Home International Illegal Blasting Wreaks Havoc In Karnataka 4 Leopards Die Including Pregnant Female

કર્ણાટકમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગનો કહેર : ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ

કર્ણાટકમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગનો કહેર
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 04:19 AM IST

Illegal Blasting: કર્ણાટકના બેંગલુરુ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થર ખનન અને બ્લાસ્ટિંગની ઘટનાએ વન્યજીવનને મોટું નુકસાન પહોંચાડ્યું છે. યશવંતપુર વિધાનસભા ક્ષેત્ર હેઠળના ચિક્કનહલ્લી અને બસવનપુરા વિસ્તારમાં એક ગર્ભવતી માદા દીપડી અને તેના પેટમાં ત્રણ મરિઓ સહિત કુલ ચાર દીપડાના મોત થયા છે. આ ઘટના 27 ડિસેમ્બરની આસપાસની છે અને તેનાથી વન્યજીવ પ્રેમીઓ તેમજ સ્થાનિક રાજકારણમાં ભારે રોષ ફેલાયો છે. વન વિભાગે તપાસ શરૂ કરી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્યે વિભાગ પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે.

બ્લાસ્ટિંગથી થયું મોત

બસવનપુરા જંગલ વિસ્તારમાં ૨૭ ડિસેમ્બરે એક ગર્ભવતી માદા દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે તેના પેટમાં ત્રણ મરિઓ હતા. વન વિભાગના અધિકારીઓના મતે, નજીકના ગેરકાયદેસર પથ્થર ખાણમાં થયેલા બ્લાસ્ટિંગથી ઉડેલા પથ્થરના ટુકડાએ દીપડીને અથડાવીને મારી નાખી હોય તેવું અનુમાન છે. મૃતદેહ છિન્નભિન્ન હાલતમાં મળ્યો હતો.સ્થાનિક ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે દાવો કર્યો છે કે, તાજેતરમાં તેમના વિધાનસભા વિસ્તારમાં ચાર દીપડાના મોત થયા છે અને તેનું કારણ ચિક્કનહલ્લી ગ્રામ પંચાયત હેઠળના વિશાળ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ખનન અને બ્લાસ્ટિંગ છે.

ધારાસભ્યના આકરા આરોપ અને આંદોલનની ચેતવણી

ભાજપમાંથી હાંસિયામ પર મુકાયેલા પૂર્વ મંત્રી અને યશવંતપુરના ધારાસભ્ય એસ.ટી. સોમશેખરે વન વિભાગ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર બ્લાસ્ટિંગ ચાલી રહ્યું છે, પરંતુ અધિકારીઓ અને મંત્રીઓએ આંખ આડા કાન કર્યા છે. તેમણે વનમંત્રીને અનેક વખત સંપર્ક કરવાના પ્રયાસ કર્યા છતાં કોઈ જવાબ ન મળ્યાની ફરિયાદ કરી છે. સોમશેખરે વન વિભાગને ઔપચારિક પત્ર લખીને માંગ કરી છે કે: ગેરકાયદેસર બ્લાસ્ટિંગ તાત્કાલિક બંધ કરાવવું, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી. મોત માટે જવાબદારી નક્કી કરવી. આ સિવાય તેમણે ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક પગલાં ન લેવાય તો તેઓ આંદોલન કરશે.

વનમંત્રીનો પ્રતિસાદ અને તપાસના આદેશ

આ આરોપોના જવાબમાં કર્ણાટકના વન, પર્યાવરણ અને ઇકોલોજી મંત્રી ઇશ્વર ખંડ્રેએ વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે કે નહીં તે તપાસાશે અને જો ખનનને કારણે દીપડાના મોત થયા હોય તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વન્યજીવ સંરક્ષણ અને ગેરકાયદેસર ખનનના મુદ્દે સરકારી તંત્રની કામગીરી પર મોટા સવાલો ઉભા કરે છે. વન્યજીવ પ્રેમીઓએ આને પર્યાવરણ અને વન્યજીવન માટે ગંભીર ધોકો ગણાવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now