Home Automobile India Ev New Safety Rules Avas System Mandatory October 2026 Gujarati

ઇલેક્ટ્રિક ગાડીઓની શાંતિ હવે જોખમ નહીં બને : ઓક્ટોબરથી EVs માટે લાગુ થશે આ નવો સુરક્ષા નિયમ

ઇલેક્ટ્રિક ગાડીઓની શાંતિ હવે જોખમ નહીં બને
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 05:30 PM IST

ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં તેજ ગતિએ વધારો થઈ રહ્યો છે. ઓછું પ્રદૂષણ, ઓછો ખર્ચ અને સ્મૂધ ડ્રાઈવિંગને કારણે EVs લોકોની પ્રથમ પસંદગી બની રહ્યા છે. જોકે, આ વાહનો સાથે એક મોટી સમસ્યા હંમેશા જોડાયેલી રહી છે કે ઓછી સ્પીડ પર તે લગભગ કોઈ પણ અવાજ વગર ચાલે છે. આ 'ખામોશી' ઘણીવાર પગપાળા ચાલનારાઓ, સાયકલ સવારો, વડીલો અને દ્રષ્ટિહીન લોકો માટે ખતરો બની જાય છે. આ જ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ

Automotive Research Association of India (ARAI) ના જણાવ્યા અનુસાર, October 2026 થી ભારતમાં તમામ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર વાહનોમાં Acoustic Vehicle Alerting System (AVAS) ફરજિયાત કરવામાં આવશે. આ સિસ્ટમ ગાડીની 0 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પર એક્ટિવ રહેશે. આ સ્પીડ રેન્જમાં EVs નો અવાજ સૌથી ઓછો હોય છે અને અકસ્માતનું જોખમ સૌથી વધુ રહે છે. AVAS દ્વારા ગાડીમાંથી એન્જિન જેવો હળવો કૃત્રિમ અવાજ આવશે, જેથી આસપાસના લોકોને વાહનની હાજરીનો અંદાજ આવી શકે.

AVAS સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

AVAS એટલે કે અકોસ્ટિક વ્હીકલ એલર્ટિંગ સિસ્ટમ એ એક સેફ્ટી ફીચર છે, જે ઇલેક્ટ્રિક ગાડીઓમાં ઓછી સ્પીડ પર આર્ટિફિશિયલ સાઉન્ડ જનરેટ કરે છે. જ્યારે EV પાર્કિંગ એરિયા, સાંકડી ગલીઓ, ટ્રાફિક સિગ્નલ અથવા રિવર્સ મોડમાં હોય છે, ત્યારે આ સિસ્ટમ સક્રિય થઈને Warning Sound આપે છે. આ અવાજ એટલો તીવ્ર નથી હોતો કે તેનાથી ઘોંઘાટ (Noise pollution) થાય, પરંતુ તે એટલો ચોક્કસ હોય છે કે લોકો સતર્ક થઈ જાય.

EV નો સાયલન્ટ નેચર કેમ ખતરનાક છે?

પેટ્રોલ અને ડીઝલ ગાડીઓમાં એન્જિનનો અવાજ કુદરતી રીતે જ એક ચેતવણી તરીકે કામ કરે છે. પરંતુ EVs માં એન્જિન હોતું નથી અને ઓછી સ્પીડ પર ટાયરનો અવાજ પણ નહિવત હોય છે. આજકાલ લોકો મોબાઈલ કે ઈયરફોનનો ઉપયોગ વધુ કરતા હોય છે, જેના કારણે સામેથી આવતી શાંત ગાડીનો ખ્યાલ આવતો નથી. આ જ કારણ છે કે EVs ની શાંતિ ઘણીવાર અકસ્માતનું કારણ બને છે. હાલમાં આ નિયમ માત્ર ફોર-વ્હીલર માટે છે, પરંતુ ARAI એ સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે પણ AVAS જેવી સિસ્ટમ પર વિચાર કરવામાં આવી શકે છે.

EV ખરીદનારાઓ માટે શું બદલાશે?

ઓક્ટોબર પછી જે નવી ઇલેક્ટ્રિક કાર વેચાશે, તેમાં AVAS સિસ્ટમ ફેક્ટરી ફીટેડ હશે. જૂના EV માલિકો માટે આ સિસ્ટમ અલગથી લગાવવા (Retrofit) અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એકંદરે, આ ફેરફાર પગપાળા ચાલનારાઓની સુરક્ષા વધારવાની દિશામાં એક મોટું અને સ્વાગતપાત્ર પગલું માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now