Home Automobile Hyundai Humanoid Robot Atlas Protest South Korea Labor Union Jobs

Hyundaiની ફેક્ટરીમાં માનવ રોબોટની એન્ટ્રીથી કર્મચારીઓ લાલઘૂમ : મજૂર યુનિયને આપી ચેતવણી, રોબોટને કામ કરવા નહીં દઈએ

Hyundaiની ફેક્ટરીમાં માનવ રોબોટની એન્ટ્રીથી કર્મચારીઓ લાલઘૂમ
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 06:00 PM IST

દક્ષિણ કોરિયામાં સ્થિત Hyundai મોટર પ્લાન્ટમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. કંપની દ્વારા ફેક્ટરીમાં 'હ્યુમનોઈડ રોબોટ' તૈનાત કરવાના નિર્ણયનો કર્મચારી યુનિયને સખત વિરોધ કર્યો છે. અંદાજે 40 હજાર સભ્યો ધરાવતા આ યુનિયને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ અને મજૂરો વચ્ચે કોઈ નક્કર સમજૂતી નહીં થાય, ત્યાં સુધી પ્રોડક્શન લાઇન પર કોઈ પણ રોબોટને પગ મૂકવા દેવામાં આવશે નહીં. કર્મચારીઓને ડર છે કે કંપની લેબર કોસ્ટ ઘટાડવા માટે આ ટેકનોલોજી લાવી રહી છે, જેના કારણે લાખો લોકોની નોકરીઓ છીનવાઈ શકે છે.

'એટલાસ' રોબોટનો ફફડાટ અને CES 2026ની રજૂઆત

ન્યૂઝ એજન્સીઓના રિપોર્ટ મુજબ કર્મચારીઓની ચિંતાનું મુખ્ય કારણ 'એટલાસ' નામનો નવો હ્યુમનોઈડ રોબોટ છે. આ રોબોટને ચાલુ વર્ષના પ્રારંભમાં અમેરિકાના લાસ વેગાસમાં યોજાયેલા CES 2026 ઇવેન્ટમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ રોબોટ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં મોટી ઉથલપાથલ મચાવવાની ક્ષમતા ધરાવે છે. યુનિયનનું માનવું છે કે કંપની સ્થાનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં માણસોની જગ્યાએ મશીનો ગોઠવીને ખર્ચ કાપવાની ફિરાકમાં છે.

હુબહુ ઇન્સાન જેવો દેખાય છે Atlas

તમને જણાવી દઈએ કે આ રોબોટનું નિર્માણ Hyundaiની માલિકીની કંપની Boston Dynamics દ્વારા કરવામાં આવ્યું છે. એટલાસ રોબોટ દેખાવમાં બિલકુલ માણસ જેવો છે, જેને બે હાથ અને બે પગ છે અને તે જટિલ કામો પણ આસાનીથી કરી શકે છે. કંપનીની યોજના વર્ષ 2028 સુધીમાં અમેરિકામાં એક એવી ફેક્ટરી સ્થાપવાની છે જ્યાં દર વર્ષે 30 હજાર આવા રોબોટ્સ તૈયાર કરવામાં આવશે. યુનિયનનો આરોપ છે કે કંપની ઘરેલું ઉત્પાદન ઘટાડીને વિદેશી પ્લાન્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનાથી સ્થાનિક રોજગાર પર ખતરો મંડરાઈ રહ્યો છે.

વિદેશમાં વધતું ઉત્પાદન અને યુનિયનની નારાજગી

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે કોરિયામાં આવેલા બે પ્લાન્ટ્સમાં પહેલેથી જ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે કંપની પોતાનું આઉટપુટ અમેરિકાના જ્યોર્જિયા સ્થિત મેટાપ્લાન્ટમાં ટ્રાન્સફર કરી રહી છે. વર્ષ 2028 સુધીમાં ત્યાં વાર્ષિક ઉત્પાદન 1 લાખથી વધારીને 5 લાખ વાહનો કરવાનું લક્ષ્ય છે. આ ગતિવિધિઓથી સ્પષ્ટ જણાય છે કે કંપની પોતાના બિઝનેસને વિદેશમાં શિફ્ટ કરી રહી છે અને રોબોટ્સની ભરતી કરીને માનવ સંસાધનોની જરૂરિયાત ઘટાડવા માંગે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now