Home National India Australia Uranium Supply Agreement Explained

ઓસ્ટ્રેલિયા હવે ભારતને આપશે યુરેનિયમ : 2010માં કર્યો હતો ઇનકાર, જાણો શું બદલાયું અને કેમ થયો ઐતિહાસિક કરાર

India Australia, Uranium Supply
Published by: OBS Bureau
Last Updated: Jul 09, 2026, 06:00 PM IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ન્યુક્લિયર ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કરાર થયો છે, જેને ભારતની સ્વચ્છ ઊર્જા (Clean Energy) અને ઊર્જા સુરક્ષાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન બંને દેશોએ યુરેનિયમ સપ્લાયને લઈને મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ખાસ વાત એ છે કે વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયાએ ભારતને યુરેનિયમ વેચવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિ, વ્યૂહાત્મક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય ન્યુક્લિયર વ્યવસ્થાના કારણે બંને દેશો વચ્ચે સહકારનું નવું અધ્યાય શરૂ થયું છે. આ કરાર ભારતના વધતા વીજ ઉત્પાદન અને 2047 સુધી 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા સ્થાપવાના લક્ષ્યને મહત્વપૂર્ણ ટેકો આપશે.

2010માં કેમ કર્યો હતો ઇનકાર?

ઓસ્ટ્રેલિયા વિશ્વના સૌથી મોટા યુરેનિયમ ભંડાર ધરાવતા દેશોમાંનું એક છે. તેમ છતાં વર્ષ 2010 સુધી તેણે ભારતને યુરેનિયમ નિકાસ કરવાની મંજૂરી આપી નહોતી. તેનું મુખ્ય કારણ Nuclear Non-Proliferation Treaty (NPT) અને ઓસ્ટ્રેલિયાની તે સમયની નીતિ હતી.

ઓસ્ટ્રેલિયા NPT પર હસ્તાક્ષર કરનાર દેશ છે અને લાંબા સમય સુધી તેની નીતિ એવી હતી કે જે દેશોએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા ન હોય તેમને યુરેનિયમની નિકાસ નહીં કરવામાં આવે. ભારતે NPT પર હસ્તાક્ષર કર્યા નથી અને તે આ સંધિને ભેદભાવપૂર્ણ ગણાવે છે. તેથી વર્ષો સુધી ભારતને ઓસ્ટ્રેલિયન યુરેનિયમ મળી શક્યું નહોતું.

હવે શું બદલાયું?

છેલ્લા દાયકામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને સુરક્ષા સંબંધો નોંધપાત્ર રીતે મજબૂત બન્યા છે. વર્ષ 2008માં Nuclear Suppliers Group (NSG) દ્વારા ભારતને વિશેષ છૂટ આપવામાં આવ્યા બાદ ભારત માટે આંતરરાષ્ટ્રીય બજારમાંથી યુરેનિયમ ખરીદવાનો માર્ગ ખુલ્યો હતો.

હવે બંને દેશો વચ્ચે થયેલા નવા કરાર હેઠળ International Atomic Energy Agency (IAEA) દ્વારા નક્કી કરાયેલા તમામ સુરક્ષા ધોરણોનું પાલન કરીને માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે લાંબા ગાળે યુરેનિયમની સપ્લાય કરવામાં આવશે. આથી ભારતના સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામને વધુ મજબૂતી મળશે.

સંયુક્ત નિવેદનમાં શું કહેવામાં આવ્યું?

ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે યુરેનિયમની નિકાસ સંપૂર્ણપણે IAEAના સુરક્ષા માપદંડો હેઠળ અને માત્ર શાંતિપૂર્ણ ઉપયોગ માટે જ કરવામાં આવશે.

આ કરારનો હેતુ ભારતની વધતી ઊર્જાની જરૂરિયાતોને પૂરી કરવા સાથે સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.

ઓસ્ટ્રેલિયા પાસે છે વિશ્વનો સૌથી મોટો યુરેનિયમ ભંડાર

ઓસ્ટ્રેલિયા પાસે વિશ્વના અંદાજે 28 ટકા યુરેનિયમ ભંડાર હોવાનું માનવામાં આવે છે. રસપ્રદ બાબત એ છે કે ઓસ્ટ્રેલિયા પોતે ન તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ચલાવે છે અને ન જ પરમાણુ હથિયારો ધરાવે છે. તે પોતાના યુરેનિયમનું મુખ્યત્વે નિકાસ દ્વારા વૈશ્વિક બજારમાં વેચાણ કરે છે.

બીજી તરફ ભારત ઝડપથી વધતી વીજ માંગને પહોંચી વળવા ન્યુક્લિયર ઊર્જા પર ભાર મૂકી રહ્યું છે. હાલમાં દેશના કુલ વીજ ઉત્પાદનમાંથી ન્યુક્લિયર ઊર્જાનો હિસ્સો અંદાજે 3 ટકા જેટલો છે. સરકાર 2047 સુધી 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા સ્થાપવાનો લક્ષ્ય ધરાવે છે, જેના દ્વારા કરોડો ઘરોને વીજળી પૂરી પાડવાની યોજના છે.

ભારત માટે આ કરાર કેમ મહત્વનો?

ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં Renewable Energy સાથે Nuclear Energy પર પણ ભાર મૂકી રહ્યું છે. ન્યુક્લિયર ઊર્જા સતત અને ઓછા કાર્બન ઉત્સર્જન સાથે વીજળી પૂરી પાડે છે. યુરેનિયમની સ્થિર સપ્લાય ઉપલબ્ધ થતાં નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સને ઇંધણ પૂરું પાડવું વધુ સરળ બનશે.

આ કરાર ભારતની Energy Security, Clean Energy Mission અને Net Zero Emissions જેવા લાંબા ગાળાના લક્ષ્યોને પણ મજબૂત બનાવશે.

સ્પેસ ક્ષેત્રમાં પણ વધશે સહકાર

યુરેનિયમ કરાર ઉપરાંત બંને દેશો અંતરિક્ષ ક્ષેત્રમાં પણ સહકાર વધારશે. ભારત અને ઓસ્ટ્રેલિયા મળીને હિંદ મહાસાગરમાં આવેલા Cocos (Keeling) Islands પર એક અસ્થાયી Space Tracking Terminal વિકસાવશે. આ સુવિધા ભારતના ભાવિ અવકાશ મિશન અને સ્પેસક્રાફ્ટ ટ્રેકિંગમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

PM મોદી અને એન્થની અલ્બાનીઝે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન Anthony Albaneseએ જણાવ્યું કે આ વ્યવસ્થા ભારતને ઓસ્ટ્રેલિયન યુરેનિયમની નિકાસ સરળ બનાવશે અને સ્વચ્છ ઊર્જા ક્ષમતા વિકસાવવામાં મદદરૂપ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશોએ ન્યુક્લિયર એનર્જી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આથી ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમ સપ્લાયનો માર્ગ વધુ સરળ બનશે અને દેશના સ્વચ્છ ઊર્જા લક્ષ્યોને નવી ગતિ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now