International Energy Agency : ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર હવે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર પણ દેખાવા લાગી છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ફાતિહ બિરોલે ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) થી તેલ પુરવઠામાં અવરોધો એપ્રિલ મહિનામાં વધુ વધી શકે છે. ખાસ કરીને જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના માર્ગો પર સ્થિતિ વધુ વણસે તો મુશ્કેલીઓ વધી શકે છે.
યુદ્ધની અસર યુરોપ સુધી પહોંચી શકે છે
બિરોલના જણાવ્યા અનુસાર, સપ્લાયમાં ઘટાડાને કારણે યુરોપ સહિતના ઘણા વિસ્તારો પર તેની ગંભીર અસર પડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એપ્રિલમાં તેલની અછત માર્ચ મહિના કરતા બમણી થઈ શકે છે. તેલની સાથે એલએનજી (LNG) ના પુરવઠાને પણ અસર થશે. હાલમાં જેટ ફ્યુઅલ અને ડીઝલની અછત સૌથી મોટો પડકાર બની રહી છે. જેની અસર પહેલા એશિયામાં જોવા મળી રહી છે અને ટૂંક સમયમાં તે યુરોપ સુધી પહોંચી શકે છે.
IEAએ જણાવ્યું હતું કે માર્ચમાં જે દબાણ જોવા મળ્યું હતું તે માત્ર એક સંકેત (ટ્રેલર) હતું, જ્યારે એપ્રિલમાં તેની અસલી અસર સામે આવી શકે છે." IEA ના મતે, ભૌગોલિક-રાજકીય (Geo-political) તણાવને કારણે કાચા તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે, જે સીધી રીતે ગ્લોબલ એનર્જી માર્કેટને પ્રભાવિત કરશે.
અર્થતંત્ર અને મોંઘવારી પર વધશે દબાણ
માર્કેટ એનાલિટિસ્ટ્સનું માનવું છે કે જો સ્થિતિ વધુ બગડશે તો બ્રેન્ટ અને WTI જેવા ક્રૂડ ઓઈલ બેન્ચમાર્કની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી શકે છે. તેની અસર માત્ર ઉર્જા સુરક્ષા પર જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને મોંઘવારી પર પણ પડશે.
યુરોપ પહેલેથી જ ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે, તેવામાં મધ્ય પૂર્વમાં વધતો તણાવ તેની સ્થિતિને વધુ પડકારજનક બનાવી શકે છે. IEA એ સંકેત આપ્યો છે કે આવનારા સમયમાં બજારે વધુ અનિશ્ચિતતાઓનો સામનો કરવો પડી શકે છે.





