England and Wales Cricket Board : ઈંગ્લેન્ડ ક્રિકેટમાં મોટા ફેરફારોની વચ્ચે હવે ટેસ્ટ ટીમના નવા હેડ કોચની પસંદગી ચર્ચાનો કેન્દ્ર બની છે. બ્રેન્ડન મેક્કુલમના કાર્યકાળ પૂર્ણ થયા બાદ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) નવા કોચની શોધમાં છે અને મીડિયા અહેવાલો અનુસાર તેની પ્રથમ પસંદગી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના વર્તમાન હેડ કોચ એન્ડી ફ્લાવર છે. જોકે, ફ્લાવરને ઈંગ્લેન્ડ સાથે જોડવામાં સૌથી મોટો પડકાર તેમનો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથેનો આકર્ષક કરાર માનવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ ECB એન્ડી ફ્લાવરને ટેસ્ટ ટીમની કમાન સોંપવા માટે ગંભીર પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ RCB સાથેનો તેમનો લાંબા ગાળાનો અને ઊંચા મૂલ્યનો કરાર ઈંગ્લેન્ડ માટે મોટો અવરોધ બની શકે છે. જો ECB એન્ડી ફ્લાવરને પોતાના કોચિંગ સ્ટાફમાં સામેલ કરવામાં સફળ રહેશે, તો તે RCB માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે, કારણ કે ટીમ પોતાના સૌથી સફળ કોચમાંથી એકને ગુમાવી શકે છે.
મેક્કુલમના કાર્યકાળનો અંત
બ્રેન્ડન મેક્કુલમે વર્ષ 2022માં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમની જવાબદારી સંભાળી હતી. તેમના આગમન બાદ ટીમે આક્રમક અને નિર્ભય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, જેને વિશ્વ ક્રિકેટમાં 'બાઝબોલ' તરીકે ઓળખ મળેલી. શરૂઆતના 13 ટેસ્ટમાંથી 11 જીત સાથે ઈંગ્લેન્ડે નવી ઓળખ બનાવી હતી. જોકે છેલ્લા કેટલાક મહિનાઓમાં ટીમનું પ્રદર્શન સતત નબળું રહ્યું. ઓસ્ટ્રેલિયા સામે એશિઝ સિરીઝમાં 4-1થી પરાજય અને ત્યારબાદ છેલ્લી 12 ટેસ્ટમાંથી આઠ હાર મળતા મેક્કુલમના કાર્યકાળનો અંત આવ્યો. હવે આગામી એશિઝ સહિતના મહત્વના પડકારોને ધ્યાનમાં રાખીને ECB અનુભવી કોચની શોધમાં છે.
આ પણ ખાસ વાંચો : 4 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા પાસેથી છીનવાયો નંબર-1 T20I તાજ : ઇંગ્લેન્ડ પહોંચ્યું રેન્કિંગની ટોચ પર
ઈંગ્લેન્ડ માટે એન્ડી ફ્લાવર કેમ મહત્વના?
એન્ડી ફ્લાવર ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે અજાણ્યા નથી. તેઓ 2007માં સહાયક કોચ તરીકે જોડાયા હતા અને 2009માં ટીમ ડાયરેક્ટર બન્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ઈંગ્લેન્ડે 2009માં ઘરઆંગણે એશિઝ જીતી, 2010માં પ્રથમ ICC T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો અને 2010-11માં ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક એશિઝ વિજય મેળવ્યો. ઓગસ્ટ 2011માં ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની નંબર-1 ટીમ બની હતી. ભારત સામેની 4-0ની ટેસ્ટ સિરીઝ જીત પણ તેમના સફળ કાર્યકાળનો મહત્વપૂર્ણ ભાગ રહી હતી. જોકે 2013-14માં ઓસ્ટ્રેલિયા સામે 5-0ની શરમજનક હાર બાદ તેમણે હેડ કોચનું પદ છોડ્યું હતું.
RCB માટે ફ્લાવરની વિદાય મોટો ફટકો બની શકે
ઈંગ્લેન્ડ બાદ એન્ડી ફ્લાવરે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આધુનિક ડેટા આધારિત આયોજન, સ્પષ્ટ વ્યૂહરચના અને T20 ક્રિકેટની ઊંડી સમજના કારણે તેઓ વિશ્વના સૌથી સફળ કોચોમાં સામેલ થયા છે. RCBએ વર્ષ 2023માં તેમને હેડ કોચ તરીકે નિમ્યા હતા. ત્યારબાદ તેમણે ટીમની રમતની વિચારસરણીમાં નોંધપાત્ર ફેરફાર કર્યો. વધુ સંતુલિત સ્ક્વોડ, મજબૂત બોલિંગ અને ટીમ-પ્રથમ અભિગમ પર ભાર મૂકતા તેમણે ટીમને નવી દિશા આપી. વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલ ટીમે સતત સફળતા મેળવી અને RCBને નવી ઓળખ અપાવી. તેથી જો ફ્લાવર ઈંગ્લેન્ડનું કોચિંગ સ્વીકારે છે, તો તે બેંગલુરુ ફ્રેન્ચાઇઝી માટે મોટું નુકસાન ગણાશે.
આ પણ ખાસ વાંચો : ઇંગ્લેન્ડમાં ભારતની હારનું અસલી કારણ શું? : ચેતેશ્વર પૂજારાએ ગણાવ્યા 3 મુખ્ય કારણો
અન્ય દાવેદારો પણ રેસમાં
જો ECB એન્ડી ફ્લાવરને મનાવવામાં નિષ્ફળ જાય તો તેની પાસે અન્ય અનુભવી વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન કોચ અને હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લેંગર મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેમણે ઓસ્ટ્રેલિયા સાથે એશિઝ જાળવી રાખવાનો સફળ અનુભવ મેળવ્યો છે અને ઈંગ્લેન્ડના સ્થાનિક ક્રિકેટથી પણ સારી રીતે પરિચિત છે. તે સિવાય ઈંગ્લેન્ડ લાયન્સના કોચ એન્ડ્રુ ફ્લિન્ટોફ, સરેના સફળ કોચ ગેરેથ બેટ્ટી, પૂર્વ ઈંગ્લેન્ડ બેટ્સમેન જોનાથન ટ્રોટ, અનુભવી મિકી આર્થર અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કોચ ડેરેન લેહમેનના નામ પણ ચર્ચામાં છે. જોકે અનેક પૂર્વ ખેલાડીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે અનુભવ, આયોજન અને ટેસ્ટ ક્રિકેટની ઊંડી સમજને ધ્યાનમાં રાખીએ તો એન્ડી ફ્લાવર સૌથી યોગ્ય ઉમેદવાર બની શકે છે. હાલમાં ECB તરફથી નવા હેડ કોચ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આગામી દિવસોમાં આ મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે, જેના પર માત્ર ઈંગ્લેન્ડ જ નહીં પરંતુ IPL અને ખાસ કરીને RCBના ચાહકોની પણ નજર રહેશે.





