિશ્વના વિવિધ દેશોના વડાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે. ભારતનું માનવું છે કે કોઈપણ વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા જ આવવો જોઈએ. એક તરફ જરૂરિયાતમંદ દેશોને અનાજની મદદ કરવી અને બીજી તરફ વૈશ્વિક સંઘર્ષોમાં શાંતિદૂતની ભૂમિકા ભજવવી એ ભારતની બદલાતી વિદેશ નીતિનો એક મહત્વનો હિસ્સો છે.





