Home International India Gas Supply Priority List War Impact

ગેસની અછત સર્જાય તો સૌથી પહેલા કોને મળશે સિલિન્ડર? : ભારત સરકારની પ્રાયોરિટી લિસ્ટમાં જાણો તમારો નંબર

ગેસની અછત સર્જાય તો સૌથી પહેલા કોને મળશે સિલિન્ડર?
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 05:00 PM IST

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થતા LPG અને નેચરલ ગેસના પુરવઠા પર મોટી અસર પડી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગે આયાત કરે છે. આ વૈશ્વિક કટોકટીને પહોંચી વળવા માટે ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે ગેસ ફાળવણી માટે એક સ્પષ્ટ પ્રાયોરિટી લિસ્ટ જાહેર કર્યું છે. જો દેશમાં ગેસની અછત ઉભી થાય, તો કયા સેક્ટરને પ્રાધાન્ય આપવું તે હવે નક્કી થઈ ગયું છે.

આ ક્ષેત્રોમાં ગેસ પુરવઠામાં કોઈ કાપ નહીં મુકાય

સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય નાગરિકોની રોજબરોજની જરૂરિયાતો અને આવશ્યક સેવાઓને કોઈ આંચ નહીં આવવા દેવાય. નીચે મુજબના સેક્ટર્સને 100% સપ્લાય મળતો રહેશે:

  • ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG): રસોઈ માટે સીધો પાઈપલાઈનથી આવતો ગેસ.

  • CNG: રિક્ષા, ટેક્સી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે વપરાતો ગેસ.

  • LPG પ્રોડક્શન: ઘરેલુ રસોઈ ગેસના સિલિન્ડર બનાવવા માટે જરૂરી ગેસ.

  • પાઈપલાઈન ફ્યુઅલ: ગેસના ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું ઈંધણ.

સરકારે આ ક્ષેત્રોને ટોપ પ્રાયોરિટીમાં રાખ્યા છે જેથી સામાન્ય માણસને રસોઈ બનાવવામાં કે અવરજવર કરવામાં કોઈ તકલીફ ન પડે.

ઉદ્યોગોના ગેસ પુરવઠામાં કરવામાં આવશે કાપ

કટોકટીના સમયે કેન્દ્ર સરકાર ઔદ્યોગિક એકમોને મળતા ગેસમાં ઘટાડો કરશે. આ કાપ તેમના અગાઉના સરેરાશ વપરાશના આધારે નક્કી કરાશે:

  • ચા ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર: છેલ્લા 6 મહિનાના સરેરાશ વપરાશના માત્ર 80% ગેસ જ મળશે.

  • ફર્ટિલાઈઝર (ખાતર) કંપનીઓ: આ ક્ષેત્રને 70% ગેસ ફાળવવામાં આવશે.

  • ઓઈલ રિફાઈનરીઝ: માત્ર 65% ગેસની ફાળવણી કરવામાં આવશે.

હોટલ એસોસિએશને પહેલેથી જ ચેતવણી આપી છે કે જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો હોટલ ઉદ્યોગ પર મોટી અસર પડશે. જોકે, સરકારનો મુખ્ય ફોકસ ઘરેલુ ગ્રાહકોને સુરક્ષિત રાખવાનો છે.

સરકારે કેમ લેવો પડ્યો આ નિર્ણય?

ભારત તેના વપરાશનો મોટો હિસ્સો મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત કરે છે. યુદ્ધના કારણે આયાત પ્રભાવિત થઈ છે, જેના લીધે કોમર્શિયલ LPG ની અછત વર્તાઈ રહી છે. ઘરેલુ LPG ના સ્ટોકને બચાવવા માટે સરકારે બે સિલિન્ડર બુકિંગ વચ્ચેનો ગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરી દીધો છે.

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં 40 દિવસ ચાલે તેટલો LPG સ્ટોક ઉપલબ્ધ છે. આ ઉપરાંત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી ગેસની આયાત વધારવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now