શાહબાઝ શરીફની બેઇજિંગ મુલાકાત બાદ જાહેર થયેલા સંયુક્ત નિવેદનને ભારતે સંપૂર્ણપણે ફગાવ્યું; કહ્યું- જમ્મુ-કાશ્મીર આપણું અભિન્ન અંગ છે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 23 થી 26 મે 2026 દરમિયાન ચીનના પ્રવાસે ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કરી હતી. પ્રવાસના અંતે મંગળવારે (26 મે) બંને દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ નિવેદન સામે ભારત સરકારે ખૂબ જ આકરો વાંધો ઉઠાવ્યો છે અને તેને સખત શબ્દોમાં નકારી કાઢ્યું છે.
કાશ્મીર અને લદ્દાખ ભારતનો અવિભાજ્ય ભાગ: વિદેશ મંત્રાલય
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે. તેમણે ઉમેર્યું કે આ વિષય પર ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ અને મક્કમ રહ્યું છે, જેની જાણ બંને દેશોને પહેલેથી જ છે. કાશ્મીર પર ટિપ્પણી કરવાનો અન્ય કોઈ પણ દેશને કોઈ અધિકાર કે કાનૂની સ્થાન (Locus Standi) નથી.
CPEC પ્રોજેક્ટ સામે ભારતનો ઉગ્ર વિરોધ
ચીન અને પાકિસ્તાનના આ સંયુક્ત નિવેદનમાં 'ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર' (CPEC) નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માંથી પસાર થાય છે, જે ભારતનો સાર્વભૌમ હિસ્સો છે.
ભારતે આ અંગે જણાવ્યું કે:
બીજા દેશો દ્વારા પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાને માન્યતા આપવાના કોઈપણ પ્રયાસને ભારત ક્યારેય સ્વીકારશે નહીં.
આ પ્રોજેક્ટ ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સીધું ઉલ્લંઘન કરે છે.
આ બાબતે નવી દિલ્હીએ ચીન અને પાકિસ્તાન બંને સમક્ષ અનેકવાર પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
'વોટર રિસોર્સ કોઓપરેશન'ના દાવાને પણ ફગાવ્યો
સંયુક્ત નિવેદનમાં બંને દેશો વચ્ચે સરહદ પારના જળ સંસાધન સહયોગ (Trans-boundary Water Resources Cooperation) ની વાત પણ કરવામાં આવી હતી. ભારતે આ દાવાને હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે ચીન અને પાકિસ્તાન વચ્ચે કોઈ સીધી સામાન્ય સરહદ જ નથી, તેથી આવા કોઈ સહયોગનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આ સાથે ભારતે સ્પષ્ટ કર્યું કે તે 1963 ના ચીન-પાકિસ્તાન સરહદ કરારને ક્યારેય માન્યતા આપતું નથી, જેના હેઠળ પાકિસ્તાને ભારતની જમીન (શાક્સગામ વેલી) ચીનને સોંપી દીધી હતી.





