નવી દિલ્હી: ભારત અને જાપાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી આજે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઈચી વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય શિખર બેઠક યોજાવાની છે. જાપાનના PM તાકાઇચી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું,. આજે મોદી સાથે રોકાણ અને સુરક્ષા સહયોગ પર દ્વિપક્ષીય ચર્ચા થશેત્રણ દિવસના ભારત પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન સાથેની આ બેઠકમાં પૂર્વોત્તર ભારતના વિકાસ, QUAD ગઠબંધનની મજબૂતી, સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન, આર્થિક સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહકાર જેવા અનેક વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને એશિયા-પેસિફિક ક્ષેત્રના બદલાતા સમીકરણોની વચ્ચે યોજાઈ રહેલી આ બેઠક બંને દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત અને જાપાન છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક, સુરક્ષા અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં એકબીજાના વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે. હાલ વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇન, ચીનની વધતી અસર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઉભા થતા પડકારોને ધ્યાનમાં રાખીને બંને દેશો પોતાના સંબંધોને વધુ ઊંડા બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.
પૂર્વોત્તર ભારતના વિકાસ પર રહેશે વિશેષ ધ્યાન
આ વર્ષની શરૂઆતમાં બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાયેલા વ્યૂહાત્મક સંવાદમાં પૂર્વોત્તર ભારતના વિકાસને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી. બેઠક દરમિયાન પૂર્વોત્તર રાજ્યોમાં કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, વેપાર, પ્રવાસન અને પ્રાદેશિક સહકાર વધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની સહમતી થઈ હતી. સાથે જ ઈન્ડિયા-જાપાન એક્ટ ઈસ્ટ ફોરમને વધુ સક્રિય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતની 'એક્ટ ઈસ્ટ પોલિસી’ અને જાપાનની' ફ્રી એન્ડ ઓપન ઇન્ડો-પેસિફિક' નીતિ વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મેઘાલય, આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ જેવા પૂર્વોત્તર રાજ્યો અને જાપાન વચ્ચે ઉચ્ચસ્તરીય સંપર્કોમાં નોંધપાત્ર વધારો થયો છે.
QUAD ગઠબંધનને મળશે નવી મજબૂતી
આજની બેઠકનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સહકાર રહેશે. ભારત અને જાપાન બંને QUAD (ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા) ગઠબંધનના મહત્વપૂર્ણ સભ્યો છે. બેઠક દરમિયાન દરિયાઈ સુરક્ષા, મુક્ત અને ખુલ્લા વેપાર માર્ગો, સંયુક્ત નૌકાદળ અભ્યાસ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને ચીનની વધતી દરિયાઈ સક્રિયતાને ધ્યાનમાં રાખીને બંને દેશો સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકી શકે છે. વિશ્વ રાજકારણમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું વધતું મહત્વ જોતા આ બેઠક QUADના ભવિષ્ય માટે પણ નિર્ણાયક બની શકે છે.
સેમિકન્ડક્ટર અને સપ્લાય ચેઇન પર ખાસ ફોકસ
કોરોના મહામારી બાદ સમગ્ર વિશ્વને સપ્લાય ચેઇનની નબળાઈનો અનુભવ થયો હતો. ત્યારબાદ ચીન પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવા માટે અનેક દેશોએ વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્રો શોધવાનું શરૂ કર્યું છે. ભારત અને જાપાન પણ આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના પ્રયાસો અંગે વિસ્તૃત ચર્ચા થશે. જાપાનની અદ્યતન ટેક્નોલોજી અને રોકાણને ભારતના મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ સાથે જોડવાનો રોડમેપ તૈયાર થઈ શકે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચિપ મેન્યુફેક્ચરિંગ અને મહત્વપૂર્ણ ખનિજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ બંને દેશો સહકાર વધારશે તેવી અપેક્ષા છે.
પૂર્વોત્તર રાજ્યો અને જાપાન વચ્ચે વધી રહ્યો છે સહકાર
છેલ્લા 18 મહિનામાં પૂર્વોત્તર ભારત અને જાપાન વચ્ચે સહકારમાં નોંધપાત્ર વધારો થયો છે. મેઘાલય, આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓએ જાપાનની મુલાકાત લઈને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી માટે કરારો કર્યા છે. મેઘાલય સરકારે આગામી પાંચ વર્ષમાં 5,000 યુવાનોને જાપાનમાં રોજગારની તક મળે તે માટે સમજૂતી કરી છે. બીજી તરફ આસામ સરકારે લગભગ 20,000 યુવાનોને જાપાનમાં રોજગાર માટે તાલીમ આપવાના કાર્યક્રમ પર સહમતી વ્યક્ત કરી છે. કૌશલ્ય વિકાસ, કૃષિ, પ્રવાસન, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને રોજગાર જેવા ક્ષેત્રોમાં પણ બંને દેશો વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે.
JICA દ્વારા પૂર્વોત્તરમાં મોટા રોકાણ
જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વોત્તર ભારતમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રોકાણ કરી રહી છે. રસ્તા, પુલ, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની યોજનાઓ, વીજળી, વન વિકાસ અને કનેક્ટિવિટી સંબંધિત અનેક પ્રોજેક્ટમાં JICA સહયોગ આપી રહી છે. ધુબરી-ફુલબારી પુલ જેવી મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓમાં પણ જાપાનનો સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત જાપાનીઝ ભાષા તાલીમ, ટેક્નિકલ સ્કિલ ડેવલપમેન્ટ, IIT ગુવાહાટી સાથે સંયુક્ત સંશોધન અને વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો દ્વારા બંને દેશો વચ્ચે લોકો-થી-લોકો સંબંધો પણ વધુ મજબૂત બની રહ્યા છે.
વૈશ્વિક રાજનીતિમાં બેઠકનું મહત્વ
ભારત અને જાપાન વચ્ચેની આજની બેઠક માત્ર દ્વિપક્ષીય સંબંધો પૂરતી મર્યાદિત નથી. વૈશ્વિક સ્તરે બદલાતા રાજકીય અને આર્થિક સમીકરણો વચ્ચે બંને દેશો વિશ્વસનીય ભાગીદાર તરીકે આગળ વધી રહ્યા છે. ચીન પરની આર્થિક નિર્ભરતા ઘટાડવી, ઇન્ડો-પેસિફિકમાં સ્થિરતા જાળવવી, અદ્યતન ટેક્નોલોજીમાં સહકાર વધારવો અને સુરક્ષાના ક્ષેત્રમાં લાંબા ગાળાની ભાગીદારી વિકસાવવી જેવા મુદ્દાઓ આ બેઠકના કેન્દ્રમાં રહેશે. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ અને સંયુક્ત જાહેરાતો થવાની શક્યતા છે, જે માત્ર ભારત અને જાપાન જ નહીં પરંતુ સમગ્ર એશિયા-પેસિફિક ક્ષેત્રની ભૂરાજકીય સ્થિતિ પર પણ અસર કરી શકે છે.






