Home Gujarat Imd Ahmedabad Rain Forecast Today Heavy Heavy Rain In South And Central Gujarat Districts

મધ્ય અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની નજર : આ જિલ્લાઓમાં આજે પડશે ધોધમાર

મધ્ય અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજાની નજર
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 05:10 AM IST

ગુજરાતમાં શ્રાવણ મહિનામાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન હવે નબળી પડીને ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ ગયું છે. હાલમાં આ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનની સરહદ પર સક્રિય છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસાની મુખ્ય ટ્રફ લાઇન શ્રીગંગાનગર, ઝુનઝુનુ અને રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે, જ્યારે બીજી ટ્રફ લાઇન અરબી સમુદ્રથી મધ્ય ગુજરાત અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન સુધી વિસ્તરી છે.

આ બન્ને સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. આજે, એટલે કે સોમવાર, 29મી જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી નથી, પરંતુ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

આજના ભારે વરસાદની આગાહી ધરાવતા મુખ્ય જિલ્લાઓમાં આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે હાલ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં લો-પ્રેશર વિસ્તાર, તેના ચક્રવાતી સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનના કારણે આગામી પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેવાની શક્યતા છે. માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પવનની ગતિ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે, તેમજ વીજળીના કડાકા ભડાકા પણ નોંધાવાની આગાહી છે.

બીજી તરફ નર્મદા ડેમમાં પાણીના સ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 125.98 મીટર પર પહોંચી ગઈ છે, જે મહત્તમ સપાટીથી 12.7 મીટર નીચે છે. છેલ્લા 24 કલાકમાં જ 1.24 મીટર એટલે કે 2.37% જેટલો વધારો નોંધાયો છે. હાલમાં ઉપરવાસમાંથી 1,06,637 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ઉપરવાસના ઓમકારેશ્વર ડેમ અને ઇન્દીરા સાગર ડેમ એલર્ટ પર છે. ઇન્દીરા સાગર ડેમમાંથી 2.62 લાખ ક્યુસેક પાણી છોડવાની તૈયારી છે. જેને લઇને ઓમકારેશ્વર ડેમ દ્વારા પણ પાણી છોડવાની શક્યતા છે અને આ બાબતે સરદાર સરોવર વિભાગને જાણ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now