ભારતે બુધવારે કહ્યું હતું કે તે ગાઝાની સ્થિતિ અંગે ચિંતિત છે અને સંઘર્ષગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવા હાકલ કરી હતી. ભારતની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલે મંગળવારે ગાઝામાં હવાઈ હુમલા ફરી શરૂ કર્યા છે, જેના કારણે જાન્યુઆરીમાં હમાસ સાથે થયેલા યુદ્ધવિરામ અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી હુમલામાં 400થી વધુ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ગાઝાની સ્થિતિ અંગે ચિંતિત છીએ. તે મહત્વનું છે કે તમામ બંધકોને મુક્ત કરવામાં આવે ". નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે ગાઝાના લોકોને માનવતાવાદી સહાય પહોંચાડવાનું ચાલુ રાખવા માટે પણ કહીએ છીએ.
ઈઝરાયેલનો મોટો હુમલો
મંગળવારે ઇઝરાયેલે ગાઝા પર મોટો હવાઈ હુમલો કર્યો હતો. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલે મંગળવારે (18 માર્ચ, 2025) ગાઝામાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો જેમાં 400થી વધુ લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ હમાસના પ્રવક્તાએ અમેરિકી રાજદૂતની યુદ્ધવિરામની દરખાસ્તને નકારી કાઢી હતી. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારે તેના હુમલા ફરી શરૂ કર્યા છે. હમાસ ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ સમજૂતી ચાલુ રાખવા માંગતો હતો.
ઈઝરાયેલના રક્ષામંત્રીએ આપી ચેતવણી
ઇઝરાયેલે દાવો કર્યો છે કે તે હુમલાની યોજના બનાવી રહેલા આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યિસરાયલ કાટ્ઝે ચેતવણી આપી છે કે જો બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો ગાઝામાં નરકના દરવાજા ખોલી દેવામાં આવશે. હમાસે જણાવ્યું હતું કે ઇઝરાયેલી હુમલાઓ ઉશ્કેરણી વગરના હતા.





