India vs England 1st ODI : આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં નિરાશાજનક પ્રદર્શન બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમની નજર ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ પર છે. આજથી શરૂ થઈ રહેલી આ સિરીઝ ભારત માટે માત્ર જીત મેળવવાનો જ નહીં પરંતુ આગામી વનડે વર્લ્ડ કપની તૈયારીઓનો પણ મહત્વપૂર્ણ ભાગ છે. T20માં મળેલી હારનો જવાબ વનડેમાં આપવાની જવાબદારી હવે શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ પર રહેશે. ભારતીય પસંદગી સમિતિએ આ સિરીઝ માટે ટીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. સૌથી મોટા સમાચાર વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહનું આજે કમબેક થશે. બંને સિનિયર ખેલાડીઓની હાજરીથી ટીમનું સંતુલન અને અનુભવ બંનેમાં વધારો થયો છે. બીજી તરફ, કેટલાક યુવા ખેલાડીઓને બહાર બેસવું પડ્યું છે તો કેટલાકને ઈજાના કારણે ટીમમાંથી બહાર થવું પડ્યું છે.
વિરાટ કોહલીનું કમબેક, જયસ્વાલને બહાર બેસવું પડશે
IPL 2026ની ફાઇનલ દરમિયાન હેમસ્ટ્રિંગમાં ઈજા થતાં વિરાટ કોહલી છેલ્લા એક મહિનાથી ક્રિકેટથી દૂર હતો. તેની ગેરહાજરીમાં અફઘાનિસ્તાન સામે યશસ્વી જયસ્વાલે સદી ફટકારીને પોતાની દાવેદારી મજબૂત બનાવી હતી. તેમ છતાં, અનુભવી વિરાટ કોહલી ફિટ થતાં જ ભારતીય ટીમમાં તેમનું કમબેક થયું છે અને પરિણામે જયસ્વાલને આ સિરીઝ માટે સ્થાન મળ્યું નથી. BCCI તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ કોહલી ફરી ટીમ સાથે જોડાયો છે. ક્રિકેટ ચાહકો માટે વધુ એક ખાસ વાત એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા વિરામ બાદ ફરી એકવાર વનડેમાં સાથે રમતા જોવા મળશે. બંને દિગ્ગજ હવે માત્ર વનડે ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવાથી તેમની જોડી પર સૌની નજર રહેશે.
આ પણ ખાસ વાંચો : 20 વર્ષ જૂનો હિસાબ ચૂકવવાની તક! : વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ફરી સામસામે ફ્રાન્સ અને સ્પેન
બુમરાહથી બોલિંગને મળશે નવી ધાર
ભારતીય બોલિંગ માટે પણ સારા સમાચાર છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પીઠની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થઈને ટીમમાં પરત ફર્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ તેના વર્કલોડને ધ્યાનમાં રાખીને તેને આરામ આપવામાં આવ્યો હતો અને હવે તે ફરી નવી ઉર્જા સાથે બોલિંગ આક્રમણની કમાન સંભાળશે. જોકે ભારતીય ટીમને એક ઝટકો પણ લાગ્યો છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા હેમસ્ટ્રિંગ ઈજાને કારણે સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને પ્રિન્સ યાદવને તક આપવામાં આવી છે.
ઈજાના કારણે બદલાઈ ટીમની યોજના
સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હજુ પણ ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા ન થતાં આ સિરીઝમાં ઉપલબ્ધ નથી. તેની ગેરહાજરીમાં સામેલ કરાયેલા નીતિશ કુમાર રેડ્ડી પણ ઈજાગ્રસ્ત થતાં ટીમ મેનેજમેન્ટે શિવમ દુબેને ફરી તક આપી છે. જો શિવમ દુબેને આજે પ્લેઇંગ-11માં સ્થાન મળે તો તે લગભગ બે વર્ષ બાદ ભારત માટે વનડે મેચ રમતો જોવા મળશે. તે જ સમયે અનુભવી અક્ષર પટેલની પણ ટીમમાં વાપસી થઈ છે. અક્ષરની હાજરીથી ટીમને બેટિંગની ઊંડાઈ ઉપરાંત સ્પિન બોલિંગમાં પણ સંતુલન મળશે.
આ પણ ખાસ વાંચો : 18 વર્ષ, 5 IPL ટ્રોફી, 2 CLT20 ટ્રોફી અને હવે વિદાય... : CSKમાં મોટો ફેરફાર, સ્ટીફન ફ્લેમિંગની વિદાય બાદ હવે નવા કોચની શોધ શરૂ
ભારતની સંભવિત પ્લેઇંગ-11
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રાર.
આજે ક્યાં અને કેટલા વાગ્યે રમાશે મેચ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે આજે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 3:00 વાગ્યે થશે. ટીવી પર મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. જ્યારે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. T20 સિરીઝમાં મળેલી નિરાશા બાદ હવે ટીમ ઈન્ડિયા જીત સાથે વનડે અભિયાનની શરૂઆત કરી શકે છે કે નહીં, તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે.





