Home National Bingson John 300 Five Star Hotel Fraud Arrest

ચાર્લ્સ શોભરાજથી પ્રભવિત દાદાએ તો હદ કરી! : ક્યારેક પ્રોફેસર તો ક્યારેક યોગ ટ્રેનર... 30 વર્ષમાં 300થી વધુ ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા, બિલ ચૂકવવાના સમયે થઈ જતા ફરાર

Bingson John
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jul 09, 2026, 02:21 PM IST

Bingson John : દેશભરમાં લક્ઝરી હોટલોને નિશાન બનાવી છેલ્લા ત્રણ દાયકાથી કથિત રીતે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર 69 વર્ષીય બિંગસન જોનની ધરપકડ બાદ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ વર્ષ 1990થી અત્યાર સુધી દેશની 300થી વધુ ફાઈવ સ્ટાર અને લક્ઝરી હોટલોમાં રોકાઈને ત્યાંની તમામ સુવિધાઓનો લાભ લીધો, પરંતુ એક પણ સ્થળે હોટલનું બિલ ચૂકવ્યું નહીં. એટલું જ નહીં, કેટલીક હોટલોમાંથી કિંમતી સામાનની ચોરી કરવાનો પણ તેના પર આરોપ છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, બિંગસન જોન દરેક વખતે નવી ઓળખ સાથે હોટલમાં પ્રવેશ કરતો હતો. ક્યાંક પોતાને ટૂરિસ્ટ ગાઈડ તરીકે રજૂ કરતો, ક્યાંક અંગ્રેજીના પ્રોફેસર તરીકે તો ક્યાંક યોગ ટ્રેનર હોવાનું કહી વિશ્વાસ જીતતો. તેની શાલીનતા, આત્મવિશ્વાસ અને વ્યવહારના કારણે હોટલ સ્ટાફ પણ ઘણીવાર તેની પાસેથી એડવાન્સ રકમ લેતો નહોતો. ત્યારબાદ તક મળતા જ તે બિલ ચૂકવ્યા વિના હોટલ છોડીને ફરાર થઈ જતો.

રાયપુરની હયાત હોટલમાં તાજી છેતરપિંડીનો આરોપ

તાજેતરમાં છત્તીસગઢના રાયપુર સ્થિત હયાત હોટલમાં બિંગસન જોન બે દિવસ સુધી રોકાયો હતો. પોલીસે જણાવ્યું કે તેણે લગભગ 63,755 રૂપિયાનું બિલ ચૂકવ્યું નહીં અને હોટલમાંથી નીકળી ગયો. તપાસ દરમિયાન એવો પણ આરોપ સામે આવ્યો કે તેણે હોટલમાંથી અંદાજે 1.48 લાખ રૂપિયાનું લેપટોપ પણ ચોરી લીધું હતું. હોટલ મેનેજમેન્ટની ફરિયાદ બાદ એન્ટી ક્રાઈમ એન્ડ સાયબર યુનિટ તથા તેલીબાંધા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ શરૂ કરી હતી. મોબાઇલ ફોનના લોકેશન, દસ્તાવેજો અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે આરોપીનું લોકેશન ઓડિશાના ભુવનેશ્વરમાં મળ્યું. ત્યારબાદ રાયપુર પોલીસની ટીમ ત્યાં પહોંચી અને તેની ધરપકડ કરી. પોલીસે તેની પાસેથી ચોરી થયેલું લેપટોપ પણ જપ્ત કર્યું હોવાનું જણાવ્યું છે.

આ પણ ખાસ વાંચો : UGC NET પેપર લીકનો નવો વિવાદ : સોસિયોલોજી પેપર લીકના આરોપોથી ફરી ઘેરાઈ NTA, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર નિશાન

પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

પોલીસ પૂછપરછ દરમિયાન બિંગસન જોને સ્વીકાર્યું હોવાનું જણાવવામાં આવે છે કે તે વર્ષ 1990થી આવી જ રીતે દેશભરની 300થી વધુ લક્ઝરી હોટલોમાં રોકાઈ ચૂક્યો છે. અલગ-અલગ ઓળખપત્રો અને ખોટી માહિતીના આધારે તે હોટલોમાં વિશ્વાસ જીતતો અને પછી બિલ ચૂકવ્યા વગર નીકળી જતો. તપાસ અધિકારીઓ હવે તેની સામે વિવિધ રાજ્યોમાં નોંધાયેલા કેસોની વિગતો એકત્ર કરી રહ્યા છે. પોલીસનું માનવું છે કે તેની સામે છેતરપિંડી, નકલી દસ્તાવેજોનો ઉપયોગ અને ચોરી સહિતની અનેક ગંભીર કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

વર્ષ 2022માં પણ થઈ હતી ધરપકડ

આ પહેલીવાર નથી જ્યારે બિંગસન જોન પોલીસના હાથે ઝડપાયો હોય. વર્ષ 2022માં કેરળના કોલ્લમ રેલવે સ્ટેશન નજીક તેની ધરપકડ કરવામાં આવી હતી. તે પહેલાં તિરુવનંતપુરમની એક ફાઈવ સ્ટાર હોટલે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કેટલાય દિવસ સુધી રોકાયો હતો પરંતુ બિલ ચૂકવ્યા વિના ભાગી ગયો હતો. તે સમયે પણ પોલીસને જાણવા મળ્યું હતું કે જોને હોટલમાં અત્યંત સંસ્કારી અને સન્માનિત મહેમાન તરીકે વર્તન કર્યું હતું. તેના આત્મવિશ્વાસના કારણે હોટલ સ્ટાફને શંકા પણ ન ગઈ અને એડવાન્સ રકમ પણ લેવામાં આવી નહોતી. બાદમાં તે હોટલનું લેપટોપ લઈને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો.

આ પણ ખાસ વાંચો : TMCને મળ્યો 440 વોટનો ઝટકો! : સુખેન્દુ સહિત ત્રણ પૂર્વ રાજ્યસભા સાંસદ BJPમાં જોડાયા, બંગાળની રાજનીતિમાં ગરમાવો

અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ, લગ્ન કર્યા નહીં

પોલીસના જણાવ્યા મુજબ બિંગસન જોને અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કર્યો હતો અને તેણે ક્યારેય લગ્ન કર્યા નથી. 1980ના દાયકામાં તે દિલ્હીમાં ટૂરિસ્ટ ગાઈડ તરીકે કામ કરતો હતો. તે સમયે વિદેશી પર્યટકો સાથે મુસાફરી દરમિયાન ઘણી હોટલોમાં તેને મફતમાં રહેવાની સુવિધા મળતી હતી, જેના કારણે તેને લક્ઝરી હોટલોની કાર્યપદ્ધતિ વિશે સારી સમજ મળી ગઈ હતી. પૂછપરછ દરમિયાન તેણે એવો દાવો કર્યો કે એક વખત એક લક્ઝરી હોટલના કર્મચારીએ જાહેરમાં તેનું અપમાન કર્યું હતું. ત્યારબાદ તેણે મોંઘી હોટલોને જ નિશાન બનાવવાનો નિર્ણય લીધો અને વર્ષો સુધી અલગ-અલગ રાજ્યોમાં આ જ રીત અપનાવી.

ચાર્લ્સ શોભરાજથી પ્રભાવિત થયો હોવાનો દાવો

તપાસ દરમિયાન બિંગસન જોને એવો પણ ખુલાસો કર્યો કે તિહાડ જેલમાં સજા ભોગવતી વખતે તે કુખ્યાત ઠગ અને સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજથી પ્રભાવિત થયો હતો. તેના કહેવા મુજબ, ત્યારબાદ તેણે નકલી ઓળખ, વિશ્વાસ જીતવાની કળા અને છેતરપિંડીની પદ્ધતિ અપનાવી લક્ઝરી હોટલોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું. જોકે, પોલીસ દ્વારા આ દાવાની સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ હવે એ પણ શોધી રહી છે કે શું આરોપી કોઈ સંગઠિત ગેંગ સાથે સંકળાયેલો હતો કે પછી તેણે એકલાએ જ આ સમગ્ર છેતરપિંડીનો જાળ રચ્યો હતો. સાથે જ દેશના વિવિધ રાજ્યોની પોલીસ સાથે સંપર્ક કરીને તેના વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોની માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now