ICC Women's T20 World Cup 2026 : મહિલા ક્રિકેટનો સૌથી મોટો સ્ટેજ હવે તૈયાર થઈ ગયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ આગામી મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે મેચ અધિકારીઓની પેનલની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ક્રિકેટના આ મહાકુંભમાં ભારત માટે એક ખૂબ જ ગર્વના સમાચાર સામે આવ્યા છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં મેચોનું સંચાલન કરવા માટે કુલ ચાર ભારતીય મહિલા ઓફિશિયલ્સની પસંદગી કરવામાં આવી છે જે સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે.
માત્ર મહિલાઓનું રાજ
આ વર્લ્ડ કપની સૌથી ખાસ અને મોટી વાત એ છે કે, ટૂર્નામેન્ટની તમામ મેચોમાં માત્ર મહિલા અમ્પાયર અને મહિલા મેચ રેફરી જ જોવા મળશે. ક્રિકેટના ઇતિહાસમાં આવું સતત ત્રીજી વખત બનવા જઈ રહ્યું છે જ્યાં પુરૂષ ઓફિશિયલ્સ વિના આખો ટૂર્નામેન્ટ રમાશે. આ નિર્ણય મહિલા સશક્તિકરણ અને ક્રિકેટ જગતમાં મહિલાઓની વધતી શક્તિનું એક મોટું પ્રતીક છે.
ટૂર્નામેન્ટનું આયોજન અને ઓફિશિયલ્સ
આ મેગા ક્રિકેટ ટૂર્નામેન્ટ 12 જૂનથી ઈંગ્લેન્ડ અને વેલ્સના સુંદર મેદાનો પર શરૂ થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 33 હાઇ-વોલ્ટેજ મેચો રમાશે. આ તમામ મેચોને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ICC એ 14 અમ્પાયર્સ અને 4 મેચ રેફરીની પસંદગી કરી છે. આ તમામ ઓફિશિયલ્સ પોતાના એક્સપિરિયન્સ અને કુશળતાના આધારે નિર્ણયો લેશે.
ભારતની દીકરીઓનો દબદબો
પસંદ કરાયેલા ચાર ભારતીય અધિકારીઓમાં સૌથી મોટું અને જાણીતું નામ જીએસ લક્ષ્મીનું છે. જીએસ લક્ષ્મીએ વર્ષ 2019 માં ICC ની પ્રથમ મહિલા મેચ રેફરી બનીને ઇતિહાસ રચ્યો હતો અને હવે તેઓ છઠ્ઠી વખત આ જવાબદારી નિભાવશે. તેમની સાથે અમ્પાયરોની યાદીમાં ભારતની જનાની એન અને વૃંદા રાઠી પણ સામેલ છે.
ગાયત્રીનું શાનદાર ડેબ્યૂ
આ વખતે ભારતની ગાયત્રી વેણુગોપાલન માટે આ ટૂર્નામેન્ટ ખૂબ જ ખાસ રહેવાની છે. ગાયત્રી આ વર્ષે પોતાના કરિયરનો પહેલો વિમેન્સ T20 વર્લ્ડ કપ હોસ્ટ કરવા જઈ રહી છે. ઓફિશિયલ્સ તરીકે આ તેના કરિયરની સૌથી મોટી તક માનવામાં આવી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ક્લેર પોલોસાક આ ટૂર્નામેન્ટની સૌથી અનુભવી અમ્પાયર તરીકે ભાગ લેશે.
અમ્પાયર્સની યાદી (કુલ 14)
જનાની એન (ભારત), વૃંદા રાઠી (ભારત), ગાયત્રી વેણુગોપાલન (ભારત), ક્લેર પોલોસાક (ઓસ્ટ્રેલિયા), કિમ કોટન (ન્યુઝીલેન્ડ), જેક્લીન વિલિયમ્સ (વેસ્ટ ઈન્ડિઝ), લોરેન એજેનબેગ (સાઉથ આફ્રિકા), અન્ના હેરિસ (ઈંગ્લેન્ડ), શથિરા ઝાકિર જેસી (બાંગ્લાદેશ), કરીન ક્લાઉસ્ટે (ફ્રાન્સ), કેન્ડેસ લા બોર્ડે (વેસ્ટ ઈન્ડિઝ), નિમાલી પરેરા (શ્રીલંકા), સુજાન રેડફર્ન (ઈંગ્લેન્ડ) અને એલોઈસ શેરિડન (ઓસ્ટ્રેલિયા).
મેચ રેફરીની યાદી (કુલ 4)
જીએસ લક્ષ્મી (ભારત), ટ્રુડી એન્ડરસન (ન્યુઝીલેન્ડ), શેન્ડ્રે ફ્રિટ્ઝ (સાઉથ આફ્રિકા) અને મિશેલ પરેરા (શ્રીલંકા).





