Oil Crisis India Update: મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ પુરવઠા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાના ડર વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુએઈ (UAE) થી બે મોટા એલપીજી (LPG) કેરિયર્સ અને સાઉદી અરેબિયાથી એક ક્રૂડ ઓઈલ ટેન્કર ભારત તરફ રવાના થયા છે. આ જહાજો આવનારા દિવસોમાં ભારતીય બંદરો પર પહોંચશે, જેનાથી દેશમાં ગેસ અને તેલની સંભવિત અછતને પહોંચી વળવામાં મોટી મદદ મળશે.
આ કટોકટી કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ તેમની ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની સત્તાવાર મુલાકાત રદ કરી છે અને ભારતીય જહાજોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પર્સિયન ગલ્ફમાં હાલમાં અંદાજે 500 જેટલા ટેન્કર જહાજો ફસાયેલા છે, જેમાં ક્રૂડ ઓઈલ, કેમિકલ અને અન્ય ઓઈલ પ્રોડક્ટ્સ ભરેલી છે. જોકે, ભારતના રાજદ્વારી સંબંધોને કારણે ઈરાને ભારતીય જહાજોને પસાર થવાની પરવાનગી આપી છે, જે ભારતની મોટી કુટનીતિક જીત માનવામાં આવે છે.
92,000 ટન LPG સાથે બે જહાજો ભારત તરફ રવાના
શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ પુષ્ટિ કરી છે કે 'પાઈન ગેસ' અને 'જગ વસંત' નામના બે ભારતીય ધ્વજવાળા જહાજો યુએઈથી ભારત માટે નીકળી ગયા છે. આ બંને જહાજોમાં આશરે 92,000 ટન એલપીજી છે. શેડ્યૂલ મુજબ, 'જગ વસંત' 26 માર્ચે ગુજરાતના કંડલા બંદરે પહોંચશે, જ્યારે 'પાઈન ગેસ' 28 માર્ચે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાની ધારણા છે. આ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવ્યા છે.
સાઉદી અરેબિયાથી આવી રહ્યું છે 'MT કાલિસ્ટા'
માત્ર ગેસ જ નહીં, પણ ક્રૂડ ઓઈલ મામલે પણ રાહત મળી છે. 'MT કાલિસ્ટા' નામનું ક્રૂડ ઓઈલ કેરિયર સાઉદી અરેબિયાના યાનબુ બંદર પરથી ઈંધણ લોડ કરી રહ્યું છે. આ જહાજ જેદ્દાહ થઈને ભારતના પારાદીપ બંદર માટે રવાના થશે. પેટ્રોલિયમ મંત્રાલય આ જહાજની મુસાફરી પર સતત નજર રાખી રહ્યું છે, કારણ કે તે એડનના અખાત જેવા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થવાનું છે.
ભારતીય નૌકાદળનું 'સુરક્ષા કવચ'
દરિયાઈ માર્ગે આવતા આ કિંમતી જથ્થાની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ હાઈ એલર્ટ પર છે. ઓમાનના અખાત અને એડનના અખાતમાં નૌકાદળના 'કોલકાતા-ક્લાસ ડિસ્ટ્રોયર' અને અન્ય યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ યુદ્ધ જહાજો ભારતીય ટેન્કરોને 24 કલાક સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે જેથી કોઈ પણ પ્રકારનો હુમલો કે અવરોધ ન આવે. તમામ ભારતીય જહાજોના કેપ્ટન નૌકાદળના સતત સંપર્કમાં છે.
શું ભારતે ઈરાનને કોઈ ફી ચૂકવી છે?
એવા અહેવાલો વહેતા થયા હતા કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસે મોટી રકમ વસૂલી રહ્યું છે. જોકે, ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે ભારતે તેના ટેન્કરો પસાર કરવા માટે ઈરાનને કોઈ વધારાની ફી ચૂકવી નથી. આ ભારતના ઈરાન સાથેના મજબૂત સંબંધોનું પરિણામ છે કે અન્ય દેશોના 500 ટેન્કર ફસાયેલા હોવા છતાં ભારતીય જહાજોને માર્ગ મળી રહ્યો છે.





