Weather Report Today: હવામાન વિભાગે ફરી એક વાર દેશના વિવિધ ભાગોમાં સાવધાનીની ચેતવણી જારી કરી છે. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી છે, તો કેટલાકમાં તીવ્ર ગરમી અને લૂનો પ્રકોપ વધવાનો સંકેત છે.
અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
રાજ્યમાં એકતરફ ગરમીનો પારો ઉંચકાયો છે. અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ પહોંચ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 43. ડિગ્રી તાપમાન રહ્યું છે. તો બીજીતરફ રાજ્યમાં ભરઉનાળે વરસાદની માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.
આગામી કેટલાક દિવસો સુધી ગરમીનો ત્રાસ યથાવત રહેશે: અંબાલાલ
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. 8 મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ પશ્ચિમ તરફથી આવતા ભેજયુક્ત પવનોના કારણે આ ફેરફાર જોવા મળશે. હાલમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છમાં 42 ડિગ્રી અને ઉત્તર સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે આગામી કેટલાક દિવસો સુધી ગરમીનો ત્રાસ યથાવત રહેવાનો છે.
આગામી 7 દિવસ ગુજરાત સહિત આ વિસ્તારો માટે સૌથી ભારે: કાળઝાળ ગરમી, વીજળી અને વાવાઝોડાથી ધ્રૂજશે, IMDનું ભયાનક એલર્ટ
પવન સાથે વરસાદી માહોલ જામશે
20 થી 23 મે દરમિયાન ફરી હવામાન પલટાશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજાં ઉછળવાની પણ સંભાવના છે, જેથી માછીમારોને ખાસ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આગાહી અનુસાર 29 મે પછી ફરી એકવાર હવામાનમાં ફેરફાર થશે અને 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવન સાથે વરસાદી માહોલ જામશે. તો હાલ માટે ગરમીનો કહેર યથાવત છે, પરંતુ આવનારા દિવસોમાં વરસાદ અને પવન સાથે રાહત મળવાની આશા છે.
અચાનક વાતાવરણમાં ફેરફાર લોકોને સતર્ક રહેવાની ચેતવણી
પરંતુ 12 મેથી 14 મે દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનમાં મોટો પલટો આવી શકે છે. રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ ગરમીમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. આગાહી મુજબ 10 થી 20 મે વચ્ચે અરબી દેશોની અસરથી કાળી આંધી આવી શકે છે. જેના કારણે પવનની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ થઈ શકે છે. ધૂળભર્યા પવનો અને અચાનક વાતાવરણમાં ફેરફાર લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી રહ્યા છે.





