Chennai Super Kings : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ અને લોકપ્રિય ફ્રેન્ચાઇઝીઓમાંની એક ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે સોમવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. ટીમ અને તેના લાંબા સમયથી હેડ કોચ રહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગે પરસ્પર સંમતિથી 18 વર્ષ જૂના સંબંધોનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી, જેના કારણે IPLના સૌથી લાંબા અને સૌથી સફળ કોચિંગ કાર્યકાળનો અંત આવ્યો છે. CSKએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ફ્લેમિંગ અને મેનેજમેન્ટ વચ્ચે ખુલ્લી અને સકારાત્મક ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝીએ કહ્યું કે ફ્લેમિંગે ટીમ માટે જે વારસો ઉભો કર્યો છે, તે આગામી પેઢીઓને પણ પ્રેરણા આપતો રહેશે. સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા સંદેશમાં ટીમે તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ખેલાડીથી હેડ કોચ સુધીની યાદગાર સફર
સ્ટીફન ફ્લેમિંગનો ચેન્નઈ સુપર કિંગ્સ સાથેનો સંબંધ IPLની પ્રથમ સિઝન એટલે કે વર્ષ 2008થી શરૂ થયો હતો. તે સમયે તેઓ ટીમમાં ખેલાડી તરીકે જોડાયા હતા. જોકે, આગામી સિઝનપહેલાં જ તેમને હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી અને 2009થી તેઓ સતત આ પદ પર રહ્યા. ફ્લેમિંગ અને મહેન્દ્ર સિંહ ધોનીની જોડી IPLના સૌથી સફળ સંયોજનોમાંની એક ગણાય છે. ધોની મેદાન પર ટીમનું નેતૃત્વ કરતા રહ્યા, જ્યારે ફ્લેમિંગે ડ્રેસિંગ રૂમમાં વ્યૂહરચના, ખેલાડીઓનો વિકાસ અને ટીમ સંસ્કૃતિને નવી ઊંચાઈએ પહોંચાડી. તેમની શાંત કાર્યશૈલી અને લાંબા ગાળાની યોજના બનાવવાની ક્ષમતાએ CSKને સતત સફળતા અપાવી.
આ પણ ખાસ વાંચો : RCBને લાગી શકે મોટો ઝટકો! : મેક્કુલમ બાદ ECB બનાવી રહી છે મોટી યોજના, જાણો શું છે સમગ્ર મામલો
ફ્લેમિંગના માર્ગદર્શન હેઠળ CSKએ રચ્યો સફળતાનો ઇતિહાસ
સ્ટીફન ફ્લેમિંગના કાર્યકાળ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વખત IPL ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો. ઉપરાંત ટીમે બે વખત ચેમ્પિયન્સ લીગ T20નો ખિતાબ પણ જીત્યો હતો. આ સિવાય CSKએ રેકોર્ડ 12 વખત IPL પ્લેઓફમાં સ્થાન મેળવ્યું અને 10 વખત ફાઇનલ સુધીની સફર ખેડી હતી, જે ટીમની સતત સફળતા અને સ્થિરતાનો પુરાવો છે. જોકે છેલ્લા ત્રણ સિઝનમાં ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી નહોતી, તેમ છતાં ફ્લેમિંગનું યોગદાન અને તેમની સિદ્ધિઓ IPL ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે. અનેક ક્રિકેટ વિશ્લેષકોના મતે, તેમણે માત્ર મેચ જીતાડતી ટીમ જ નહીં પરંતુ એક મજબૂત ક્રિકેટિંગ સંસ્કૃતિ પણ ઉભી કરી.
મેનેજમેન્ટ અને ફ્લેમિંગ બંનેએ વ્યક્ત કરી કૃતજ્ઞતા
CSKના મેનેજિંગ ડિરેક્ટર કાશી વિશ્વનાથને જણાવ્યું કે ફ્લેમિંગે શરૂઆતથી જ ટીમની ઓળખ, વિચારધારા અને કાર્યપદ્ધતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે ખેલાડીઓની ક્ષમતા ઓળખી તેમને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહિત કરવાની ફ્લેમિંગની ખાસિયત હંમેશા યાદ રહેશે. પોતાના વિદાય સંદેશમાં સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું કે રમતગમતમાં 18 વર્ષ ખૂબ લાંબો સમય હોય છે અને CSK સાથે વિતાવેલો સમય તેમના કોચિંગ કારકિર્દીનો સૌથી ગૌરવપૂર્ણ અધ્યાય રહ્યો છે. તેમણે કહ્યું કે ટીમ સાથે મળીને મેળવેલી સફળતાઓ અને યાદો જીવનભર તેમની સાથે રહેશે અને તેઓ ભવિષ્યમાં પણ CSKના સમર્થક તરીકે જોડાયેલા રહેશે.
આ પણ ખાસ વાંચો : 4 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા પાસેથી છીનવાયો નંબર-1 T20I તાજ : ઇંગ્લેન્ડ પહોંચ્યું રેન્કિંગની ટોચ પર
હવે નવા કોચ કોણ? હેમાંગ બદાણીનું નામ ચર્ચામાં
ફ્લેમિંગની વિદાય બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે ચેન્નઈ સુપર કિંગ્સનો આગામી હેડ કોચ કોણ બનશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતના પૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણીનું નામ કોચિંગ સેટઅપ સાથે જોડાવાના મુખ્ય દાવેદારોમાં સામેલ છે. જોકે, ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી નવા હેડ કોચની સત્તાવાર જાહેરાત કરી નથી. હેમાંગ બદાણી પાસે કોચિંગ ક્ષેત્રનો અનુભવ છે, પરંતુ ફ્લેમિંગ જેવી સફળ અને લાંબી કારકિર્દી બાદ તેમની જગ્યા ભરવી કોઈપણ માટે સરળ નહીં હોય. આગામી દિવસોમાં CSK મેનેજમેન્ટ આ મુદ્દે અંતિમ નિર્ણય લઈ શકે છે.
CSK માટે નવા અધ્યાયની શરૂઆત
સ્ટીફન ફ્લેમિંગની વિદાય માત્ર કોચ બદલાવ નથી, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સના ઇતિહાસમાં એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા લગભગ બે દાયકામાં ફ્લેમિંગે ટીમને જે ઓળખ અને સ્થિરતા આપી છે, તે IPLમાં દુર્લભ ગણાય છે. હવે નજર એ વાત પર રહેશે કે CSK નવા કોચના નેતૃત્વ હેઠળ કેવી રીતે પોતાનું પુનર્નિર્માણ કરે છે અને આગામી સિઝનમાં ફરીથી ખિતાબની દાવેદાર તરીકે ઉભરી શકે છે કે નહીં.





