Home International India Australia 18 Agreements Defence Uranium Energy Education Modi Albanese

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેગા ડીલ : સંરક્ષણથી લઈને શિક્ષણ સુધી થયા 18 ઐતિહાસિક કરારો, મળશે અનેક લાભ

India Australia Agreements
Image Credit: @narendramodi
Published by: Nirali Gohil
Last Updated: Jul 09, 2026, 11:34 AM IST

India Australia Agreements: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવતા બંને દેશોએ ગુરુવારે 18 મહત્વપૂર્ણ કરારો અને પહેલો પર સહમતિ વ્યક્ત કરી છે. સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, નાગરિક પરમાણુ ઊર્જા, સાયબર સુરક્ષા, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ખનન, વિજ્ઞાન, ટેક્નોલોજી, હરિત ઊર્જા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રોમાં થયેલા આ કરારોને બંને દેશોની Comprehensive Strategic Partnershipમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યું છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝ વચ્ચે મેલબોર્નમાં યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન અનેક વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક બાદ બંને દેશોએ આર્થિક, સુરક્ષા અને ટેક્નોલોજી ક્ષેત્રમાં સહકારને વધુ ગાઢ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

ભારતને યુરેનિયમ સપ્લાય પર મહત્વપૂર્ણ સહમતિ

બેઠકનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ એ રહ્યું કે ઓસ્ટ્રેલિયાએ ભારત સાથેના દ્વિપક્ષીય નાગરિક પરમાણુ સહકાર કરાર હેઠળ યુરેનિયમ સપ્લાય કરવાની સહમતિ આપી છે. ભારતના વધતા ઊર્જા ક્ષેત્ર માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બંને દેશોએ Comprehensive Economic Cooperation Agreement (CECA) અંગે ચાલી રહેલી વાટાઘાટોને વધુ ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બંને દેશો આર્થિક સહયોગને નવા સ્તરે લઈ જવા પ્રતિબદ્ધ છે.

આતંકવાદ સામે સંયુક્ત લડતનો પુનરોચ્ચાર

સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેનું માનવું છે કે આતંકવાદ માત્ર કોઈ એક દેશ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ગંભીર પડકાર છે. બંને દેશોએ આતંકવાદ સામે મળીને લડવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હતી. સાથે જ વિશ્વના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષોનો ઉકેલ માત્ર સંવાદ અને રાજદ્વારી દ્વારા જ શક્ય હોવાનું પણ બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું.

ઇન્ડો-પેસિફિકમાં સુરક્ષા સહકારને મળશે વધુ વેગ

બેઠક દરમિયાન બંને દેશોએ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા, મુક્ત નૌકાસંચાર અને નિયમ આધારિત વ્યવસ્થાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયાએ Australia–Canada–India Technology and Innovation Partnership હેઠળ ટેક્નોલોજી અને નવીનતા ક્ષેત્રમાં સહકાર વધારવા પણ સહમતિ દર્શાવી હતી.

ભારતને પરત મળશે ત્રણ પ્રાચીન મૂર્તિઓ

ભારતના સાંસ્કૃતિક વારસાને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ તમિલનાડુની ત્રણ પ્રાચીન અને ઐતિહાસિક મૂર્તિઓ ભારતને પરત આપવાનો નિર્ણય લીધો છે. આમાં 11મી-12મી સદીની ગ્રેનાઈટથી બનેલી ભગવાન શિવના વાહન નંદીની મૂર્તિ, 11મી સદીની ભદ્રકાળીની કાંસ્ય પ્રતિમા અને 12મી સદીની ભગવાન કાર્તિકેય (સ્કંદ)ની બેસાલ્ટ પથ્થરની પ્રતિમાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: મોદી-અલ્બાનીઝ વચ્ચે ઐતિહાસિક ડીલ : જેનાથી બદલાઈ શકે છે દુનિયાનો ન્યૂક્લિયર ગેમ પ્લાન!

સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનશે ભાગીદારી

બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અંગેની સંયુક્ત ઘોષણાનું નવીનીકરણ કર્યું છે. નવી વ્યવસ્થા હેઠળ સૈન્ય વચ્ચે તાલમેલ વધારવો, દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ ઉદ્યોગમાં સહકાર, સાયબર સુરક્ષા, આતંકવાદ વિરોધી કામગીરી, માનવતાવાદી સહાય અને આપત્તિ વ્યવસ્થાપન સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવામાં આવશે.

દરિયાઈ સુરક્ષા અને સાયબર ટેક્નોલોજીમાં પણ કરારો

ભારત અને ઓસ્ટ્રેલિયાએ Maritime Security Cooperation Roadmap, Joint Statement on Energy Security, નાગરિક પરમાણુ સહયોગ હેઠળના વહીવટી કરારો તેમજ Partnership for Cyber, Critical Technology and Supply Chains (PACTS) પર પણ સહમતિ નોંધાવી હતી. આ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડ અને ઓસ્ટ્રેલિયન મેરિટાઇમ બોર્ડર કમાન્ડ વચ્ચે સહયોગ વધારવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે. વર્ષ 2028-29 દરમિયાન ભારતીય સૈન્યના એક પ્રશિક્ષકને ઓસ્ટ્રેલિયન ડિફેન્સ કોલેજમાં નિયુક્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં નવા અવસર

શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ છે. ઓસ્ટ્રેલિયાના સહયોગથી ભુવનેશ્વરના નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં Centre of Excellence for Mining and Mining Equipment સ્થાપવામાં આવશે.

સાથે જ Flinders University બેંગલુરુમાં પોતાનો કેમ્પસ શરૂ કરશે, જ્યારે Victoria University ગુરુગ્રામમાં શૈક્ષણિક કેમ્પસ સ્થાપશે.

આ પણ વાંચો: ભારત-ન્યૂઝીલેન્ડ FTA; પહેલા જ દિવસથી 57% નિકાસ ટેરિફ-મુક્ત : જાણો ગ્રાહકો, વેપારીઓ અને ઉદ્યોગો માટે આ કરાર શું બદલાવ લાવી શકે છે

ગાંધીનગરમાં રૂફટોપ સોલાર ટ્રેનિંગ એકેડમી

ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગરમાં ઓસ્ટ્રેલિયાના સહયોગથી Rooftop Solar Training Academy શરૂ કરવામાં આવશે. આ એકેડમી ભારતના ઝડપથી વિકસતા હરિત ઊર્જા ક્ષેત્ર માટે નિષ્ણાત માનવબળ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનમાં સહકાર વધશે

બંને દેશોએ વ્યાવસાયિક શિક્ષણની ગુણવત્તા સુધારવા, વૈજ્ઞાનિક સંશોધન, ભૂ-વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન, ફિલ્મ શિક્ષણ અને નવીનતા ક્ષેત્રે પણ સહકાર વધારવા માટે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. નિષ્ણાતોના મતે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા આ 18 કરારો માત્ર દ્વિપક્ષીય સંબંધોને જ મજબૂત બનાવશે નહીં, પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન, વેપાર, ઊર્જા સુરક્ષા અને ટેક્નોલોજી સહકાર માટે પણ લાંબા ગાળે મહત્વપૂર્ણ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now