વડોદરાની સંસ્કારનગરી તરીકે ઓળખાતી છબી પર ફરી એક વખત ડાઘ લાગ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MS યુનિવર્સિટી)ની ગર્લ્સ હોસ્ટેલ બહાર યુવક દ્વારા કરવામાં આવેલા અભદ્ર અને અશ્લીલ વર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં મહિલાઓની સલામતીને લઈને ગંભીર ચિંતા ઊભી થઈ છે. કમાટીબાગ રોડ પર આવેલી MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર બાઈક પર બેઠેલા એક યુવકે જાહેર સ્થળે યુવતીઓ સામે અશ્લીલ ચેનચાળા કર્યા હોવાનો દાવો વીડિયોમાં કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા સયાજીગંજ પોલીસે સ્વમેળે તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે યુવક બાઈક પર બેઠો છે અને હોસ્ટેલ બહાર ઉભેલી યુવતીઓ સામે અશોભનિય હરકતો કરી રહ્યો છે. આ દૃશ્યોને કારણે હોસ્ટેલની યુવતીઓ ગભરાઈ ગઈ હતી. ઘટનાના સમયે એક યુવતીએ હિંમત દાખવીને મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વીડિયો ઈન્સ્ટાગ્રામ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ ગયો, જેના કારણે મામલો ચર્ચામાં આવ્યો.
યુવતીમાં રોષ
વીડિયોમાં યુવતી પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવે છે કે, “અમારી હોસ્ટેલની બહાર જ આવી ખરાબ હરકત થઈ રહી હતી. અમે ફતેગંજથી જમવાનું લઈને પરત આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. યુવકે પોતાની પેન્ટની ઝીપ ખુલ્લી રાખી હતી અને તેને કોઈ શરમ કે ડર લાગતો ન હતો. તે સમયે હોસ્ટેલની અન્ય છોકરીઓ પણ હાજર હતી, જેથી બધીઓ ભયભીત થઈ ગઈ હતી.” યુવતીએ વધુમાં જણાવ્યું કે તેઓએ હિંમત કરીને યુવકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત કરવા જતા જ તે બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જાહેર સ્થળે, ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલ જેવી સંવેદનશીલ જગ્યા પાસે આવી અશ્લીલ હરકતો થવી અત્યંત ગંભીર બાબત છે. આ ઘટનાએ વડોદરા શહેરમાં મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એક વખત પ્રશ્નો ઉભા કર્યા છે.
પોલીસે શું કહ્યું ?
આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. પંડ્યાએ જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયોને લઈને હજી સુધી કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ યુવકની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય તકનિકી સાધનોના આધારે આરોપીને ઝડપથી ઝડપી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે.






